હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતનું વાતાવરણ આગામી પાંચ દિવસ દરમિયાન શુષ્ક રહેશે તથા મહત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચતા દિવસ દરમિયાન છેલ્લા થોડા સમયમાં જે અતિશય ગરમી સહન કરવી પડતી હતી, તેમાંથી ગુજરાતવાસીઓને મુક્તિ મળશે. તથા લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી નજીક પહોંચતા રાત્રિ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તરપૂર્વીય છે, જેથી હિમાલયની હિમવર્ષાની સામાન્ય અસરો ગુજરાત સુધી આવશે. તેમાં પણ આગામી એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધવાની સંભાવના વિવિધ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 5 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકની સરખામણીએ 0.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. એટલે કે લઘુત્તમ તાપમાન સતત ઘટવાને બદલે વધી રહ્યું છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન સૌથી ઓછું
બીજી તરફ રાજ્યભરના તમામ શહેરોનું મહત્તમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતા 0.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન વધુ રહીને 32.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે છેલ્લા 24 કલાકની સરખામણીએ ઘટી રહ્યું છે. તથા રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગાંધીનગરમાં સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઓછું રહીને 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અત્યાર સુધીનું રાજ્યભરમાં આ વર્ષમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયું હતું.