આજકાલના યુવાનોમાં કંઈક નવું કરવાની ઘેલછા હરહંમેશ જોવા મળે છે. યુવાધનમાં એટલો જુસ્સો હોય છે કે, તેઓ ધારે તો કંઈ પણ હાંસલ કરી લે છે. કોઈ અભ્યાસમાં, કોઈ વ્યવસાયિક રીતે અથવા તો તેમનામાં એ પ્રકારનું ટેલેન્ટ હોય છે જેના થકી તેઓ સતત સંઘર્ષ કરીને અંતે સિદ્ધિ હાંસલ કરી જ લેતા હોય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ એ યુવાનની જેણે માત્ર તેના પરિવાર અને સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. BSFની ટ્રેનિંગનો બેસ્ટ એવોર્ડ એનાયત કરાયો
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામના મગાજી ગોળીયાના વતની નરસિંહભાઈ મગનાજી માળીના સુપુત્ર પંકજે દિલ્હી ખાતે BSFની તાલીમ પૂર્ણ કરી છે. દિલ્હી ખાતે યોજાયેલા BSF જવાનોના દીક્ષાંત પરેડ સમારોહમાં પંકજ માળીને BSFની ટ્રેનિંગનો બેસ્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું
સાથે સાથે પંકજ માળીએ તેની BSFની ટીમનાં મુખ્ય પરેડ કમાન્ડર તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે સમગ્ર માળી સમાજ, મોરથલ ગામ અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાલીમ અને દિક્ષાંત પરેડ પૂર્ણ કરીને વતન પધારતા પંકજ માળીનું સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને ગ્રામજનો દ્વારા શિવ મંદિરે ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જીવનમાં આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.