back to top
Homeગુજરાતબુલડોઝર કાર્યવાહી:વડોદરા નાગરવાડાના યુવાનની હત્યા બાદ પાલિકા દ્વારા મચ્છીપીઠ અને તાંદલજામા દબાણો...

બુલડોઝર કાર્યવાહી:વડોદરા નાગરવાડાના યુવાનની હત્યા બાદ પાલિકા દ્વારા મચ્છીપીઠ અને તાંદલજામા દબાણો દૂર કરાયા, ટોળાં ઉમટ્યાં

શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરિતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે મુસ્લિમ વસ્તીવાળા મચ્છીપીઠ-નાગરવાડા રોડની લારીઓ, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી સમયે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આ કાર્યવાહી સમયે કોઈ અપ્રિય ઘટના બની નથી. ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા
મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા અવારનવાર મચ્છીપીઠ સલાટવાડા- નાગરવાડા રોડ ઉપર સાંજ પડતાની સાથે જ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ દિવસ લારીઓ બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે આજે વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મચ્છી પીઠ સલાટવાળા – નાગરવાડા રોડ ઉપરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો
સાંજે ખાણીપીણીની લારીઓ જમાવટ કરે તે સાથે જ પાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ ઉપર ત્રાટકી હતી. દબાણ શાખાની ટીમ જેસીબી, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા કોઈની શેહશરમ રાખ્યા વિના અને વિરોધનો પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક રાહે કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે ટોળે વળેલા લોકો કશું કરી શક્યા ન હતા. કોઈ અપ્રિય ઘટના બની નથી
મળેલી માહિતી પ્રમાણે નાગરવાડા મહેતાવાડી વિસ્તારના ભાજપાના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની સ્થાનિક માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા બાદ પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે દબાણ શાખાના અધિકારી મંગેશ જયશ્વાલે આ કામગીરી રૂટીન હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે પાલિકાની દબાણ શાખા દ્વારા અવારનવાર મચ્છી પીઠ સલાટવાળા – નાગરવાડા રોડ ઉપર ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવે છે. આમ છતાં વેપારીઓ દ્વારા ખાણીપીણીની ​​​​​​​લારીઓ શરૂ કરી દેતા હોય છે. આથી આજે રસ્તો ખુલ્લો કરવાને ટ્રાફિકને અડચણરૂપ આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 15 લારીઓ અને કાચા-પાકા શેડ દૂર કર્યા
​​​​​​​વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે સાંજે નાગરવાડા રોડ ઉપર દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરતાં જ વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. તે સાથે આ વિસ્તારમાં ભારે ચકચાર પણ મચી ગઈ હતી અને લોકો દ્વારા નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાને પગલે આ દબાણો દૂર કરાવવામાં આવી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી. પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત પાલિકા દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં પણ કિસ્મત ચોકડી,તાંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હત્યાની ઘટના બાદ પાલિકા દ્વારા બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા મચ્છીપીઠ-નાગરવાડા રોડ અને તાંદલજા વિસ્તારમાં ગેરકાયદેસર રસ્તામાં અવરોધરૂપ ખાણીપીણીની લારીઓ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments