સરકારે દિવાળી વેકેશન જાહેર કર્યું હતું, તેવામાં છેલ્લા સપ્તાહમાં મોરબીના માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી શાળાની બસો જોવા મળી હતી. જેથી કરીને વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર મોરબી જિલ્લાની પાંચ ખાનગી શાળાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું તો પણ મોરબી જિલ્લામાં દિવાળી વેકેશન દરમિયાન કેટલીક ખાનગી શાળા ચાલુ કરવામાં આવી હતી અને તેની બસો વિદ્યાર્થીને લઈ જતી અને લઈ આવતી મોરબીના માર્ગો ઉપર જોવા મળી હતી. જેથી કરીને વાઇરલ વીડિયો આધારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. જે શાળાની બસના વીડિયો વાઇરલ હતા, તે શાળા વેકેશનમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને હાલમાં નાલંદા વિદ્યાલય, આર્ય વિદ્યાલય, માસૂમ વિદ્યાલય, એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિદ્યાલયને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને પાંચ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે તેવી માહિતી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઈન્ચાર્જ શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ અંબારીયા પાસેથી જાણવા મળી છે.