ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ નકલી જજ, નકલી ઇન્કમટેક્સ ઓફિસર, નકલી ટોલનાકા અને હવે તો નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ પણ મળી આવી છે. સુરતમાં 17મીએ બે નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી અને નકલીનો ભાંડો ફૂટતાં જ 18 કલાકમાં જ સીલ થઈ ગઈ હતી. નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પણ પહોંચ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. સંચાલકે ના તો હોસ્પિટલ શરૂ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ના તો હોસ્પિટલમાં કોઈ ફાયર સેફ્ટીનાં સાધનો હતાં. જે ફાયરનાં સાધનો હતાં એ પણ તપાસમાં બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ઉદ્ઘાટન બાદ ડોક્ટરની કેબિનમાં ડોક્ટરની ખુરસી પર રાઘવેન્દ્ર વત્સ બેઠા હોય એ તસવીર પણ સામે આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સની વાઈરલ તસવીર અંગે તેમનો પક્ષ જાણવા માટે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો ફોન સતત નો રિસીવ આવ્યો હતો. 17 તારીખે જ્યારે નકલી હોસ્પિટલનુ ઉદઘાટન થયું ત્યારે ફોટોમાં જોઈ શકાય છે કે ત્રણ આરોપી સાથે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હોસ્પિટલની અંદર અને બહાર જોઈ શકાય છે. ભાસ્કરને જે ફોટોગ્રાફ મળ્યા છે એમાં રાઘવેન્દ્ર વત્સ બોગસ ડોક્ટરની ચેર પર બેસેલા જોવા મળી રહ્યા છે. જ્યારે 18 તારીખે હોસ્પિટલ બોગસ હોવાનું બહાર આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ કમિશનરનું નામ ઉદ્ઘાટન પત્રિકામાં તેમની જાણ બહાર લખવામાં આવ્યું હતું, પણ ભાસ્કરને જે ફોટોગ્રાફ મળ્યા છે એમાં સ્પષ્ટ દેખાય છે કે બોગસ હોસ્પિટલ શરૂ કરનારા ત્રણ આરોપી સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને બુકે આપી રહ્યા છે. કાર્ડ પર છપાયેલા અધિકારીઓનાં નામને લઈને ચર્ચા
બોગસ રીતે ઊભી કરેલી આ હોસ્પિટલમાં જેસીબી ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ ઉદ્ઘાટન બાદ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે આજે ઇન્વિટેશન કાર્ડ છપાવવામાં આવ્યું હતું એ પોલીસને જાણ હતી. રાઘવેન્દ્ર વત્સ જાણે એ રીતે ત્યાં દેખાતા હતા કે તેઓ આરોપીઓના ખૂબ જ નજીકની વ્યક્તિ છે અને તેમની સાથે તેમનો પરિચય પણ ખૂબ સારો છે એટલું જ નહીં, પરંતુ હોસ્પિટલમાં જે મેઈન ઓનર છે તેની ચેર ઉપર પણ તેઓ બેઠા હતા અને આરોપી તેમની આજુબાજુ ઊભા રહી ગયા હતા. દર્દીઓના પૈસા લઈ તેમના જીવન સાથે રમવામાં આવી રહ્યું હતું
જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી નામની આ નકલી હોસ્પિટલમાં દર્દીઓના એડવાન્સ પૈસા લઈને તેમના જીવન સાથે રમત રમવામાં આવી રહી હતી. એટલું જ નહીં, હોસ્પિટલના ઉદ્ઘાટન માટેના આમંત્રણપત્રિકા પર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ પણ છાપવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓ આ વાતથી અજાણ હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો, પરંતુ હાલ ઉદ્ઘાટન સમયના રાઘવેન્દ્ર વત્સના હોસ્પિટલના સંચાલક સાથેના ફોટા વાઇરલ થતાં ફરી મામલો ગરમાયો છે. રાઘવેન્દ્ર વત્સની ઉદ્ઘાટન સમયની તસવીરો વાઇરલ
હોસ્પિટલનો વિવાદ ગરમાતાં સોમવારે તંત્ર હરકતમાં આવ્યું હતું. પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાબડતોબ સ્થળ પર પહોંચ્યો હતો અને હોસ્પિટલને સીલ મારવા સાથે સંચાલકોને પોલીસ મથક લઈ જવાયા હતા. સુરત જનસેવા હોસ્પિટલ ઉદ્ઘાટનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પહોંચ્યા હતા, જેની તસવીર સામે આવી હતી, ઉદ્ઘાટન બાદ ડોક્ટરની કેબિનમાં ડોક્ટરની ખુરસી પર રાઘવેન્દ્ર વત્સ બેઠા હોય એ તસવીર પણ સામે આવી છે. એ બાબતે રાઘવેન્દ્ર વત્સને ફોન કરવામાં આવતા તેઓ ફોન ઉપાડતા નહોતા. નકલી હોસ્પિટલ મામલે શું કહ્યું હતું પોલીસે?
પાંડેસરા બોગસ ડોક્ટર હોસ્પિટલ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે બબલુ શુક્લા બોગસ ડોક્ટર છે, તેમના વિરુદ્ધ અગાઉ પાંડેસરામાં કેસ થયો છે. રાજારામ કેશવ પ્રસાદ દુબે પણ બોગસ ડોક્ટર છે, તેમના વિરુદ્ધ પાંડેસરામાં કેસ થયો છે.
ગંગાપ્રસાદ મિશ્રા પોતાને બીએચએમએસ ડોક્ટર બતાવે છે, તેમના વિરુદ્ધ નવસારીના વાંસદા મહુવાના અને પાંડેસરા પોલીસમાં પ્રોહિબિશનના કેસ દાખલ છે. તેમની ડિગ્રી વેરિફાય કરવામાં આવી રહી છે. અન્ય એમડી ડોક્ટરની ડિગ્રી ચકાસવામાં આવશે. પ્રમોદ તિવારી પોતાને રિટાયર્ડ પીએસઆઇ બતાવે છે, જે હોસ્પિટલનો માલિક છે, તેઓ ક્યારે રિટાયર્ડ થયા એ તપાસ કરવામાં આવશે. પ્રમોદ તિવારીના પુત્ર ધવલની મેડિકલની દુકાન છે. હાલ આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી છે. પોલીસે ફાયર વિભાગ સાથે તપાસ શરૂ કરી
બમરોલી રોડ પર કર્મયોગી સોસાયટી ખાતે રવિવારે પોલીસ અધિકારીઓને અતિથિ વિશેષ તરીકે આમંત્રણપત્રિકામાં સમાવેશ કરીને જનસેવા નામથી એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો. સંચાલકો પૈકી ત્રણ અગાઉ ઝોલાછાપ તરીકે પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલા આરોપી હોવાથી ભારે હોબાળા બાદ સોમવાર સવારથી વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. સવારે લોકના રોષને ઠારવા પોલીસ ફાયર વિભાગને સાથે રાખીને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. સંચાલકોની લવારાબાજીને સહેજે મચક ન આપતાં પોલીસે ફાયર વિભાગ સાથે તપાસ શરૂ કરી હતી. નકલી હોસ્પિટલ મામલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું હતું કે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી છે, અમે પણ સંચાલકોને નોટિસ આપવા જઈ રહ્યા છીએ. તમામ પ્રકારની વિગતો અમે મગાવી તપાસ કરીશું. હોસ્પિટલમાં કેટલા ડોક્ટરો હતા? શું વ્યવસ્થા હતી? ડોક્ટરોની ડીગ્રી શું છે અને જે સ્ટાફ છે તે ક્વોલિફાઇડ છે કે નહીં અને તેમને અનુભવ છે કે નહીં એ તમામ પ્રકારની વિગતો અમે મગાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં નોટિસ આપીને તેમને આ તમામ વિગતો મોકલવા માટે અમે કહીશું. આ ઉપરાંત આ તમામ પ્રકારની જાણકારી અમે કલેકટરને પણ આપીશું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રજિસ્ટ્રેશન પણ ન હતું
તપાસ ટીમે ચકાસણી કરી તો જનસેવા હોસ્પિટલના સંચાલકો પાસે હોસ્પિટલ ચલાવવા જરૂરી SMC હોસ્પિટલ રજિસ્ટ્રેશન, ફાયર રજિસ્ટ્રેશન અને NOC ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ મુજબની નોંધણી તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રજિસ્ટ્રેશન પણ ન હતું. એટલું જ નહીં, કોઈ પ્રમાણભૂત દસ્તાવેજો ન મળતાં અને ફાયરનાં સાધનોની કોઈ પૂરતી તકેદારી રાખવામાં ન આવતાં આ સ્થળને સીલ કરવામાં આવ્યું હતું. બહાર લોકોનાં ટોળેટોળાં રોષ ઠાલવી રહ્યાં હતાં. દાખલ પેશન્ટને અહીંથી ખસેડી લેવા તેમના સંબંધીઓ પણ હાજર થતાં પોલીસે સમજદારી દાખવી હોસ્પિટલને સીલ મારવા સાથે સંચાલક આરોપીઓની અટકાયત કરી પોલીસ મથક રવાના થઈ હતી. પોલીસ કમિશનરે જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા
કર્મયોગી સોસાયટીના પ્રમુખે જ્યારે ક્રાઈમ બ્રાન્ચનું ટેગ લાગીને ફરતી કારના ચાલકને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેમણે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. તે વ્યક્તિ પ્રમોદ તિવારી, જે જનસેવા હોસ્પિટલનો મુખ્ય ઈન્વેસ્ટર કહેવાય છે. વિવાદોના ઘર સમો વડો આ પ્રમોદ તિવારીનો પુત્ર ધવલ ફાર્માસિસ્ટ છે, જેને સેટ કરવા તેણે તિકડમબાજી ચલાવી બધું મેનેજ કરવાની જવાબદારી ઉપાડી હતી. પ્રમોદ તિવારી એક PSIનો સંબંધી હોવાના નાતે જાતે જ પોલીસ હોવાનો ડોળ કરીને અનેક ગોટાળા કરતો હોવાની ફરિયાદો અનેક વખત વિસ્તારમાં ઊઠી હતી, જે ભરૂચથી નિવૃત્ત થયો હતો. વધુમાં આમંત્રણપત્રિકામાં પાલિકા કમિશનરનું નામ પણ રાખવામાં આવ્યું હોવાથી સંલગ્ન ઝોનને તપાસના આદેશ આપ્યા છે. નિયમોનું ઉલ્લંઘન
આગ સલામતીનાં કોઈ સાધનો ન હતાં.
ત્યાં કોઈ માન્યતાપ્રાપ્ત તબીબી સ્ટાફ ન હતો.
જિલ્લા વહીવટીતંત્રને જાણ કર્યા વિના હોસ્પિટલ ખોલવામાં આવી હતી.
હોસ્પિટલમાં વિવિધ દવાઓના ઢગલા મળ્યા હતા
દર્દીઓ સારવાર માટે પણ પહોંચ્યા હતા. બસ, હવે ક્યાંક નકલી સરકાર ન મળી જાય! 1) નકલી જજ,22 ઓક્ટોબર-2024: મોરિસ સેમ્યુલ ક્રિશ્ચયન નામના શખ્સે ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયને 100 એકરથી વધુની સરકારી જમીનો પોતાના નામે કરવાના નકલી હુકમો કરી અબજોની જમીન હડપી લીધી છે. તેણે આર્બિટ્રેટર જજ બનીને નકલી સ્ટાફ અને વકીલો રાખીને કોર્ટનો માહોલ ઊભો કર્યો હતો. 2) મંત્રીઓના નકલી પીએ, ડિસેમ્બર 2023: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PA તરીકે ખોટી ઓળખ આપીને સુપ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપવાના મામલે પોલીસે નકલી PAની અટકાયત કરી હતી. 3) નકલી પીએમઓ અધિકારી, માર્ચ 2023: કિરણ પટેલ આજે પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે. પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપી કિરણે કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સરકારી બેઠકો પણ કરી હતી. 4) નકલી ટોલનાકું, ડિસેમ્બર 2023: વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓ નકલી ટોલનાકુ બનાવી પૈસા ઉઘરાવતા હતા. 5) નકલી સરકારી કચેરી, નવેમ્બર 2023: દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીઓ ઊભી કરીને ટોળકીએ વર્ષ 2018થી 2022 દરમિયાન 100 કામની ખોટી દરખાસ્તો તૈયાર કરીને 18.59 કરોડ સેરવી લીધા હતા. 6) નકલી સિરપ, ડિસેમ્બર 2023: નડિયાદમાં આયુર્વેદિક સિરપ પીધા બાદ ઘણા લોકોનાં મોત થયાં હતાં. સિરપમાં નશા માટે ઝેરી કેમિકલ ભેળવાયું હતું એવું તપાસમાં બહાર આવ્યું હતું. 7) નકલી આઇપીએસ અધિકારી, નવેમ્બર 2023: સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો હતો. આ નકલી IPS ચાર રસ્તા પર લોકોના વાહનો ચેક કરાવાનો ડોળ કરી વાહનચાલકોને મેમો પકડાવતો હતો. 8) નકલી CMO અધિકારી, નવેમ્બર 2023: CMO ઓફિસના અધિકારીની ઓળખ આપીને લોકોને ફસાવનાર વિરાજ પટેલ સામે દુષ્કર્મનો આરોપ હતો. ફરાર થયા બાદ તે મેઘાલયમાંથી ઝડપાયો હતો. 9) નકલી સરકારી કચેરી, ઓક્ટોબર 2023: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝનની આખેઆખી બનાવટી સરકારી કચેરી ઊભી કરાઈ હતી. આ કચેરીએ 93 સરકારી કામો મંજૂર કરાવી સરકાર પાસેથી કુલ 4.15 કરોડથી વધુ તફડાવી લીધા હતા. 10) નકલી વૈજ્ઞાનિક, ઓગસ્ટ 2023: જ્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઊતર્યું ત્યારે સુરતના મિતુલ ત્રિવેદીએ કહ્યું હતું કે સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમનો સભ્ય હતો. કૉન્સેપ્ટ ડિઝાઈનિંગમાં પણ મેં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. 29 ઓગસ્ટના દિવસે સુરત પોલીસે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી લીધી હતી.