અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડીયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસકર્મીઓની જિલ્લાફેર બદલી દેવાતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મોટી બૂમ પડતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસકર્મીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓને બદલી કરી દીધા બાદ શહેરમાં અલગ વાતાવરણ ઊભું થાય તે માટેનો પ્રયાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે અને આ તમામ લોકોની જિલ્લા બહાર બદલી કરવા માટે ડીજીપી ઓફિસને પત્ર લખવામાં આવ્યો હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. આ સમગ્ર બદલીઓ થતા અમદાવાદ શહેર પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે તેની સાથે અમદાવાદ શહેરની એક મહત્વની બ્રાન્ચમાંથી પણ એક પોલીસ કર્મચારીની જિલ્લામાં બદલી થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે બીજા કેટલાક પોલીસકર્મીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે જે અગાઉ અનેક વખત વિવાદમાં આવ્યા છે અને શહેરની કે કંપનીમાં પણ ફરજ પર મૂકવામાં આવ્યા હતા.