પાલનપુરમાં નિવૃત સહકારી અધિકારી વર્ગ 3 અને હાલ કરાર આધારિત તપાસ સહકારી મંડળી અધિકારીને બનાસકાંઠા ACBની ટીમે રૂ.2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. ડાયાભાઈ નાથાભાઈ ડોડીયા કરાર આધારિત તપાસ અધિકારી હતા, જેઓએ ઉચાપતની તપાસમાં ખામી નહીં કાઢવાના અવેજ પેટે 2000ની લાંચ માગી હતી. ત્યારે સબ રજીસ્ટર કચેરીના બહારના ભાગે લાંચ લેતા એસીબીએ તેઓને રંગે હાથે ઝડપ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ACBએ એક અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જેની વિગત જોઈએ તો આજે ફરીયાદીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલી ઉચાપત તેમજ ગેરરીતી બાબતેની તપાસ થવા માટે જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ બનાસકાંઠા નાઓને અરજી કરી હતી. જે અરજીની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટાર પાલનપુરનાઓએ આ કામના આક્ષેપિતનાઓની કરાર આધારીત તપાસ અધિકારી તરીકે નિમણૂક કરેલ. આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપીતનો સંપર્ક કરતા આક્ષેપીતે સદર અરજી તપાસમાં ખામી નહી કાઢવાની અવેજ પેટે આરોપીએ રૂ.2000ની લાંચની માગણી કરી હતી. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. પોલીસનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. જેથી ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ બનાસકાંઠા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલ બનાસકાંઠાના ACBએ આગળની તપાસ હાથ ધરી છે.