અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો બાબતે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને 25મી નવેમ્બરથી ભાવનગર જીલ્લાના સૌથી મોટા ડિમોલીશનની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સરકારી પડતર જમીન પરના દબાણોમાંથી અત્યારસુધીમાં 153 વીજ મીટર ઉતારી લેવામાં અાવ્યા છે, અને ગુરૂવારથી ગૌચરની જમીનો પર કાર્યવાહી શરૂ થવાની છે. ત્રાપજથી અલંગ સુધીના 11 કિ.મી.ના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ તથા 10 કિ.મી.ના શિપ બ્રેકિંગ યાર્ડની સામેની બાજુએ આવેલી જમીનો પર વાણિજ્ય હેતુના 30 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણો ખડકવામાં આવેલા હતા. કુલ 261 હેક્ટર જમીન પર 2418 લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો હતો અને વર્ષોથી ધંધા કરી રહ્યા હતા.50 તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી દ્વારા સર્વે અને માપણીની કામગીરી કરવામાં આવી હતી, તેમાંથી 1934 દબાણકારોને 202ની નોટિસ પાઠવી અને દબાણ દૂર કરવા જણાવાયુ હતુ. ગૌચરની 81 હેક્ટર જમીન પર 1450 લોકોએ દબાણ કરેલા હતા, આ તમામના વીજ કનેકશન હટાવવાની કામગીરી ગુરૂવારથી શરૂ થવાની છે.સરકારી પડતર અને ગૌચરની જમીનો પર જે લોકોએ દબાણ કરેલા હતા તે પૈકી મોટાભાગના લોકો શિપમાંથી નિકળતી વેચાણાર્થેની સાધન સામગ્રી અન્યત્ર સ્થળાંતરીત કરવામાં લાગી ગયા છે. કોઇપણ સંજોગોમાં તમામ દબાણો હટાવી લેવા માટે સરકારમાંથી જ આદેશ છુટ્યા છે, જ્યારે રાજકીય ઓથ ધરાવતા લોકો પોતાની ગેરકાયદે દબાણવાળી જગ્યા બચાવવા માટે ગાંધીનગર સુધીના પ્રયાસો કરી રહ્યા છે.આમ 25 નવેમ્બરથી અલંગ વિસ્તારમાં ગૌચર અને સરકારી અને પડતર જમીન પર મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવશે તેવા સમાચાર વહેતા થતા મોટાભાગના લોકોએ સાધન સામગ્રી અન્યત્ર ખસેડવા માંડી છે. 25મીથી દબાણ હટાવવાની સંપૂર્ણ તૈયારી
અલંગ અને તેની આજુબાજુના ગામોને લગતી સરકારી પડતર અને ગૌચરની જમીનો પર ગેરકાયદે દબાણો છે, આવા તમામ દબાણોની ચકાસણી કરી નાંખવામાં આવી છે, સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. 25મી નવેમ્બરથી પોલીસ સુરક્ષા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા માટેની સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે. 50 તલાટી કમ મંત્રી અને રેવન્યૂ તલાટી દ્વારા સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. > જે.આર. સોલંકી, પ્રાંત અધિકારી, તળાજા બોલો લ્યો, જમીન સરકારી, વેરો GMBએ વસુલ્યો
અલંગમાં આવેલી સરકારી પડતર જમીનો ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના આધિપત્ય તળે આવતી નહીં હોવા છતા ભાડે આપી અને વેરા વસુલવામાં આવ્યા છે. આવી ભાડે રાખેલી જમીનોના વ્યવસાયકારોએ જીએમબીને ભાડા ભરતા હોવા અંગે કોર્ટમાં દાદ માંગેલી છે, અને ડિસેમ્બરમાં વધુ સુનાવણી કોર્ટમાં હાથ ધરવામાં આવનાર છે. અલંગથી મામસા સુધી કાયદેસરની જમીનની શોધ
સરકારી જમીનો પર ગેરકાયદે વ્યવસાય ચલાવી રહેલા શિપ બ્રેકિંગને આનુષંગિક વ્યવસાયકારો હવે કાયદેસરની જમીન હોય તેના માટેની શોધમાં લાગી ગયા છે. અલંગથી મામસા સુધીની કાયદેસરની જમીનોના ભાવ અત્યારથી 3 ગણા થઇ ગયા છે. ઉપરાંત જે લોકોના માલ-સામાન, મશિનરી ગેરકાયદે જમીનોમાં ખડકાયેલા છે તેવા લોકો નજીકની ખેતીની જમીનોમાં હંગામી ધોરણે સામાન ફેરવવાની કામગીરીમાં લાગી ગયા છે. ગૌચર-સરકારી જમીનોના ભાડા વસુલ્યા કોણે?
આશરે 30 વર્ષથી સરકારી પડતર અને ગૌચરની જમીનો પર માથાભારે શખ્સોએ કબજો જમાવી અને વાણિજ્ય હેતુથી આવી જમીનો ગેરકાયદે ભાડે આપી દીધી છે. આવી જમીનો ખાલી કરવા માટેની કામગીરી તો શરૂ થઇ છે, પરંતુ આવી જમીનોના ભાડા કોણ વસુલી રહ્યું હતુ? તેની ઓળખ કરી અને કેટલા વર્ષો સુધી ભાડા વસુલ્યા છે? તે તમામ બાબતોની પણ ચકાસણી થવી જરૂરી છે.