સુરતમાં હવે તો બધું નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હવે તો હોસ્પિટલ બાદ મેડિકલ ઇન્સ્ટિટયૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે NSUI દ્વારા એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક શોપિંગ કોમ્પલેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું. ત્રણ વિદ્યાર્થિનીઓ પણ આવી હતી અને મસમોટી ફી આપવા સાથે બેંગલોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે. આ મામલે NSUI દ્વારા તપાસ કરવામાં આવતા આ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું જણાવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચાલે છે
પ્રદેશ NSUI ઉપપ્રમુખ મિતેષ હડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં દુકાની અંદર મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચલાવવામાં આવી રહ્યું છે. પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવાઇ રહ્યા છે. એક જ 10 બાય 20ની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. NUSIએ તપાસ કરતાં ઓનર ગાયબ હતો
વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસોથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, અહીં અમારા ડોક્યુમેન્ટ રાખી લેવામાં આવ્યા છે અને મસ્ત મોટી ફી પણ લેવામાં આવી રહી છે. તેથી આજે અમે તપાસ કરવા માટે આવ્યા હતા. દરમિયાન ઓનર ગાયબ હતા અને અહીં એક મહિલા હતા જેમણે જણાવ્યું હતું કે, અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ. અભ્યાસ બેંગ્લોર થાય છે. દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી અને તે જી.એન.એમ એટલે કે નર્સિંગનો કોર્સ કરતી હોવાનું જણાવ્યું હતું. પરીક્ષા માટે બેંગ્લોર લઈ જવામાં આવે છે
આ ત્રણ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, અમે નર્સિંગનો ત્રણ વર્ષનો કોર્સ કરીએ છીએ અને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે. પરીક્ષા માટે અમને બેંગ્લોર લઈ જવામાં આવે છે. આ તમામ બાબતનું રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા પેરા મેડિકલ કાઉન્સિલમાં પણ કોલ કરીને આંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, જો દુકાનમાં ઇન્સ્ટિટયૂટ ચાલતું હોય તો તેની માન્યતા આપવામાં ન આવી હોય. અન્ય રાજ્ય અથવા બેંગ્લોરના એડમિશન ના કરી શકે
પેરા મેડિકલ કાઉન્સિલે NSUI અને યુથ કોંગ્રેસ જણાવ્યું હતું કે, માત્ર એક દુકાનમાં મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચાલતું હોય અને તેની પરીક્ષા અન્ય કોઈ રાજ્યમાં આપવા લઈ જવામાં આવતા હોય તો તેવા કોઈપણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને માન્યતા આપવામાં આવતી નથી. ગુજરાતની માન્યતા હોય તો જ અહીં અભ્યાસ કરાવી શકે. અન્ય રાજ્ય અથવા બેંગ્લોરના અહીં એડમિશન પણ ના કરી શકે. કોર્સની મસ મોટી 80,000 સુધીની ફી વસૂલે છે
યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પૂછડિયાએ જણાવ્યું હતું કે, અમે અહીં અંદર પ્રવેશ્યા ત્યારે માત્ર 10 બાય 20ની આ દુકાન છે. જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે અને પાછળના ભાગમાં બેંચ ગોઠવી દેવામાં આવી છે. અહીં કરાવવામાં આવતા કોર્સની મસ મોટી 80,000 સુધીની ફી છે. અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે. જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે. જીવનદીપ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આવા ઇન્સ્ટિટયૂટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ.