આજથી ઠંડીનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, નવેમ્બરના 19 દિવસ વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે. આ સાથે તેમણે જણાવ્યું કે, સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે. તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. આવક વધી પણ ભાવ ન મળતાં ખેડૂતો નિરાશ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક છતાં નબળી ક્વોલિટીને કારણે ભાવ ન મળ્યા, જેથી આ ડુંગળીને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ગત વર્ષની તુલનામાં આવક તો વધારે છે, પણ ગુણવત્તા ઘટી છે, જેના કારણે પ્રતિ મણ ડુંગળીના રૂ.200-750 સુધીના ભાવ બોલાયા હતા. આથી ખેડૂતો નિરાશ બન્યા હતા. આ અંગે ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકાર હવે ડુંગળીમાં પણ સહાય કરે તો ખેડૂતોને રાહત મળે. ભાજપના ધારાસભ્યના પિતા લાંચની માંગ કરતા ઝડપાયા દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારાધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં રૂપિયા 17 લાખની માંગણી કરાયાનો આક્ષેપ કરી કેટલાક વીડિયો પણ પુરાવારૂપે જાહેર કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરી તપાસની માગ પણ કરાઈ છે. જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે ટ્રસ્ટી(પ્રમુખ) બચુભાઈ એન. કિશોરી એ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે. નિમણૂક લેવા પહોંચેલા શિક્ષકોએ જ તેમનું સ્ટિંગ કરી દીધું છે. જ્યારે આની સત્યતા હોવાની ખરાઈ યુવરાજસિંહે કરી છે. જેમાં 17 લાખની માગ કરવામાં આવી હતી જોકે, છેવટે 12 લાખમાં ડીલ પાકી થાય છે. શિવાલયમાં જળાભિષેક કર્યો ને વૃદ્ધ ઢળી પડ્યા વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધ શિવાલય ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યા શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જેથી મંદિરમાં ઊભેલા રેસર ગ્રુપના સભ્ય અને જાગૃત યુવકે તાત્કાલિક CPR આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં શ્વાસ ચાલુ થયા ન હતા. જે બાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં ખસેડતા ફરજ ઉપર હાજર તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના શિવાલયમાં લાગેલા CCTVમાં પણ કેદ થઈ હતી. વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હોવાનું સ્થાનિક લોકોએ પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. સોમનાથમાં કોળી સમાજની સરકારને ચીમકી સોમનાથમાં કોળી સમાજની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ઊમટી પડ્યા હતા. જેઓએ વેરાવળ ખાતે પહોંચી ડે. કલેક્ટર મારફતે વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા નરેન્દ્ર મોદી અને અમિત શાહને સંબોધન કરતું આવેદનપત્ર આપ્યું હતું. આ વિવાદને લઈ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત સમગ્ર કોળી સમાજે સરકારને ચીમકી આપી હતી કે, જો તેઓની માગ નહીં સ્વીકારાય તો સરકારની આગામી ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશે. ઉલ્લેખનીય છે કે, તા.21, 22 અને 23ના રોજ રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાનાર છે. ખ્યાતિકાંડના ચાર ફરાર આરોપી સામે LOC જાહેર ખ્યાતિકાંડ મામલે ત્રણ તબીબ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના આઠ દિવસ બાદ પણ ડો. પ્રશાંત વઝીરાણી સિવાયના અન્ય ચાર આરોપી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે એક્શનમાં જોવા મળી રહી છે. ક્રાઈમ બ્રાંચે આજે હોસ્પિટલ પર પહોંચી તપાસ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા. જે ચાર આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેમની સામે લુક આઉટ સર્ક્યુલર(LOC)નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. એની જાણ દેશનાં તમામ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આરોપીઓનાં ઘર અને ઓફિસ પર દરોડો પાડી જરૂરી પુરાવાઓ પણ એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. રાવપુરામાં સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થરો ફેંકાયા વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાંકરીચાળાની ઘટનાઓ બની રહી છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે સતત બીજા દિવસે કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી હતી. રાવપુરાના જોગી વિઠ્ઠલદાસની પોળની ગલીઓમાં કાચની બોટલો ફેંકાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા કોઈને ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હેલ્મેટ પહેરીને વિસ્તારમાં પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અહીં બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.