મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે 20 નવેમ્બર એટલે કે, બુધવારે એક જ તબક્કામાં મતદાન થશે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેના ભાગલા પછી કુલ 158 પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 6 મોટી પાર્ટીઓ બે ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે. શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCP ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના મહાગઠબંધનનો ભાગ છે. જ્યારે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) મહાવિકાસ અઘાડીનો ભાગ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું. ત્યારે ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 44 અને NCPને 54 બેઠકો મળી હતી. ભાજપ-શિવસેના સરળતાથી સત્તામાં આવી શક્યા હોત, પરંતુ ગઠબંધન તૂટી ગયું. તમામ રાજકીય ઉથલપાથલ પછી 23 નવેમ્બર, 2019 ના રોજ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, પરંતુ બહુમત પરીક્ષણ પહેલાં જ બંનેએ 26 નવેમ્બરના રોજ રાજીનામું આપવું પડ્યું. આ પછી 28 નવેમ્બરે શિવસેના, NCP અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવી. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ બન્યા. લગભગ અઢી વર્ષ પછી શિવસેનામાં અને એક વર્ષ પછી એનસીપીમાં બળવો થયો અને બંને પક્ષો ચાર પક્ષોમાં વહેંચાઈ ગયા. આ રાજકીય પૃષ્ઠભૂમિ પર જ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના પક્ષોને લોકસભા ચૂંટણીમાં લીડ મળી હતી.