મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને કારણે આજે એટલે કે 20મી નવેમ્બરે શેરબજાર બંધ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં કોઈ ટ્રેડિંગ થશે નહીં. તેમજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ફર્સ્ટ હાફ એટલે કે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. જો કે, ઈવનિંગ સેશનમાં સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી નોર્મલ કારોબાર થશે. આ પછી, વર્ષની છેલ્લી શેરબજારની રજા 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે છે. ગઈ કાલે બજાર તેજી સાથે બંધ થયું હતું
ગઈકાલે એટલે કે 19 નવેમ્બરે સેન્સેક્સ 240 પોઈન્ટના વધારા સાથે 77,578ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી 65 અંક વધીને 23518ના સ્તરે બંધ થયો હતો. જો કે સેન્સેક્સમાં દિવસના ઉચ્ચ સ્તરેથી 873 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ ઉછળ્યો હતો. તેમજ, નિફ્ટી ઉપરના સ્તરેથી 262 પોઇન્ટ ગગડ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, એનર્જી અને આઈટી શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. MM શેર 3% અને ટાટા મોટર્સના શેરમાં લગભગ 1.3%ની તેજી રહી હતી. યુક્રેન અને રશિયામાં વધતા તણાવને કારણે વિશ્વભરના બજારોમાં અફરાતફરી
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના 1000 દિવસ પૂરા થવાની સાથે જ તે ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. યુક્રેને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનની મંજુરીના બે દિવસ બાદ મંગળવારે રશિયા પર લાંબા અંતરની મિસાઇલો (ATACMS) વરસાવી હતી. યુક્રેને પ્રથમ વખત રશિયા સામે અમેરિકન મિસાઈલનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ, વધતા તણાવને કારણે વિશ્વભરના બજારોમાં અફરાતફરી મચી હતી. બાઈડનના નવા નિર્ણય બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના ‘ન્યુક્લિયર ડોક્ટ્રિન’ (પરમાણુ નીતિ)માં ફેરફારને મંજૂરી આપી હતી. આ અંતર્ગત જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ રશિયા પર હુમલો કરશે તો રશિયા જવાબી કાર્યવાહી તરીકે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકશે. ભારતમાં પણ યુરોપનો પ્રભાવ છે
વધતા તણાવને કારણે મંગળવારે યુરોપના શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. યુરો શેરોમાં 1.17% ઘટાડો થયો. FTSE 100 ઇન્ડેક્સ 0.32% ઘટ્યો, DAX ઇન્ડેક્સ 1.07% અને CAC 40 ઇન્ડેક્સ 1% ઘટ્યો. યુરોપમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારોએ પણ વધારો ગુમાવ્યો હતો. એક સમયે સેન્સેક્સ 1,113 પોઈન્ટનો ઉછાળો હતો, પરંતુ 239 પોઈન્ટની તેજી સાથે બંધ થયો હતો.