નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારોના ઉપયોગ અંગે માહિતગાર કરવા જાહેરનામું સમયાંતરે પ્રસિદ્ધ થતું રહે છે. જેનો ભંગ કરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં એક વર્ષ અગાઉ બે યુવાનો દ્વારા બર્થ ડે પાર્ટીમાં રેમ્બો ચપ્પુ વડે કેક કાપતા જંગલ મેં શેર બાગોં મેં મોર.. ગીત સાથે વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો હાલમાં પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકતાં જ એ વીડિયો SOG પાસે પહોંચી ગયો હતો. જેથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રેમ્બો ચપ્પુથી કેક કટિંગ કર્યુ હતું
18 નવેમ્બર 2023ના રોજ વિજલપોર જનતા કોલોની હનુમાન નગર ખાતે રહેતા ગોપાલ મોતીલાલ કોળીનો જન્મદિવસ હતો, જેમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય એક આરોપી વિશાલ દ્વારા રેમ્બો ચપ્પુ ગોપાલ કોળીને હાથમાં આપી કેક કાપ્યો હતો. આ વીડિયો 2023માં બનાવ્યો હતો અને આ વીડિયો બે દિવસ અગાઉ ફરીવાર ગોપાલ મોતીલાલ કોળી દ્વારા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકવામાં આવ્યો હતો, જે અંગેની જાણ નવસારી SOGને થતાં આરોપી ગોપાલ મોતીલાલ કોળીની ધરપકડ કરવામાં આવી હતી અને રેમ્બો ચપ્પુ લાવી આપનાર વિશાલ સુભાષભાઈ શિરસાટને વોન્ટેડ જાહેર કર્યો છે. કેસની તપાસ વિજલપોર પોલીસને સોંપવામાં આવી છે.
હથિયારો સાથે કેક કાપવાનો ક્રેઝ ભારે પડશે
હાલમાં યુવાનોને તલવાર રેમ્બો ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે કેક કાપવાનો ક્રેઝ માથે ચડ્યો છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આવા ઘાતક હથિયારોનો જાહેરમાં ઉપયોગ કરવો જાહેરનામાનો ભંગ થાય છે, જેથી આવા યુવાનો વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે.