back to top
Homeગુજરાતરાજકોટ સિવિલમાં બ્લડની અછત:દરરોજ 80 બોટલની જરુરિયાત સામે 45 બોટલ જ બ્લડ...

રાજકોટ સિવિલમાં બ્લડની અછત:દરરોજ 80 બોટલની જરુરિયાત સામે 45 બોટલ જ બ્લડ મળે છે, ખાધ પૂરી કરવા તબીબો અને સ્ટુડન્ટ્સ રક્તદાન માટે આગળ આવ્યા

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલ જુદા-જુદા ગ્રુપના બ્લડની સતત અછત જોવા મળી રહી છે. જેમાં દરરોજની 70-80 બોટલની જરૂરિયાત સામે માત્ર 40થી 45 બોટલ રક્ત મળી રહ્યું છે. ત્યારે આ અછત નિવારવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં સિવિલ હોસ્પિટલનાં તબીબો, સ્ટાફ તેમજ મેડિકલ સ્ટુડન્ટ્સ પણ રક્તદાન કરવા લાગ્યા છે. અને લોકોને રક્તદાન માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્રભરના દર્દીઓ જ્યાં સારવાર લેવા માટે આવે છે તેવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ બ્લડની અછત વર્તાઈ રહી છે. થેલેસેમિયા પેશન્ટ માટે રોજની 40થી 45 બોટલ આવે છે. જોકે રોજની જરૂરિયાત 70થી 80 બોટલની રહેતી હોવાથી અડધોઅડધ બ્લડની અછત હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અછત નિવારવા માટેના પ્રયાસો હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેમાં લોકજાગૃતિ વધે અને લોકોનો ભય દૂર થાય તેના માટે ડૉક્ટર્સ, સ્ટાફ અને મેડિકલ સ્ટુડન્ટ્સ પણ રક્તદાન કરવા લાગ્યા છે. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકનાં ઇન્ચાર્જ ડો. રોહિત ભાલારાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં રોજની 70-80 બોટલ અને માસિક 2500 બોટલ જેવી જરૂર હોય છે. જેની સામે હાલમાં માત્ર રોજની 40-45 અને માસિક 1000-1200 બોટલ રક્તની આવક થાય છે. આ અછત નિવારવા નિયમિત કેમ્પ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પરંતુ તહેવારોના કારણે કેમ્પ ઓછા હોવાથી બ્લડની અછત વર્તાઈ રહી છે. તેમજ બ્લડ ડોનેશન ઘટ્યું હોવાના કારણે મુશ્કેલી આવી રહી છે. દર્દીઓનાં ઈલાજ માટે બ્લડ અત્યંત જરૂરી છે. બ્લડને બનાવી શકાતું નથી. માત્ર રક્તદાન વધારવું એ એકમાત્ર ઉપાય હોય છે. ત્યારે મોટાભાગે અમે જે દર્દીઓને રક્ત આપીએ તેમના સગા પાસે બ્લડની માંગ કરીએ છીએ. પરંતુ ઘણા કેસમાં આવું થઈ શકતું નથી. જેને કારણે સતત ઘટ આવે છે. આ સમસ્યા નિવારવા અને લોકોને જાગૃત કરવા માટે અમારા ગ્રુપમાં પણ રક્તદાન કરવા મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. અને મારા સહિત હોસ્પિટલનાં સ્ટાફ ઉપરાંત મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું. જોકે કોઈપણ વ્યક્તિ ત્રણ મહિને એકવાર રક્તદાન કરી શકે છે. ત્યારે જે લોકોને આ સમયગાળો પૂર્ણ થયો હોય તેવા લોકો જ બ્લડ આપી શક્યા હતા. અને આમ કરવા છતાં હજુ બ્લડની અછત ઓછી થઈ નથી. ખાસ કરીને O અને A ગ્રુપના બ્લડની ખૂબ અછત વર્તાઈ રહી છે. આ કારણે અનેક દર્દીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ અછત નિવારવા સતત ને સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો જાગૃત બનીને રક્તદાન કરવા માટે આગળ આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 50 ટકા રક્તની અછત છે. જેના કારણે હાલ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. બ્લડની અછત હોવાનું મુખ્ય કારણ અવારનવાર જે કેમ્પ થતાં તે અને ડોનેશન પણ ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે. દર મહિને 2500 બોટલ રક્તની જરૂરિયાત હોય છે. તેની સામે બ્લડની 1000-1200 બોટલ આવી રહી છે. ત્યારે અછતને દૂર કરવા સિવિલ હોસ્પિટલ તંત્રના પ્રયાસો ક્યારે અને કેવા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments