સોમનાથ મંદિર નજીક વેણેશ્વર વિસ્તારમાં કોળી સમાજની જમીનને લઈ સર્જાયેલા વિવાદમાં કોળી સમાજના ચાલી રહેલ આંદોલનનો તંત્ર અને સાંસદની મધ્યસ્થીથી અંત આવ્યો છે. સોમનાથના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન વિમલ ચુડાસમાની આગેવાનીમાં શરૂ થયેલ આંદોલનનો કોળી સમાજના જ આગેવાન અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ જવાબદારી લેતા અંત આવ્યો હતો. સોમનાથ મંદિર નજીક વેણેશ્વર વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા ગાયોની સારવાર સાથે ગોશાળા ચલાવવામાં આવતી હતી. કોળી સમાજનો દાવો છે કે 1993માં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ જમીન કોળી સમાજને ઠરાવ કરી ફાળવેલ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે આ ગોશાળા અને રામદેવજી મંદિર દૂર કરવા સોમનાથ ટ્રસ્ટ સાથે વહીવટી તંત્રએ પેરવી કરતાં કોળી સમાજમાં આક્રોશ સર્જાયો હતો. સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા આ મુદ્દે મેદાને આવી છેલ્લા પાંચ દિવસથી આ જગ્યા પર આંદોલન શરૂ કરેલ જેમાં કોળી સમાજના લોકો ધંધા-રોજગાર બંધ રાખી જોડાયા હતા. પાંચ દિવસથી ચાલતા આંદોલનમાં ગઈકાલે તા. 20ના રોજ સોમનાથથી વેરાવળ સુધી વિમલ ચુડાસમાની આગેવાનીમાં કોળી સમાજની જંગી રેલી યોજાઈ હતી અને ડે. કલેક્ટર મારફતે ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે કોળી સમાજે શક્તિ પ્રદર્શન સાથે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જો માગ ના સ્વીકારાય તો સોમનાથ ખાતે યોજાનાર રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં કાળા વાવટા ફરકાવી ચિંતન શિબિરમાં ચિંતા ઉભી કરી દેવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં પણ દોડધામ મચી હતી. કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાની ચીમકીના પગલે તંત્રમાં ચોક્કસપણે ચિંતા સર્જાઈ હોય અને ચિંતન શિબિર પૂર્વે આ મામલાનો અંત લાવવા તંત્ર સક્રિય બન્યું હતું. આજે તા. 20ના વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કોળી સમાજના આગેવાન સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ કોળી સમાજના જવાબદાર આગેવાનોની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આંદોલનનો અંત લવાયો હતો. બેઠક પૂર્ણ થયા બાદ આ મામલે સાંસદ અને ધારાસભ્ય ચુડાસમાએ જાહેર કર્યું હતું કે, આ મુદ્દે સોમનાથ ટ્રસ્ટ સાથે જરૂરી વાટાઘાટો અને બેઠકના થાય ત્યાં સુધી કોઈ જાતનું ડીમોલેશન કરવામાં નહિ આવે અને આ વાતની જવાબદારી સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકારી કોળી સમાજ સમક્ષ જાહેર કરી આંદોલનનો અંત લાવવા જણાવતા કોળી સમાજના આગેવાનો અને સમુદાયે આ વાત સ્વીકારી આંદોલનનો અંત લાવ્યો હતો. આ તકે આંદોલનના પ્રણેતા એવા સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક ના થાય ત્યાં સુધી ડીમોલેશનના કરવાની માગ લેખિતમાં સ્વીકાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. વિમલ ચુડાસમાએ લેખિત બાંહેધરીના આગ્રહ અંગે જાહેર મંચ પરથી ખુલાસો કર્યો હતો કે, પોતે કોંગ્રેસના ધારાસભ્ય છે અને કલેક્ટર સાથે જામતી નથી. સોમનાથ ટ્રસ્ટમાં સાંસદની પાર્ટીના અધિકારીઓ હોવાના કટાક્ષ કરી જણાવ્યું હતું કે, આ મામલે વર્તમાન સતા પક્ષના સાંસદ રાજેશ ચુડાસમાએ પોતે જવાબદારી સ્વીકારતા સમાજના આગેવાનોએ વાતને ગ્રાહ્ય રાખી છે. હાલ તો ચિંતન શિબિરની પૂર્વ સંધ્યાએ કોળી સમાજના આંદોલનનો અંત આવતા તંત્રની ચિંતા જરૂરથી ઓસરી ગઈ હોય અને તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એસ.પી. મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી જ્યારે સામા પક્ષે કોળી સમાજના આગેવાનો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ પ્રભાસ પાટણ ટ્રસ્ટના પ્રમુખ લક્ષમણ સોલંકી, કોળી સમાજના મોટાકોળી વાડાના પ્રમુખ દિનેશ બામણિયા, નાનાકોળી વાડાના પ્રમુખ પ્રવિણ ચુડાસમા, માંધાતા ગ્રૂપના રામ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય બાબુ પરમાર, કોળી સેનાના પ્રમુખ દેવેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો જોડાયા હતા.