ગત 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં નિહાળશે તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મ-પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જિતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે. તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડો.મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રી-ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર હતું. ‘સત્ય સામે આવે જ છે…’-પીએમ મોદી. તેમણે કહ્યું, “સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે.” પીએમ મોદીએ રી-ટ્વીટ કરેલું ટ્વીટ એક પત્રકારનું છે. ફિલ્મ અંગે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ આપણા ઈતિહાસની સૌથી શરમજનક ઘટનાનું સત્ય બહાર લાવે છે. મેકર્સે એને બનાવતી વખતે આદર અને સંવેદનશીલતાનું ખૂબ ધ્યાન રાખ્યું છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેટલાક રાજકારણીઓએ એક નેતાની છબિને ખરાબ કરવા માટે ટ્રેનમાં મુસાફરોને સળગાવવાની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી રિપોર્ટનાં વખાણ કર્યાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા યુઝરની એક પોસ્ટ શેર કરી, જેમાં વિક્રાંતની ફિલ્મ જોવાનાં ઘણાં કારણો આપવામાં આવ્યાં છે. અમિત શાહે લખ્યું, ‘કોઈપણ શક્તિશાળી ઈકોસિસ્ટમ ગમે એટલી કોશિશ કરે, સત્ય ક્યારેય છુપાતું નથી. ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ આ ઇકોસિસ્ટમને હિંમત સાથે નકારી કાઢે છે અને ભવિષ્યને અસર કરતી આ ઘટનાનું સત્ય લાવે છે. PMએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પણ પ્રશંસા કરી હતી
પીએમ મોદીએ અગાઉ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘આર્ટિકલ 370’ ફિલ્મોની પ્રશંસા કરી હતી. 12 માર્ચ, 2022ના રોજ કાશ્મીર ફાઇલ્સના નિર્માતાઓ પીએમને મળ્યા હતા. મિટિંગના ફોટો શેર કરતા ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે લખ્યું – ‘માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને ખૂબ જ સારું લાગ્યું. આ મિટિંગ વધુ ખાસ બની, કારણ કે તેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પ્રશંસા કરી હતી. અમે આ ફિલ્મનું નિર્માણ કરીને ગર્વ અનુભવીએ છીએ. આભાર મોદીજી. શું છે ગોધરાકાંડ?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન નજીક ટોળા દ્વારા સાબરમતી એક્સપ્રેસ S6 કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં 58 કારસેવકનાં સળગીને મોત થયાં હતાં. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો થયાં હતાં. લગભગ 9 વર્ષ પછી ગોધરાકાંડ પછીની ટ્રાયલમાં 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી.