ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ, જો X, TikTok, Facebook અને Instagram જેવા પ્લેટફોર્મ બાળકોને એકાઉન્ટ રાખવાથી રોકવામાં નિષ્ફળ જાય છે, તો તેમને $32.5 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે ઓસ્ટ્રેલિયન સંસદમાં વિશ્વનું પ્રથમ આ પ્રકારનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ અનુસાર સુરક્ષા નક્કી કરવાની જવાબદારી માતા-પિતા કે બાળકોની જગ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેશે. “સોશિયલ મીડિયા ઘણા યુવા ઓસ્ટ્રેલિયનો માટે હાનિકારક હોઈ શકે છે,” તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, 14 થી 17 વર્ષની વયના લગભગ 66% ઓસ્ટ્રેલિયનોએ ખૂબ જ હાનિકારક સામગ્રી ઓનલાઈન જોઈ છે, જેમાં ડ્રગનો ઉપયોગ, આત્મહત્યા અથવા સ્વ-નુકસાનનો સમાવેશ થાય છે. પક્ષ-વિપક્ષ બંનેનો બિલને સમર્થન
આ બિલને લેબર પાર્ટી અને વિપક્ષી લિબરલ પાર્ટીનું સમર્થન છે. માતા-પિતાની સંમતિ અથવા પહેલાથી અસ્તિત્વમાં રહેલા એકાઉન્ટ્સ માટે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. એકવાર કાયદો ઘડવામાં આવ્યા પછી, પ્રતિબંધનો અમલ કેવી રીતે કરવો તે અંગે કામ કરવા માટે પ્લેટફોર્મ પાસે એક વર્ષનો સમય હશે. બ્રિટિશ સરકાર પણ પ્રતિબંધ લગાવવાની કરી રહી છે તૈયારી
ઓસ્ટ્રેલિયાની આગેવાની બાદ બ્રિટિશ સરકાર પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. બીબીસીના અહેવાલ અનુસાર, બ્રિટનના ટેક્નોલોજી સેક્રેટરી પીટર કાયલ કહે છે કે તેઓ ઓનલાઈન સુરક્ષાને ઠીક કરવા માટે “જે પણ કરવાનું હશે તે કરશે”. ખાસ કરીને બાળકો માટે. તે જ સમયે, બ્રિટનના ટેક્નોલોજી સેક્રેટરી પીટર કાઇલે કહ્યું કે, યુવાનો પર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની અસરો પર વધુ સંશોધન કરવાની જરૂર છે. અત્યારે અમારી પાસે આ અંગે કોઈ નક્કર પુરાવા નથી. PM મોદી પણ સોશિયલ મીડિયાના જોખમોથી વાકેફ
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં સોશિયલ મીડિયા દ્વારા ડીપફેક, ડિજિટલ ધરપકડ અને ઓનલાઈન છેતરપિંડી જેવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એડવાઈઝરી પણ જારી કરી હતી. આમાં, તેઓને ડીપફેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી અંગે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક ટેક્નોલોજી અને ડિજિટલ ધરપકડના જોખમો વિશે પણ વાત કરી છે. ગયા વર્ષે જ બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના અને કાજોલનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. અમિતાભ બચ્ચનથી લઈને રશ્મિકા મંદાના સુધી બધાએ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
સર્ચ ફર્મ ‘રેડસીર’ અનુસાર, ભારતીય યુઝર્સ દરરોજ સરેરાશ 7.3 કલાક સુધી તેમની નજર તેમના સ્માર્ટફોન પર રાખે છે. તેઓ મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. જ્યારે, અમેરિકન યુઝર્સનો સરેરાશ સ્ક્રીન સમય 7.1 કલાક છે અને ચીની વપરાશકર્તાઓનો 5.3 કલાક છે. ભારતીય યુઝર્સ પણ સોશિયલ મીડિયા એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અમેરિકા અને બ્રિટનમાં સરેરાશ એક વ્યક્તિ પાસે 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, જ્યારે એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે.