દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. જીઆઇડીસીના જાદુગરે હવે બહાર જતા 3 પીઆઇની આવકનું ગણિત ખોટકાયું
અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ જીઆઇડીસી આવેલી છે. જેમાં ગેરકાયદેસર કંપનીઓની મદદ કરવા માટે ખાલી સરકારના કેટલાક વિભાગના માણસો નહીં, પરંતુ પોલીસની આખી ટીમ કામ કરતી હોય તેવી ચર્ચા છે. તેમાં પણ હવે આ જીઆઇડીસી વિસ્તારમાં માહેર ગણાતા એક જાદુગરની બદલી અમદાવાદ જિલ્લા બહાર થઈ ગઈ છે, ત્યારે આ જાદુગર અમદાવાદ શહેરના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને દર મહિને રાહતનો શ્વાસ અપાવે છે, પરંતુ હવે આ જાદુગર બહાર જતા રહેતા ત્રણેય પીઆઈનું આવકનું ગણિત ખોટકાયું છે અને હવે જો આજ વ્યક્તિ સાથે કનેક્ટ રહીને તેના નીચેના માણસો સાથે નવો વ્યવહાર કરે તો આ પીઆઈસ પર નવા છાંટા ઉડે તેવી પૂરી શક્યતા છે. જેથી હવે આવા ખેલાડીઓથી અંતર કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર તૈયાર થઈ ગયા છે. એકવાર તો પીઆઇને જીવનદાન મળ્યું પણ હવે કોણ બચાવશે
અમદાવાદ શહેરની નવી બનેલી પોલીસ કમિશનર કચેરી બહાર એક દુકાન આવેલી છે. અને ત્યાં અમદાવાદ શહેરના મોટા જાદુગર બેસતા હોય છે તેમાં પણ ખાસ કરીને પોલીસ કમિશનરની કચેરીની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનના કેટલાક જાદુગર ત્યાં જ આખો દિવસ હોય છે. જે અગાઉ સ્પાનાં રૂપિયા ઉઘરાવવાના વિવાદમાં આવ્યા હતા. પરંતુ જીઆઇડીસીમાંથી આવેલા એક વ્યક્તિએ તેને બચાવી લીધા અને પીઆઇને સમજાવી લીધા હતા, પરંતુ હવે આ જીઆઇડીસી વાળો માણસ અહીંયાથી બહાર ગયો છે, પરંતુ હવે આ પીઆઇની તકલીફ વધુ મુશ્કેલ થઈ શકે છે. કારણ કે દુકાન પર બેસતા જાદુગર પીઆઇની જાણકારીની બધી જ વ્યવસ્થા કરીને આગળ પૂરી વાત કે વસ્તુ પહોંચાડતા જ નથી. વિવાદિત તતડને ક્રીમ પોલીસ સ્ટેશનમાંથી ખસેડાયો, હવે કોણ રહેમ નજર રાખશે
અમદાવાદ શહેરમાં અનેક વખત તતડ નામનો એક પોલીસ કર્મચારી ચર્ચામાં આવી ગયો છે અને તે પણ કોઈ સારા કામમાં નહીં કેટલાક વિવાદો હોય અને તેનું નામ ન આવે તે માનવામાં આવતું નથી. થોડા સમય પહેલાં તેને અમદાવાદ શહેરના ક્રીમ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળ્યું હતું, પરંતુ હવે સમીકરણો બદલાઈ ગયા અને તેને પાછો ત્યાંથી ખસેડી દેવામાં આવ્યો છે. હવે તેને અમદાવાદ શહેરના નદી કિનારા વિસ્તારમાં હવા ખાવા માટે મોકલી દેવામાં આવ્યો છે. અને વિવાદોમાં આવેલો આ પોલીસ કર્મચારી ફરીથી ક્યારે નવો વિવાદનું સર્જન કરશે અને તેમાં આવશે તે પોલીસ બેડાના લોકો જ રાહ જોઇ રહ્યા હોવાની ચર્ચાનો પવન વેગવંતો બન્યો છે. અમદાવાદના મોટા પ્લેયર જિલ્લા બહાર ગયા, કેટલાક પીઆઇ વહીવટ કરે છે એનું શું?
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર આકરા પાણી આવ્યા છે. અને હવે કંઈ પણ નહીં ચલાવી લેવાના મૂડમાં આવ્યા છે. એક સાથે 13 પોલીસ કર્મચારીઓને અમદાવાદ જિલ્લા બહાર તગડી દેવામાં આવે છે. તેમાં મોટા પ્લેયરનો પણ સમાવેશ થાય છે, પરંતુ હજી અમદાવાદ શહેરના અનેક ઝોનની અંદર મોટા પ્લેયર વહીવટ કરે છે. જે કદાચ નજરે ચડ્યા નહીં હોય અને તેમાં પણ પૂર્વ વિસ્તારનો પોલીસકર્મી જે રાજવી પરિવાર સાથે કનેક્ટ છે. તેના પર કોઈની નજર પડી નહિ અને કદાચ તેને બચાવવા માટે લોબિંગ થઈ હોવાની પણ ચર્ચામાં છે. એજન્સીના પડીકા સિસ્ટમમાં પડીકા ન મળતા અસંતોષ છે પણ કલેક્શન તો ચાલુ જ
એક મહત્વની એજન્સી હવે જાતે જ મહેનત કરીને પોતાના કર્મચારીઓને સાચવવાની નવી વ્યવસ્થામાં જોડાઈ છે. આ વ્યવસ્થામાં અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરને અલગ અલગ જગ્યાના વ્યવસ્થા માટે રાખવામાં આવ્યા છે. જેઓ પોતાનું નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને વ્યવસ્થાનું કામ પણ કરી લે છે, પરંતુ છેલ્લે જ્યારે નાના કર્મચારી સુધી વ્યવસ્થા પહોંચવાની હોય કે પડીકું પહોંચવાનું હોય તેમાં હજી પણ ન પહોંચતા આ એજન્સીના કર્મચારીઓ બહાર બૂમો પાડી રહ્યા છે કે, હવે આ એજન્સીમાં નામની નોકરી રહી છે એના કરતાં તો બીજે નોકરી કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. હાલ આ ચર્ચા બીજે ક્યાંય નહીં પણ એજન્સીના દરવાજે ઉભા રહીને ત્યાંનો સ્ટાફ જ કરે છે. એક એજન્સીમાં એટલો ફફડાટ કે કોઈ મળવા આવે તો ફોન બહાર મુકાવે છે
પોલીસનું કામ લોકોને સાંભળવાનું છે, પરંતુ પોલીસને હવે એવો ડર છે કે તેમની વાત કોઈ સાંભળી લેશે અથવા રેકોર્ડિંગ કરી લેશે અને બહાર જતી રહેશે, પરંતુ આ ડર એટલી હદે છે કે, સામાન્ય વ્યક્તિ તો ઠીક કોઈ વ્યક્તિ અગાઉથી ફોન કરીને પણ મળવા જાય તો તેમનો ફોન બહાર મુકાવવા તેમજ ચિઠ્ઠી લઈને સાહેબ સુધી પહોંચાડવાની અને સાહેબને સહેજ હિંમત થાય તો જ તેઓ મળવા બોલાવે છે. કારણ કે, હવે શંકાસ્પદ વાત એ છે કે, આ એજન્સીમાં કામ લોકોની મદદ કરવાનું છે. અહીંયા પોલીસ કર્મચારી અધિકારીઓ બેસે છે તો અહીંયા બેસેલા વ્યક્તિઓને ફોનથી કે પોતાની ગુપ્ત વાતોનો ડર હોવો જ ન જોઈએ કારણ કે, તેઓ તો સ્પષ્ટ અને પારદર્શક કામ કરી રહ્યા છે.