અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર કાર્તિક પટેલ ભૂગર્ભ ઊતરી ગયો છે. ખ્યાતિકાંડની તપાસ સંભાળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સિંધુભવન રોડ પર આવેલા કાર્તિક પટેલના બંગલા પર તપાસ માટે પહોંચી હતી. તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને વિમલ પાનમસાલાના થેલામાં રાખેલી દારૂની બે બોટલ મળી હતી. જ્યારે અન્ય આરોપી ચિરાગ રાજપૂતના ઘરે પણ પોલીસે તપાસ કરતા એક કબાટમાં રાખેલી દારૂની અંદાજે 40 જેટલી બોટલ મળી આવી હતી. જોકે, આ કેસના તમામ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. ત્યાર બાદ હવે આરોપીઓને વધારે ભીંસમાં લેવા માટે તેમના તમામ એકાઉન્ટ સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP અજિત રાજિયાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે બેંકોને લેટર લખ્યા છે. જેમાં આરોપીઓના વ્યક્તિગત અને હોસ્પિટલના તમામ એકાઉન્ટ સીઝ કરી દેવાની જાણ કરવામાં આવી છે. બીજી તરફ ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા અન્ય આરોપી ડો. પ્રશાંત વઝીરાણીના આજે સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમને સાથે રાખી હજી અનેક બાબતોની તપાસ કરવી જરૂરી હોઈ, પોલીસ દ્વારા વધુ સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતાં કોર્ટે 25 તારીખે બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દારૂ મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદ નોંધી શકે છે
ખ્યાતિ હોસ્પિટલના વોન્ટેડ આરોપીના ઘરે અને અલગ અલગ જગ્યાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે રેડ કરી હતી. જ્યાં ઘણી જગ્યાએથી દારૂ પણ મળી આવ્યો છે અને બીજા વોન્ટેડ આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો કોલ ડિટેઈલના આધારે તપાસમાં જોડાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં હવે દારૂ મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નવી ફરિયાદ નોંધે તેવી શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને શોધવા ટેકનિકલ સપોર્ટ લીધો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હવે આરોપીઓને શોધવા માટે ટેકનિકલ સપોર્ટ લઈ રહી છે અને આગામી સમયમાં આરોપી ડો. પ્રશાંત વઝીરાણી સિવાય રાહુલ જૈન અને મિલિંદની મહત્ત્વની સંડોવણી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી છે અને તે અમદાવાદના મહત્ત્વના આરોપીઓ છે. આ સમગ્ર પ્રકરણમાં તેઓ આર્થિક વ્યવહારથી લઈને દર્દીઓને શોધીને હોસ્પિટલ સુધી લાવવાની કામગીરીમાં જોડાયેલા હતા. ખ્યાતિકાંડ સંદર્ભે ત્રણ ગુનાઓની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાઈ છે. આ તપાસ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ડોક્ટર્સની ટીમ સાથે તલસ્પર્શી તપાસ દરમિયાન નીચે મુજબની વિગતો બહાર આવી છે. કાર્તિક પટેલના ઘરમાંથી દારૂની બોટલ અને પોકરના કોઇન મળ્યાં
ખ્યાતિકાંડ મામલે હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભ ઊતરી ગયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આજે સિંધુભવન રોડ પર આવેલી અભિશ્રી રેસિડેન્સીમાં કાર્તિક પટેલના નિવાસસ્થાન પર તપાસ માટે પહોંચી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલના ઘરે તપાસ કરતાં ઘરમાં વિમલ પાનમસાલાના થેલામાં રાખેલી દારૂની બે બોટલ મળી હતી. જ્યારે પોકર ગેમ્બિલિંગના કેટલાક કોઈન પણ મળ્યા હતા. આ ઉપરાંત ત્યાં અનેક ગ્લાસ મળી આવ્યા હતા. ઘરમાં બીજા માળે મીની થિયેટર બનાવવામાં આવ્યું હતું. જેની પાસે બાર બનાવવામાં આવ્યો હતો. ઘરમાં અનેક રૂમમાં સીસીટીવી કેમેરા હતા. જેનું મોનિટરિંગ પહેલાં માળે રૂમના ટીવીથી થતું હતું. જે ચાલુ હાલતમાં હતા. ઘરમાં જીમ પણ બનાવવામાં આવ્યું હતું. ઘરમાં ત્રણ લક્ઝ્યુરિયસ કાર પણ હતી. ચિરાગ રાજપૂતના ઘરેથી દારૂની 40 જેટલી બોટલ મળી
કાર્તિક પટેલના ઘરેથી દારૂ અને પોકર ગેમ્બિલિંગના કોઈન મળ્યા બાદ અન્ય આરોપી ચિરાગ રાજપૂતના ઘરે તપાસ કરતા ત્યાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. એક કબાટમાં રાખેલી અંદાજે 40 જેટલી બોટલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વાંચો : ખ્યાતિ હોસ્પિટલના માલિક પર કોંગ્રેસનો લેન્ડગ્રેબિંગનો આક્ષેપ:જરુરિયાતમંદ બાળકોને ભણાવવાના નામે 350 કરોડની જમીન પાણીના ભાવે લીધી ને ખાનગી સ્કૂલ ઊભી કરી કરોડો છાપ્યા ક્રાઈમ બ્રાન્ચે સાત દિવસના રિમાન્ડ માગ્યા, કોર્ટે 4 દિવસના મંજૂર કર્યા
ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા ડો. પ્રશાંત વઝીરાણીના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે વધુ સાત દિવસના રિમાન્ડની માગણી સાથે ડો. પ્રશાંતને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે 25મી તારીખે બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શું કહ્યું સરકારી વકીલે?
ખ્યાતિકાંડ મામલે ખાસ સરકારી વકીલ વિજય બારોટે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ વધુ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. ડો. પ્રશાંતે ફ્રોડ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે એના માટે જે સિક્કા બનાવવામાં આવ્યા છે એની તપાસ કરવાની બાકી છે. ડોક્યુમેન્ટ પર જે સહી છે એની તપાસ કરવાની પણ બાકી છે. બેંક ખાતામાં પૈસાની જે લેવડદેવડ થઈ છે તે કોના દ્વારા કરવામાં આવી એની તપાસ પણ કરવામાં આવી રહી છે. ડો. પ્રશાંતે એન્જિયોગ્રાફીના ખોટા ચાર્ટ બનાવી અન્ય આરોપીઓ સાથે મળી સિસ્ટમેટિક ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલાની વધુ તપાસ માટે ડો. પ્રશાંતની વધુ પૂછપરછ જરુરી હોઈ, રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ 25મી તારીખ બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભૂગર્ભ ચાલ્યા ગયેલા આરોપીઓ સામે ગાળિયો કસવાનો પ્રયાસ
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 જેટલા લોકોને એન્જિયોગ્રાફીની અને એમાંથી સાત લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે કરી નાખી હતી. એમાંથી બે લોકોનાં મોત નીપજતાં હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ, ડાયરેક્ટર,ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત, CEO સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ચાર આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર હોઈ, તેમને ઝડપવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. ચાર આરોપી સામે LOC નોટિસ ઈસ્યુ કરવામાં આવી
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે માસૂમ લોકોનાં મોત થયાં બાદ હવે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી છે અને અમદાવાદ ક્રાઈમે ગણતરીના કલાકોમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવાની શરૂઆત કરી છે, જેમાં ચાર વોન્ટેડ આરોપીનાં ઘરે પોલીસે રેડ કરી હતી, જ્યારે બે ઓફિસમાં પણ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવા તેમજ દસ્તાવેજો કબજે લીધા છે. જ્યારે આરોપીઓનાં ઘરે કેટલીક મહત્ત્વની કડી પોલીસને મળી છે, જે સંદર્ભે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે તમામ વોન્ટેડ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની બાતમીના આધારે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે. 4 આરોપી સામે રેડકોર્નર નોટિસ પણ ઈસ્યુ થઈ શકે છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પ્રશાંતની ધરપકડ બાદ અન્ય આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની શંકાના આધારે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ ઇસ્યુ કરી હતી, જે સમગ્ર મામલે હવે દેશનાં તમામ એરપોર્ટ પર આ અંગેની જાણ કરી દેવામાં આવી છે અને જો તેઓ કોઇ અન્ય દેશમાં ભાગી ગયા હશે તો આગામી સમયમાં તેમની સામે રેડકોર્નર નોટિસ કરવાની પણ તૈયારી કરી દીધી છે. આરોપીઓને પકડવા અને આ કેસમાં સૌથી મહત્ત્વના પુરાવા ભેગા કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી છે અને આગામી સમયમાં આરોપી ડો. પ્રશાંત વઝીરાણીના વધુ રિમાન્ડ માગવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, જે અંગેની વિગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાણે જણાવી હતી. ડો. વઝીરાણીએ તમામ 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી, એમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં પોલીસ એક્શન મોડમાં છે અને દરેક એંગલથી ઊલટતપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે ડો. પ્રશાંત વઝીરાણીએ એ દિવસે 11 નવેમ્બરે એક જ દિવસમાં 19 દર્દીને ટ્રીટમેન્ટ આપી હતી. તેમાંથી તમામ 19ની એન્જિયોગ્રાફી કરી હતી અને ટાર્ગેટ મુજબ 7લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવાનું નક્કી કર્યું હતું. ડો. વઝીરાણીએ 10 જ કલાકમાં એકલા હાથે આ ઓપરેશનો કર્યાં હતાં, એ પણ PMJAY યોજનાનું ઈન્સેન્ટિવ મેળવવા! જે રીતે ડો. વઝીરાણીએ ‘મેરેથોન’ ઓપરેશન કર્યાં એ તેમણે માત્ર ને માત્ર PMJAY યોજનામાં ડોક્ટરોને મળતું ઈન્સેન્ટિવ લેવા જ કર્યા. નવાઈની વાત એ છે કે એ જ દિવસમાં આટલાં ઓપરેશન અને એન્જિયોગ્રાફીમાંથી ડો. વઝીરાણીને 1 લાખ 20 હજાર 200 રૂપિયાનું ઈન્સેન્ટિવ મળવાનું હતું. ડો. પ્રશાંત વઝીરાણીને કાર્ડિયોલોજીનો ગોલ્ડ મેડલ મળ્યો છે
ડો.પ્રશાંત વઝીરાણી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. ડો. વઝીરાણીનું પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર રત્નાંજલી સ્ક્વેરમાં ક્લિનિક છે. અહીં તેમનાં પત્ની ડો. પ્રીતિ વઝીરાણી પીડિયાટ્રિશિયન છે. કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ ધરાવતા ડો. પ્રશાંત વઝીરાણીએ કાર્ડિયોલોજીમાં સુપર સ્પેશિયાલિટી DNB કાર્ડિયોલોજી હૈદરાબાદની CARE હોસ્પિટલમાંથી પૂર્ણ કર્યું છે. કાર્ડિયોલોજીમાં ઈન્ડિયન બેસીસ મુજબ ઊંચો રેન્ક મેળવવા બદલ ડો. પ્રશાંત વઝીરાણીને ડો. એચ.એસ.વજીર નેશનલ ગોલ્ડ મેડલ મળ્યો છે. ડો. પ્રશાંતે કાર્ડિયોલોજીની તમામ કેટેગરીમાં ટ્રેનિંગ લીધી છે, જેમાં કોરોનરી એન્જિયોગ્રાફી, જટિલ એન્જિયોપ્લાસ્ટી, પેરિફેરલ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી, પ્રાઈમરી PCI, IABP ઈન્સર્ટન, TPI, પર્મેનન્ટ પેસમેકર PPI, ટ્રાન્સથોરેસિસ ઈકોકાર્ડિયોગ્રાફી TTE, ટ્રાન્સકેથેટર બલૂન વાલ્વુલોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડો. પ્રશાંતે જાપાનના ટોકિયોથી જટિલ PCI અને CTOની ટ્રેનિગ લીધી છે.