back to top
Homeગુજરાતગાંધી-સરદારનું સપનું પટેલ પૂરું કરશે?:અમદાવાદને ચોખ્ખું કરીશું, સ્વચ્છતામાં નંબર વન બનીશું, મ્યુનિ.કમિશનરે...

ગાંધી-સરદારનું સપનું પટેલ પૂરું કરશે?:અમદાવાદને ચોખ્ખું કરીશું, સ્વચ્છતામાં નંબર વન બનીશું, મ્યુનિ.કમિશનરે જણાવ્યો ક્લિન સિટી બનાવવાનો પ્લાન

દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત પાછા ફરનારા મોહનદાસ ગાંધીએ પોતાના વસવાટ અને પ્રવૃત્તિ માટે અમદાવાદ શહેર પસંદ કર્યું હતું. ફેબ્રુઆરી 1915માં અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ મે, 1915માં કોચરબ આશ્રમ અને 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. અહીંથી જ તેઓએ મહાત્મા બનવાની સફર શરૂ કરી અને આજથી એક સદી પહેલા જે શહેરમાંથી સ્વચ્છતાનો સંદેશ આપ્યો એ જ શહેર સ્વચ્છ બનવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. સરદાર પટેલે 222 દિવસ ચલાવ્યું હતું સ્વચ્છતા અભિયાન
મહાત્મા ગાંધીએ અમદાવાદની ભૂમિ પર 27 માર્ચ, 1928ના રોજ સફાઈ કામદારોની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે તત્કાલીન મ્યુનિસિપાલિટીના પ્રમુખ સરદાર પટેલને સફાઈ કામદારોનો પગાર વધારવા ભલામણ કરી હતી. માત્ર એટલું જ નહીં, અમદાવાદ શહેરમાં ગીચ વસવાટને કારણે છાશવારે રોગચાળો ફેલાતો હતો. આ બિમારીઓને રોકવા માટે સરદારના નેતૃત્વમાં 222 દિવસ સુધી યુદ્ધના ધોરણે સાફસફાઇ અભિયાન ચલાવાયું હતું. સરદારના સફાઇ અભિયાન અંગે મહાત્મા ગાંધીએ કહ્યું કે,’મારી ઈચ્છા તો તેમની સાથે કોદાળી, ઝાડુ, ચૂનાની બાલટી અને એક પીંછી લઇને ઉભા થઈ જવાની થાય પણ જ્યાં વલ્લભભાઈ છે ત્યાં મારે કંઈ કરવાપણું હોય જ નહીં’ અમિત શાહે સ્વચ્છતામાં ટોપ કરવા સૂચન કર્યું
આ પહેલા 3 ઓક્ટોબર, 2024(પહેલું નોરતું)ના રોજ અમદાવાદ આવેલા અમિત શાહે કહ્યું હતું કે, અમદાવાદના સૌ નાગરિકોને વિનંતિ કરું છું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ કર્યા છે. આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલાં નંબરે આવે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે AMCએ જે લક્ષ્યાંક નક્કી કર્યો છે તે પૂરો કરવાનો આપણે સંકલ્પ કર્યા અને ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા છે અને આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત પહેલા નંબરે આવે એવો સંકલ્પ કરીએ. ભારત સરકારે 2 ઓક્ટોબર, 2014થી સ્વચ્છ સર્વેક્ષણ અભિયાનનો આરંભ કર્યો છે. દર વર્ષે સ્વચ્છ શહેરો અને રાજ્યોની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં 7 વર્ષથી ઇન્દોરનું બાજી મારી રહ્યું છે. પરંતુ ગત વર્ષે સુરત પણ નંબર વન પર પહોંચ્યું હતું, જ્યારે આપણું અમદાવાદ 15માં નંબર પર રહ્યું હતું. આ 15મો નંબર આપણા માટે શરમજનક આંકડો છે. ગત ઓક્ટોબરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરામાં કહ્યું હતું કે, આપણે સ્વચ્છતાનો સ્વભાવને આપણા સંસ્કારમાં લાવવો જ પડે. આમ હાલ તેઓ ગાંધીજી અને સરદારનું સ્વચ્છતાનું સપનું સાકાર કરવાની દિશામાં પગલાઓ ભરી રહ્યા છે. અમદાવાદ શહેરને સ્વચ્છતા મામલે નંબર વન બનાવવા માટે દિવ્ય ભાસ્કરે ‘ચલ સાફ કરીએ’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરની સ્વચ્છતા સંબંધિત અહેવાલો રજૂ કરવામાં આવશે. આ સ્વચ્છતા ઝૂંબેશ અંતર્ગત આજે સ્વચ્છતાને લઈ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને કરેલી તૈયારીઓની વાત. દિવ્ય ભાસ્કર: અમદાવાદીઓને તમે શું અપીલ કરશો?
થેન્નારસન: અમદાવાદીઓને અપીલ કરવા માંગું છું કે આ શહેર તમારું છે. તમે આ શહેરની ઓનરશીપ લો તેવી વિનંતી કરું છું. અમે MY CITY MY PRIDE જે કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા માટે અને તેની મિલકતને નુકસાન ન થાય તે દિશામાં અમે લોકોને ચેતવીએ છીએ. કચરાનું એકત્રિત કરવા માટે અમે ડોર ટુ ડોરનું ખૂબ મોટું નેટવર્ક ઊભું કર્યું છે અને તમે ફોન કરો તો ઘરે પણ આવીને કચરો લઈ જાય છે. જે કચરો એકત્રિત થાય છે તેને સેગ્રીગેશન કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા જે બે ગ્રીન અને બ્લુ ડસ્ટબિન આપવામાં આવેલા છે તેમાં અલગ અલગ કરીને આપો. જેનાથી અમે તેને સરળતાથી પ્રોસેસ કરી શકીએ છીએ. દિવ્ય ભાસ્કર: દરરોજ કેટલો કચરો એકત્રિત થાય છે?
થેન્નારસન: દરરોજ 5000 મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે જેમાંથી 1200થી 1500 જેટલો કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલેશન વેસ્ટ (CD) અલગ કરીએ તો 3600થી 3800 જેટલો કચરો ડોર ટુ ડોર કલેક્ટ થાય છે. દિવ્ય ભાસ્કર: સ્વચ્છતામાં આગળ આવવા આગામી બે મહિનામાં અમદાવાદ અને કોર્પોરેશને શું કરવું જોઈએ?
થેન્નારસન: છેલ્લા બે વર્ષથી અમે આ માટે કામગીરી કરી રહ્યા છીએ. આખી કામગીરીમાં ખાસ કરીને એકદમ ચોખ્ખાઈ, ડોર ટુ ડોર કલેક્શન, સેગ્રીગેશન, RRR (રિસાયકલ, રીડ્યુઝ અને રિયુઝ) અને જાહેર શૌચાલય અને વોટર પ્લસ આ તમામ પાસાઓ સ્વચ્છ ભારત મિશન હેઠળ આવરી લેવાયા છે. આ તમામ સેક્ટરની અંદર જે પણ ખામીઓ હતી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ દિશામાં બાયોમાઇનિંગ, વેસ્ટ ટુ એનર્જી, વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ અને મટિરિયલ રિકવરી સ્ટેશન કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કર: ઝીરો વેસ્ટ તરફ આગળ જવા માટે શું કરવું જોઈએ?
થેન્નારસન: ઝીરો વેસ્ટ તરફ આગળ વધવા માટે આપણે બધા જાણીએ છીએ કે હાલ ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે. વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ચાલુ વર્ષે સ્વચ્છ ભારત મિશનની થીમ RRR પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં કચરાનું ઓછું ઉત્પાદન કરી શકીએ અને રિયુઝ્ડ કેટલું કરી શકીએ. જો નાગરિકો કચરાનું ઓછું ઉત્પાદન ન કરી શકે તો તેના માટે જે પણ જુના કપડા કે વસ્તુઓ હોય છે તે ગરીબ લોકોને આપી તેનો ઉપયોગ થઈ શકે તે દિશામાં RRR વાન બે મહિના પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ફલેગ ઓફ કરી શરૂ કરવામાં આવી છે. દરેક સોસાયટીમાં વાન આવશે જેમાં તમારા જુના કપડા,ચંપલ, ચીજ વસ્તુઓ, પ્લાસ્ટિક, ફર્નિચર અને ઈ વેસ્ટ વગેરે આપી શકો છો. જે બાદ તેને સેગ્રીગેશન કરવામાં આવશે. જેમાં ખરેખર જે રીયુઝ કરી શકાય તે તમામ વસ્તુઓ અમે જે પણ આર્થિક રીતે નબળા અને ગરીબ લોકો હોય તેને પાછી આપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. RRR વાન માટે જો તમે ફોન કરશો તો તે વાન તમારી સોસાયટીમાં આવશે અને વસ્તુ લઈને જશે. રોજનો 3600 મેટ્રિક ટન જેટલો કચરો ડોર ટુ ડોર એકત્રિત કરી પીરાણા ખાતે લઈ જવામાં આવે છે. આ કચરો ઓછો કરી શકાય તેના માટે આ RRR અમને મદદરૂપ થશે. દિવ્ય ભાસ્કર: કચરો ઘટાડવા માટે શું આયોજન છે?
થેન્નારસન: આગમી 1 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ 2 એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં પ્રતિ કલાક 15 કિલો મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. રોજના 1000 મેટ્રિક ટનમાંથી આ વીજળીનું ઉત્પાદન થશે અને આ દિશામાં આગળ વધી રહ્યા છે તેનું ટ્રાયલ રન પણ થઈ ગયું છે. જે 3500 મેટ્રિક ટન જેટલો કચરો પ્રોસેસ કરવાનો હોય છે તેમાંથી 1000 ઓટોમેટિક આ પ્લાન્ટમાં પ્રોસેસ થશે. બાકીનો કચરો વેસ્ટ ટુ કમપોસ્ટ અને પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટ છે તેમ અલગ અલગ રીતે આ કચરો પ્રોસેસ કરવાની પ્રક્રિયા કરાઈ છે. દિવ્ય ભાસ્કર: શું અમદાવાદને 1થી 5 નંબરમાં જોઈ શકીએ ?
થેન્નારસન: અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. બાયો માઇનિંગ અને પ્રોસેસિંગ મારફતે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આશા રાખીએ છીએ કે 1થી 5માં નંબર મેળવી શકીએ. ખાસ કરીને જે મોટી સોસાયટીઓ આવેલી છે. તેઓ RRR મારફતે કચરાને ઓછો કરી શકો છો. જેટલી પણ મોટી સોસાયટીઓ આવેલી છે તેઓને હું અપીલ કરું છું કે ઓર્ગેનિક કમ્પોસ્ટ મોડલ અપનાવો જેનાથી કોર્પોરેશન સુધી ઓછો કચરો પહોંચે તેના માટે મદદરૂપ થઈ શકે છે. સ્વચ્છ ભારત મિશનમાં નંબર મેળવવા માટે આ ઘણું મદદરૂપ થઈ શકે છે. દુનિયાના અન્ય શહેરો જેવાં કે સિંગાપોર, ટોક્યો વગેરે જેવા દેશોમાં ખૂબ સ્વચ્છતા હોય છે. ત્યારે અમે શહેરીજનોને અપીલ કરીએ છીએ કે જે પણ કોમર્શિયલ એકમો, જાહેર વેચાણના સ્થળો અને માર્કેટ હોય ત્યાં કચરો રોડ ઉપર ન ફેંકો જે પણ ડસ્ટબિન આપેલા છે તેમાં જ કચરો નાખવો જોઈએ. જે કચરાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકત્રિત કરવામાં આવશે. જેથી લોકોને અપીલ કરીએ છીએ કે કચરાપેટીમાં જ કચરો નાખવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments