બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે 16 નવેમ્બરે પોતાના કાર્યકાળના 100 દિવસ પૂરા કર્યા છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ બાંગ્લાદેશ દ્વારા 18 નવેમ્બરે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના શાસનમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વધી છે. યુનુસ વહીવટીતંત્ર લઘુમતીઓ વિરુદ્ધ ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર 5 થી 20 ઓગસ્ટની વચ્ચે લઘુમતીઓ વિરુદ્ધ અપરાધોના 2 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં 9 લઘુમતીઓની હત્યા કરવામાં આવી હતી. આ કેસોમાં સરકાર ગુનેગારોને ઓળખવામાં અને સજા કરવામાં બેદરકારી દાખવી રહી છે. શેખ હસીનાની સરકાર પડી ત્યારથી બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ પર હુમલા વધ્યા છે. આ દરમિયાન દુર્ગા પૂજા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ 100 દિવસમાં બાંગ્લાદેશમાં 22 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફ્ટ એકેડમી પર હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાઓ પર પણ પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. યુનુસ રાજકીય વિરોધીઓને બનાવી રહ્યા છે નિશાન
રાઈટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ (RRAG) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, યુનુસ વહીવટ શેખ હસીનાની જૂની સરકારથી બહુ અલગ નથી. યુનુસ સરકારે દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને રોકવા માટે કોઈ પગલાં લીધા નથી. આ સિવાય યુનુસ પ્રશાસન પોતાના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે બળપ્રયોગ કરી રહ્યું છે. યુનુસ પ્રશાસને 1598 કેસમાં 2 લાખથી વધુ લોકોને ટાર્ગેટ કર્યા છે. આમાંના મોટાભાગના લોકો યુનુસના રાજકીય વિરોધી હતા. ઓગસ્ટ મહિનાથી હિન્દુઓ પર થઈ રહ્યા છે સતત હુમલા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ત્યારથી હિંદુઓ પર હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દેશમાં ઘણી જગ્યાએ હિંદુ મંદિરોને નુકસાન થયું હતું. થોડા દિવસ પહેલા જ ઈસ્કોન સંસ્થાના સેક્રેટરી અને 18 લોકો વિરુદ્ધ ચિત્તાગોંગમાં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર ચટગાંવના ન્યુ માર્કેટમાં આઝાદી સ્તંભ પર રાષ્ટ્રધ્વજની ઉપર ભગવો ધ્વજ ફરકાવવાનો આરોપ હતો. આ ધ્વજ પર ‘સનાતની’ લખેલું હતું. બાંગ્લાદેશમાં હિંસા બાદ પૂર્વ પીએમ શેખ હસીના 5 ઓગસ્ટના રોજ ભારત આવ્યા હતા. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 22 ઓગસ્ટે વચગાળાની સરકારે હસીના અને તેના પરિવારના સભ્યોના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરી દીધા હતા. આ પછી 8 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને આ સરકારના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા હતા.