શહેર પોલીસે બે અલગ-અલગ વિસ્તારોમાં લોકોને ડરાવનારા આરોપીઓને સુરત પોલીસ તેના વિસ્તારમાં લઈ ગઈ હતી અને લોકોમાંથી આરોપીઓનો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં પોલીસની પીસીઆર વાનને પોતાની ગાડી સાથે અથડાવનારા અને આડાજણમાં એક યુવક પાસેથી ખંડણી માગનારા બે ભાઈઓને પોલીસે તેના વિસ્તારમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું અને અસામાજિક તત્વોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસવાનને ટક્કર મારનાર આરોપીની સાન ઠેકાણે આવી
ઉન ગામ ખાતે રહેતો અને દારૂના કેસમાં પકડાયેલા બુટલેગર દ્વારા થોડા દિવસ પહેલા પોલીસવાન પર પોતાની કારથી ટક્કર મારી હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી. પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી આરોપી બુટલેગર યુસુફ ફરાર થઈ ગયો હતો.હુસેન ઉફે યુસુફ તેની જે જગ્યા પર પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતો હતો એ વિસ્તારમાં પોલીસ તેને લઈ ગઈ હતી અને લોકોમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ ક્યો હતો. ખંડણી માગનારા બે ભાઈઓને પણ કાયદાનું ભાન કરાવ્યું
અડાજણના યોગી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દીપકકુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દીપક ભાઠા ખાતે આવેલી તાપી નદીમાંથી હાથ મજૂરીથી રેતી કાઢવાનું કામ કરે છે. દીપક શિવ દુલાર મજૂર અને કામદારોની સહકારી મંડળી સાથે ભેગા મળી વર્ષ-2014થી રેતી કાઢવાના કામ સાથે જોડાયેલો છે. વર્ષ-2022માં દીપક પાસે ભાવેશ અને ભદ્રેશ નામના બંને ભાઈઓ આવ્યા હતા. બંને ભાઈએ દીપકને ધારિયા જેવું હથિયાર બતાવી ધમકાવ્યો હતો કે, રેતી ભરેલી એક ટ્રકના 100 રૂપિયા ખંડણી આપવી પડશે. નહીં તો જાનથી મારી નાંખીશું. આ ધમકીથી ગભરાઈ દીપકે બંને ભાઈને ટ્રક દીઠ 100 રૂપિયા હપ્તો આપવાનું ચાલુ કર્યું હતું. દીપક આ પૈસા તેમને ગૂગલ પે અને અડાજણ ખાતે આવેલી બાપ્સ હોસ્પિટલ પાસે આપવા જતો હતો.બંને ભાઈએ વર્ષ-2022થી લઈ અત્યાર સુધી 10 લાખ ખંડણી વસૂલી હતી. ગત તા.7મીના રોજ દીપક તાપી નદી કિનારે આવેલા તાપી કુબેરેશ્વર મહાદેવ મંદિરે હતો, ત્યારે ભદ્રેશનો ફોન આવ્યો હતો કે હવેથી ટ્રક દીઠ એક હજાર આપવા પડશે. દીપક ભદ્રેશની વાતમાં સહમત નહીં થતાં તેને ધંધો બંધ કરી દેવાની ધમકી આપતો હતો. બાદ પણ ભાવેશ ને ભદ્રેશ દીપકને અવારનવાર ફોન કરી જો ટ્રક દીઠ 1 હજાર નહીં આપે તો જાનથી મારી નાંખવાની અને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા. દીપક બંને ભાઈઓના ત્રાસથી કંટાળી અડાજણ પોલીસની શરણે ગયો હતો. પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને ખંડણીખોરોને તેના વિસ્તામાં લઈ ગઈ હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. .