અમદાવાદમાં ત્રણ દિવસ અગાઉ કાગડાપીઠ પોલીસ મથક વિસ્તારમાં મહેસાણાના પાલાવાસણા ગામના અને અમદાવાદમાં ઠાકોર અલ્પેશ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે આજે મહેસાણાના પાલાવાસણા ગામે યુવકનું બેસણું યોજવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ મૃતકના પરિવારને મળી એક લાખની સહાય અપર્ણ કરી હતી. આ દરમિયાન સતત આ પ્રકારની ઘટનાઓ બનતા અલ્પેશ ઠાકોર ભડક્યા હતા. તેઓએ જણાવ્યું કે, ભ્રષ્ટ નેતા-અધિકારીના કારણે હપ્તાખોરી-ગુનાખોરી ચાલી રહી છે, આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ. અલ્પેશ ઠાકોરે હત્યાના બનાવને વખોડ્યો
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, યુવકની હત્યા કરનારા કોઈપણ ગુનેગારને છોડવામા નહીં આવે. અમે વ્યસન મુક્તિ, અસામાજિક તત્ત્વો સામે લડીએ છીએ. આ બનાવને હું વખોડું છું. સરકારને હું વિનંતી કરું છું કે, આનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, આવા લોકો સામે દાખલો બેસાડવો પડે, કોઈપણ સામાન્ય માણસને અસામાજિક પ્રવૃત્તિ કરતો શખ્સ નડી ના શકે, એના માટે સરકાર કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય તે માટે હું સરકારમાં વાત કરવાનો છું. નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છેઃ અલ્પેશ ઠાકોર
વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે. આની સામે વધારેમાં વધારે કાર્યવાહી થાય. અમારી જવાબદારી અમે નિભાવી છે, જ્યારથી સંગઠન બન્યું ત્યારથી સંગઠનના કોઈ પણ યુવાન સાથે કોઈ આકસ્મિક બનાવ બન્યો હોઈ અથવા કોઈપણ રીતે તકલીફ થાય તો અમારું સંગઠન મદદ કરતું હોય છે. આ પરિવારની તમામ જવાબદારી નિભાવવા અમે તૈયાર છીએ. સરકારને વિનંતી કરું છું કે, આવા પરિવારની જે સહાય થતી હોય એ કરે. ભ્રષ્ટ નેતા, ભષ્ટ અધિકારીના કારણે હપ્તાખોરી-ગુનાખોરી ચાલે છેઃ અલ્પેશ ઠાકોર
વધુમાં જણાવ્યું કે, નશાખોરી બંધ થવી જોઈએ. મારો ગુજરાતનો યુવાન નશાખોરીમાં ના સપડાય. આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, હું સુખાકારી વ્યસન મુક્તિની વાત કરું છું. નેતાઓને પણ લોકોની પડખે ઊભા રહી અસામાજિક તત્ત્વો સામે લડવું પડે, પણ દુર્ભાગ્યપૂર્ણ એ છે કે, હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી ચાલતી હોય છે. રાજ્યમાં ક્યાંક હપ્તાખોરી અને ગુનાખોરી ચાલે છે, એમાં ભ્રષ્ટ નેતા, ભ્રષ્ટ અધિકારીની મિલીભગત છે. આ મુદ્દે લડત આપી છે, અને આપતો રહીશ. શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના કાંકરિયા રોડ પર આવેલા કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા કવન ઠાકોરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ શર્મા (રહે, ઘોડાસર), વિશાલ ચુનારા, વિક્કી ચુનારા અને વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા (તમામ રહે, કંટોડિયાવાસ રાયપુર) વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. કવન પરિવાર સાથે રહે છે અને ઘંટાકર્ણ માર્કેટમાં શ્રીગણેશ વોટર્સ નામથી મિનરલ વોટર સપ્લાય કરવાનો ધંધો કરે છે. કવન રાતે તેના મિત્રો દિનેશ ઠાકોર, જતિન ઠાકોર, મનીષ ઠાકોર, અલ્પેશ ઠાકોર, મહેશ સાથે જયેન્દ્ર પંડિતનગર પાસે બેઠો હતો. ત્યારે 11 વાગ્યાની આસપાસ કવનના ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો. કિશને ફોન પર કહ્યું હતું કે, અલ્પેશ શર્માએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી હતી. એની અદાવત રાખીને જિજ્ઞેશ, વિશાલ, વિરાજ, વિક્કી સહિતના લોકો હાથમાં તલવાર સહિતનાં હથિયારો લઇને અલ્પેશ પર હુમલો કરવા આવવાના છે, તો તમે અલ્પેશને આ બાબતે જાણ કરી દેજો. તલવાર અલ્પેશના માથામાં મારી દીધી
કવને તરત જ તેના મિત્ર અલ્પેશને આ બાબતની જાણ કરી દીધી હતી. અલ્પેશ કવનની ફોઇનો દીકરો થાય છે અને મિત્ર પણ છે. અલ્પેશ અને મહેશ બન્ને પોતાનાં ઘર તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે એકાએક બૂમાબૂમ થવા લાગી હતી, જેથી કવન, દિનેશ, જતિન, મનીષ દોડતાં દોડતાં જોગણી માતાના મંદિર પાસે પહોંચી ગયા હતા. ત્યારે અલ્પેશ અને મહેશ લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડ્યા હતા. તેમને જોઈ કવન અને તેના મિત્રોએ અલ્પેશ અને મહેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ અલ્પેશને મૃત જાહેર કર્યો હતો, જ્યારે મહેશની સારવાર ચાલુ છે. મહેશે આ મામલે કવનને જણાવ્યું હતું કે, જિજ્ઞેશ શર્મા, વિક્કી સહિતના લોકો આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. જિજ્ઞેશ અને વિક્કીના હાથમાં તલવાર હતી, જે અલ્પેશના માથામાં મારી દીધી હતી. જ્યારે મારા ખભા પર મારી હતી. આ સિવાય વિશાલ અને વિરાજે પણ લોંખડના હથિયાર વડે હુમલો કર્યો હતો. હત્યારાઓ નામચીન બૂટલેગર
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, કાગડાપીઠ વિસ્તારમાં જિજ્ઞેશ શર્મા દારૂનો ધંધો કરે છે. જિજ્ઞેશ શર્મા નાના-મોટા બૂટલેગરોને દારૂ પૂરો પાડે છે અને તેની જાણ સ્થાનિક પોલીસને પણ છે. જિજ્ઞેશ શર્મા તેમજ વિશાલ, વિરાજ અને વિક્કી પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. જૂની અદાવતને ધ્યાનમાં રાખીને જિજ્ઞેશે હુમલો કરી દીધો હતો, જેમાં અલ્પેશનું મોત થયું છે.