back to top
Homeભારતમહારાષ્ટ્રમાં ભાજપને 80-90, કોંગ્રેસને 58-60:મહાવિકાસ આઘાડીને બહુમતી મળી શકે, શિંદે-અજિત પવાર નિષ્ફળ...

મહારાષ્ટ્રમાં ભાજપને 80-90, કોંગ્રેસને 58-60:મહાવિકાસ આઘાડીને બહુમતી મળી શકે, શિંદે-અજિત પવાર નિષ્ફળ નીવડી શકે છે

મહારાષ્ટ્રમાં 5 વર્ષની રાજકીય ઊથલપાથલ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. હવે કેટલાક પ્રશ્નો છે. શું ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન ફરીથી સરકાર બનાવી શકશે કે પછી કોંગ્રેસની મહાવિકાસ આઘાડી વિભાજિત શિવસેના અને એનસીપી વચ્ચે કોને પસંદ કરશે? શું મરાઠા આરક્ષણ આંદોલન, મરાઠા Vs ઓબીસી મુદ્દાઓ અને લાડકી બહેન જેવી યોજનાઓની અસર પરિણામો પર દેખાશે? આ પ્રશ્નોના જવાબો જાણવા ભાસ્કરના પત્રકારો છેલ્લા એક મહિનામાં મુંબઈથી કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્રથી મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્રથી વિદર્ભ સુધીના મતદારોને મળ્યા હતા. રાજકીય નિષ્ણાતો, પત્રકારો, રાજકીય પીઆર કરતી એજન્સીઓ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી. વાંચો ભાસ્કર રિપોર્ટર્સ પોલ… ભાજપ સૌથી મોટી પાર્ટી, કોંગ્રેસને સૌથી વધુ ફાયદો
મહારાષ્ટ્રની તમામ 288 બેઠક પર 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. પરિણામ 23મી નવેમ્બરે આવશે. કવરેજ દરમિયાન મળેલા ઇનપુટ્સ પરથી એવું સમજાયું કે મહાયુતિ અથવા મહાવિકાસ આઘાડી બંને માટે બહુમત માટે જરૂરી 145 બેઠક મેળવવી મુશ્કેલ છે. ભાજપને મહત્તમ 80-90 બેઠક મળી શકે છે. 2019માં તેને 105 બેઠક મળી હતી. કોંગ્રેસ 58-60 બેઠક સાથે બીજા સ્થાને રહી શકે છે. ગત ચૂંટણીમાં તેની પાસે 44 બેઠક હતી. ચૂંટણીમાં શરદ પવારનો જાદુ કામ કરતો જોવા મળી રહ્યો છે. તેમની પાર્ટી NCP (SP), જેણે 87 ઉમેદવાર ઊભા રાખ્યા છે, તે 50-55 બેઠકો જીતી શકે છે. શિવસેના (શિંદે જૂથ) અને શિવસેના (ઉદ્ધવ જૂથ) 30-35 બેઠક જીતીને ટાઈ રહી શકે છે. અજિત પવારની પાર્ટી એનસીપી મહાગઠબંધનની નબળી કડી બની રહી છે. તે માત્ર 15-20 બેઠક જીતે એવી શક્યતા છે. નાના પક્ષો અને અપક્ષોને 20થી 25 બેઠક મળી શકે છે. આવી સ્થિતિમાં તે કિંગમેકર બની શકે છે. ભાસ્કર રિપોર્ટર્સ પોલમાં મહાવિકાસ આઘાડી કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ)નું ગઠબંધન મહાયુતિ કરતાં 10 વધુ બેઠક મેળવી શકે છે. આ ગઠબંધનને બહુમતી મળે એવી પણ શક્યતા છે. મહાવિકાસ આઘાડી
ઉદ્ધવની શિવસેના નબળી, વિદર્ભમાં કોંગ્રેસનું વર્ચસ્વ
2019ની ચૂંટણીમાં ચોથા સ્થાને રહેલી કોંગ્રેસ આ વખતે તેના સાથીપક્ષો કરતાં ચડિયાતી દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ 13 સીટો જીતીને ચોંકાવ્યા હતા. વિદર્ભની 62 બેઠકમાંથી કોંગ્રેસ લગભગ 50 બેઠક જીતી શકે છે. કોંગ્રેસે ગઠબંધનમાં સૌથી વધુ 103 ઉમેદવાર ઊભા રાખ્યા છે. મહાવિકાસ આઘાડીનો બીજો સૌથી મોટો પક્ષ શિવસેના (ઉદ્ધવ જૂથ) સૌથી નબળો સાબિત થઈ શકે છે. પાર્ટીએ 96 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આમાંથી માત્ર એક તૃતીયાંશને જીતવાની તક છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં શરદ પવારની પાર્ટી NCP (SP) મજબૂત દેખાઈ રહી છે. તેમને મરાઠા મતોનો લાભ મળી શકે છે. મહાયુતિઃ ભાજપનો સ્ટ્રાઈક રેટ સારો, અજિત પવાર ગેમ બગાડી શકે છે
ભાજપની આગેવાની હેઠળનું મહાગઠબંધન બહુમતથી થોડું ઓછું પડી શકે છે. ઉત્તર મહારાષ્ટ્ર, કોંકણ અને મુંબઈમાં ભાજપ સારો દેખાવ કરી શકે છે. જોકે વિદર્ભમાં પાર્ટીને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે અહીં 29 બેઠક જીતી હતી. ગઠબંધનના અન્ય મુખ્ય પક્ષ શિવસેના (શિંદે જૂથ) મુંબઈ, કોંકણ અને મરાઠવાડામાં મજબૂત છે. પાર્ટીએ 83 સીટ પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. મહાયુતિ પાછળ અજિત પવારની NCP કારણ બની શકે છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ગ્રામીણ વિસ્તારોમાં પાર્ટી શરદ પવારથી પાછળ હોય એવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં પણ અજિત પવારની પાર્ટી માત્ર રાયગઢ બેઠક જ જીતી શકી હતી. પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 52 સીટ પર ચૂંટણી લડી રહી છે. જો કોઈ ગઠબંધનને બહુમતી નહીં મળે તો અપક્ષો સરકાર બનાવશે
રાષ્ટ્રીય સ્તરે સમાજવાદી પાર્ટી, જે I.N.D.I.A. બ્લોકમાં સામેલ છે, મહારાષ્ટ્રમાં અલગથી ચૂંટણી લડી રહી છે. તેને સીટ મળી શકે છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 2-4 ઉમેદવાર જીતી શકે છે. બાબા આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની પાર્ટી બહુજન વિકાસ આઘાડીને એક સીટ મળી શકે છે. 2019માં આ પાર્ટીએ 3 સીટ જીતી હતી. ગત ચૂંટણીમાં 13 અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. આ વખતે આ સંખ્યા 20થી વધુ હોઈ શકે છે, જેનો અર્થ છે કે બહુમતી ન મળવાની સ્થિતિમાં બંને ગઠબંધનને સરકાર બનાવવા માટે તેમની જરૂર પડશે. એક્સપર્ટે કહ્યું- બટેંગે તો કટેંગે જેવાં નિવેદનો મહાયુતિ માટે ચેલેન્જ બન્યાં
મરાઠી અખબાર લોકસત્તાના સંપાદક ગિરીશ કુબેર કહે છે, ‘ચૂંટણી પહેલાં વિપક્ષ અને શાસક પક્ષ બંને પાસે કોઈ મોટો મુદ્દો નહોતો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે મુદ્દો ઉઠાવ્યો હતો કે ‘બટેંગે તો કટેંગે’. આ નિવેદન મહાયુતિ સમક્ષ પડકારરૂપ બની ગયું હતું, કારણ કે સાથીપક્ષો NCP (અજિત) અને શિવસેના (શિંદે) દલિતો અને મુસ્લિમોને સાથે લાવવા માગતા હતા. યોગીના નિવેદનથી તેમને નુકસાન થયું છે. ‘લોકસભા ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના મતોમાં માત્ર 1%નો તફાવત હતો, પરંતુ મહાવિકાસ આઘાડીએ 13 વધુ બેઠકો જીતી હતી. વિદર્ભ ભાજપ માટે સુરક્ષિત વિસ્તાર છે. 2019માં બીજેપીએ અહીં 29 સીટ જીતી હતી, બીજેપીને પણ લાગે છે કે તે આનાથી વધુ સીટો મેળવી શકે નહીં. પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં શરદ પવારનો પ્રભાવ છે. ઉત્તર મહારાષ્ટ્રમાં ગાઢ હરીફાઈ છે. મરાઠવાડામાં ભાજપ માટે સ્થિતિ ખરાબ છે. ત્યાં શિવસેના (શિંદે) પાર્ટીને મહાયુતિમાંથી કેટલીક સીટો મળી શકે છે. મુંબઈ અને થાણે-કોંકણ પ્રદેશમાં લગભગ 75 બેઠક છે. મહાગઠબંધનની સૌથી મોટી આશા અહીં છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણને કારણે BJP+ને નુકસાન થયું
મરાઠી દૈનિક પુધારીના રાજકીય સંપાદક પ્રમોદ ચંચુવારનું માનવું છે કે મહાવિકાસ આઘાડી 150થી વધુ બેઠકો જીતશે, પરંતુ તે બોર્ડર લાઈન વિક્ટ્રી હશે. ઘણી બેઠકો પર મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે નેક ટુ નેક ફાઈટ છે. આ ચૂંટણીમાં બીજી એક વાત નોંધનીય છે કે જે નેતાઓ સેક્યુલર હતા તે ભાજપ સાથે ઊભા છે, જેમાં મિલિંદ દેવરા, અશોક ચવ્હાણ અને અજિત પવારનો સમાવેશ થાય છે. પ્રમોદ ચંચુવાર કહે છે, ‘આ નેતાઓ ભાગલાનું રાજકારણ નથી કરતા. જો બટેંગે તો કટેંગે તેવા નિવેદન પર અજિત પવાર અને પંકજા મુંડેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ નહીં ચાલે. અગાઉ પણ સાંપ્રદાયિક ધ્રુવીકરણની કોશિશ કરવામાં આવી હતી, પછી મહારાષ્ટ્રની જનતાએ એને નકારી કાઢી છે. ‘આ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવી છે. બંધારણનો મુદ્દો મોટો સાબિત થઈ શકે છે, કારણ કે અહીં ધારાસભ્યો પાર્ટીને હાઇજેક કરી રહ્યા છે. પક્ષ અને પ્રતીક પણ છીનવી લેવામાં આવ્યાં હતાં. બંધારણના મુદ્દે ભાજપ નબળું દેખાય છે. 1995માં 45 અપક્ષને સરકારમાં સામેલ કરાયા હતા, આ વખતે પણ એ શક્ય
મુંબઈમાં રહેતા એક વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર સાઠે કહે છે, ‘જો બંને ગઠબંધન બહુમતીથી ઓછું પડે છે, તો અપક્ષ ધારાસભ્યો સરકાર બનાવવામાં મદદ કરશે. 1995માં પ્રથમ વખત 45 અપક્ષ ઉમેદવારો મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા અને તે તમામ સરકારમાં જોડાયા હતા. નંબર્સની રમતમાં ફરી એ જ વસ્તુ જોવા મળશે, પરંતુ સંખ્યા 45 કરતાં ઘણી ઓછી હશે, 20-25ની આસપાસ. ચૂંટણી પછી રાજ ઠાકરે અને અજિત પવારનું શું થશે?
રાજ ઠાકરેએ ભવિષ્યવાણી કરી છે કે ચૂંટણી પછી ભાજપનો જ મુખ્યમંત્રી બનશે. 2029માં તેમની પાર્ટી MNS તેમને પોતાના મુખ્યમંત્રી બનાવવામાં સફળ થશે. રાજ ઠાકરેના નિવેદનથી સ્પષ્ટ છે કે મહાયુતિની સરકાર બની રહી છે. વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર સાઠે માને છે કે રાજ ઠાકરે આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મતો કાપશે. તેમનું ભાજપને સંપૂર્ણ સમર્થન છે. તેઓ માત્ર મત મેળવવાનું કામ કરે છે અને ભાગ્યે જ 4 બેઠક જીતી શકશે. અજિત પવાર વિશે તેઓ કહે છે કે, ‘ભલે અજિત મહાયુતિનો હિસ્સો છે, પરંતુ ઘણી વખત તેઓ જૂના સાથીપક્ષોનાં વખાણ અથવા સાથીપક્ષોનાં નિવેદનો સાથે અસંમત છે. તેમના કેટલા ઉમેદવારો જીતશે એ એક પ્રશ્ન છે, કારણ કે શરદ પવાર ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. એવું લાગે છે કે અજિત પવારના 10-15થી વધુ ઉમેદવારો વિજયી બનશે. અજિત પવાર આજે નહીં તો કાલે શરદ પવાર પાસે પાછા જશે. વરિષ્ઠ પત્રકાર સંદીપ સોનવલકર બેઠકો અંગે અલગ દાવો કરે છે. તેમનું કહેવું છે કે મહાયુતિ માટે લગભગ 136 સીટ દેખાઈ રહી છે, જ્યારે મહાવિકાસ આઘાડીને 126 બેઠક મળવાની સંભાવના છે. 5 મુદ્દા જેની ચૂંટણી પર અસર પડી
1. વિદર્ભ-મરાઠવાડામાં સોયાબીન અને કપાસના ખેડૂતોની નારાજગી
વિદર્ભ અને મરાઠવાડામાં પાણીની તંગી છે. ઘઉં, શેરડી અને ચોખાને બદલે અહીં સોયાબીન અને કપાસની વધુ ખેતી થાય છે. બંને પાકને ઓછા પાણીની જરૂર પડે છે. સોયાબીનનો પાક નવેમ્બરમાં લેવામાં આવે છે અને ખેતરમાં કપાસ પાકે છે. સોયાબીન અને કપાસ બંનેના વર્તમાન ભાવ MSP કરતાં નીચે છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદર્ભમાં 62 અને મરાઠવાડામાં 46 વિધાનસભા બેઠક છે. વિદર્ભ કોંગ્રેસનો સૌથી મજબૂત ગઢ રહ્યો છે. અહીં 36 સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. મરાઠવાડાના ખેડૂતોમાં શરદ પવારની સારી છબિનો ફાયદો મહાવિકાસ આઘાડીને થશે. 2. મરાઠા vs ઓબીસી, જો મરાઠા મતો વિભાજિત નહીં થાય તો મહાવિકાસ આઘાડીને ફાયદો થશે
મહારાષ્ટ્રનાં ગામડાંમાં છેલ્લાં 2 વર્ષથી મરાઠા આરક્ષણ આંદોલન ચાલી રહ્યું છે. અહીં આંદોલન શરૂ કરનાર મનોજ જરાંગે પાટીલનો પ્રભાવ છે. અગાઉ મનોજ જરાંગે ઉમેદવારી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જો મનોજ જરાંગે પાટીલના ઉમેદવાર ચૂંટણી લડ્યા હોત તો મરાઠા મતો ત્રણ ભાગમાં વહેંચાઈ ગયા હોત. એક ભાગ મનોજ જરાંગે, બીજો મહાવિકાસ આઘાડી અને ત્રીજો નાનો ભાગ મહાયુતિને જશે. આના કારણે સૌથી વધુ નુકસાન મહાવિકાસ આઘાડીને થયું હોત. નિષ્ણાતોનું માનવું છે કે મનોજ જરાંગે છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી લેવાના કારણે મરાઠા મતો બે ભાગમાં વહેંચાઈ જશે. આમાં શરદ પવાર અને કોંગ્રેસને મોટો હિસ્સો મળી શકે છે. 3. લાડકી બહેના યોજના અને મહિલા મતદારો
લોકસભા ચૂંટણીમાં હાર બાદ શિંદે સરકારે મહિલાઓ માટે લાડકી બહેના યોજના શરૂ કરી હતી, જેમાં મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળે છે. સરકાર બન્યા બાદ તેને વધારીને 2100 રૂપિયા કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ યોજના મધ્યપ્રદેશની તર્જ પર શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના આધારે ત્યાંની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી હતી. બીજી તરફ મહાવિકાસ આઘાડીએ વચન આપ્યું છે કે જો તેની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 3000 રૂપિયા મળશે. 4. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ
મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના પુનઃવિકાસનો મુદ્દો ચૂંટણી પહેલાં જ ગરમાયો હતો. અદાણી ગ્રુપની કંપનીને આ પ્રોજેક્ટ મળ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પ્રોજેક્ટ રદ કરવાનું વચન આપ્યું છે. કોંગ્રેસ પહેલાંથી જ ગૌતમ અદાણીના બહાને ભાજપ પર નિશાન સાધતી રહી છે. મહાવિકાસ આઘાડીનો હિસ્સો રહેલા શરદ પવાર ગૌતમ અદાણીના મિત્ર રહી ચૂક્યા છે. ચૂંટણી દરમિયાન અજિત પવારે એક ઈન્ટરવ્યૂમાં 2019માં યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ગૌતમ અદાણી સાથે ગૃહમંત્રી અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર અને અજિત પવાર પણ હાજર હતા. શરદ પવારે પણ આ વાત સ્વીકારી હતી. જોકે ભાજપે મૌન સેવ્યું હતું. 5. ‘એક હૈ તો સેફ હૈ’ જેવા સૂત્ર સાથે ધ્રુવીકરણનો પ્રયાસ
યુપીના સીએમ યોગીના ‘કટંગે તો બટેંગે’થી શરૂ થયેલી નારાઓની રાજનીતિ પીએમ મોદીના ‘એક હૈ તો સેફ હૈ’ના નારા સુધી પહોંચી ગઈ હતી. ચૂંટણી પહેલાં ભાજપે અખબારોમાં જાહેરાતો પણ આપી હતી. નિષ્ણાતો એવું પણ માને છે કે ‘બટેંગે તો કટંગે’ના નારાને કારણે મુસ્લિમ મતોમાં ધ્રુવીકરણ થયું, જેનો ફાયદો મહાવિકાસ આઘાડીને થયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments