ભારત સરકારે કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલને સંપૂર્ણપણે ફગાવ્યા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે ભારતના વડાપ્રધાન મોદીને હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાના પ્લાન વિશે અગાઉથી જાણકારી હતી. આ અંગે ભારતે કહ્યું કે આ અમને બદનામ કરવાની ઝુંબેશ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી. જો કે, આવા ‘વાહિયાત’ અને હાસ્યાસ્પદ નિવેદનોને નકારીએ છીએ. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, આવી ખોટા નિવેદન આપણા પહેલાથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે. રિપોર્ટમાં દાવો – ડોભાલ અને જયશંકરને પણ જાણ હતી
કેનેડાના અખબારના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ ષડયંત્રથી વાકેફ હતા. નિજ્જરની હત્યા કેસમાં આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી પર સીધા આરોપો લગાવવામાં આવ્યા છે. જો કે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા સરકાર પાસે આ અંગે કોઈ નક્કર પુરાવા નથી. PM મોદી અને ટ્રુડો G20 સમિટમાં મળ્યા હતા આ પહેલા બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની એક તસવીર સામે આવી હતી, જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે આ બંને વચ્ચેના સંબંધોમાં જામેલા બરફની પીગળવાની શરૂઆત હોઈ શકે છે. જો કે, આ મુલાકાતના બીજા જ દિવસે ટ્રુડો સરકારે ભારતથી આવતા મુસાફરોની સુરક્ષા તપાસ વધારી દીધી હતી. જેના કારણે મુસાફરોને એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી સીબીસી અનુસાર, અધિકારીઓએ સુરક્ષા તપાસ વધારવાનું કોઈ કારણ આપ્યું નથી. ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી 18 જૂન, 2023ની સાંજે, સરે શહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા હતા, જેને ભારતે ફગાવી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે આરોપ લગાવ્યો હતો કે કેનેડા ભારતમાં વોન્ટેડ લોકોને વિઝા આપે છે. તેમણે કહ્યું હતું કે, ‘પંજાબમાં સંગઠિત અપરાધો સાથે જોડાયેલા લોકોનું કેનેડામાં સ્વાગત કરાય છે.’ કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની હત્યાના એક વર્ષ પૂર્ણ થવા પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ માટે સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.