back to top
Homeગુજરાતરાજકોટમાં બનશે દેશનું સૌથી મોટુ વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા,...

રાજકોટમાં બનશે દેશનું સૌથી મોટુ વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા, 23મીથી મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થશે

રાજકોટ નજીક પડધરી પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કરાઈ રહ્યું છે. પડધરીના રામપર નજીક બની રહેલા આ વૃદ્ધાશ્રમમાં એક સાથે 5100 વૃદ્ધો રહી શકે તે માટે 11 માળના કુલ 7 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં જે વૃદ્ધોને રાખવામાં આવશે તેઓને હોટલ જેવી સુવિધા મળી રહેશે. રાજકોટ નજીક બની રહેલા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમના લાભાર્થે 23મી તારીખથી રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથા યોજાશે. રાજકોટના રેસકોર્સમાં મોરારિબાપુની કથાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટમાં બની રહ્યું છે દેશનું સૌથી મોટુ વૃદ્ધાશ્રમ
દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે. જામનગર રોડ ઉપરના રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂ. 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાંથી નિરાધાર, અશકત, પથારીવશ, કોમામાં તેમજ ડાઈપર ઉપર રહેલા 5,100 વડીલોને આશરો મળી રહે તે માટે 1,400 રૂમો તૈયાર કરવામાં આવેલા છે. 11 માળના 7 બિલ્ડિંગમાં વડીલોને નિ:શુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનુ, ગાર્ડન, કોમ્યુનિટી હોલ અને બાગ બગીચા સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવશે. વૃદ્ધો અને વૃક્ષ માટે રામકથાનું આયોજન
વિજય ડોબરીયાએ જણાવ્યું હતું કે, મોરારિબાપુની 12 વર્ષ બાદ રાજકોટમાં રામકથા યોજાવાની છે અને પ્રથમ વખત મોરારીબાપુ વૃદ્ધો અને વૃક્ષો માટે કથા કરવાના છે. શહેરનાં રેસકોર્ષ મેદાનમાં યોજાનારી કથા સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે છે. રાજકોટથી 16 કિલોમીટર દૂર જામનગર રોડ ઉપર રામપર ગામે 300 કરોડના ખર્ચે ભારતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. જ્યાં 5000 વડીલો માટે 1400 રૂમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોરારિબાપુની કથાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાતા કાર્યકર્તા બની સેવા આપી રહ્યાં છે. એક સાથે 50,000થી વધુ લોકો ભોજન કરી શકે અને 1 લાખ લોકો કથા શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કથા દરમિયાન 3000થી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેવાના છે. રાજકોટ શહેરના તમામ લોકો આ કથામાં જોડાય તે પ્રકારના અમારા પ્રયાસો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, મોરારિબાપુ વૃક્ષો અને વૃદ્ધો માટે કથા આપી રહ્યા છે. જેમાં 150 કરોડ વૃક્ષોનું વાવેતર કરી પૂરા ભારત દેશને ગ્રીન ઇન્ડીયા બનાવવાની હાંકલ કરવામાં આવશે. વૃક્ષો વિના જીવન નથી અને વૃક્ષો એ જ પક્ષીઓ અને તમામ જીવોનું અન્નક્ષેત્ર છે. આ ઉપરાંત સમગ્ર ભારત દેશમાંથી નિઃસંતાન અને નિરાધાર વડીલો રહી શકે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવા ભવનનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનુ સૌથી મોટુ વૃદ્ધાશ્રમ હશે અને તેમાં એ વડીલો જ રોકાઈ શકશે કે જેમને કોઈ સંતાન નથી અને જીવવા માટે કોઈનો આધાર નથી. 9 વર્ષ પહેલા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ હતી
સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા મિતલ ખેતાણીએ અગાઉ જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ જેઓ નિ:સંતાન, નિરાધાર, પથારીવશ ઉપરાંત કોમામાં અને કેન્સરમાં જીવનના લાસ્ટ સ્ટેજમાં છે તેઓનું કોણ? આ પ્રકારના ઉમદા અને પવિત્ર આશયથી 9 વર્ષ પહેલા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ. હાલ નિરાધાર અને પથારીવશ 650 વડીલોની સેવા આ વૃદ્ધાશ્રમ કરી રહ્યું છે. જેમાં 200 વડીલો તો ડાઇપર પર છે ત્યારે આ પ્રકારના વડીલોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સેવાનું ધામ ગણાતા રાજકોટમાં કોઈ વડીલને ના ન પાડવી પડે તે માટે રાજકોટનાં રામપરમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે. 30 એકરમાં 300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ
જામનગર રોડ ઉપર રામપર ગામે 30 એકર જગ્યામાં રૂ. 300 કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહ્યુ છે. જેમાં 1400 જેટલાં રૂમ રાખવામાં આવેલા છે. જેમાં 5,100 વડીલોનો સમાવેશ થઈ શકશે. આગામી એપ્રિલ, 2025થી આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવાનું શરૂ થશે. જેમાં 11 માળના 7 બિલ્ડીંગ હશે જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનુ, ગાર્ડન, કોમ્યુનિટી હોલ અને બાગ બગીચા સહિતની તમામ સુવિધા વડીલોને આ પરિસરમાં મળી રહેશે. દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારિબાપુ 12 વર્ષ બાદ વૈશ્વિક રામકથા કરી રહ્યા છે. શહેરના રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી તા. 1 ડિસેમ્બર સુધી રામકથા યોજાવાની છે. દેશભરમાં કોઈ પણ નિરાધાર વડીલો હોય તો તેઓ નિ:સંકોચ અમારો સંપર્ક કરી શકે છે અમે ચરણસ્પર્શ કરીને આ વડીલોને આવકારીશુ. આ વડીલોને અમે અમારા મા-બાપની જેમ સાચવીશું. આ વડીલોનો ભૂતકાળ ગમે તેટલી યાતનાઓમાં વીત્યો હોય પરંતુ એક વખત તેઓ આ વૃદ્ધાશ્રમમાં આવશે ત્યારબાદ હંમેશા ખુશીથી જીવશે અને તેમના જીવનમાં 5 વર્ષનો વધારો થાય તે રીતની સગવડ આ વડીલોને આપવામાં આવશે. આ સદભાવના વૃદ્ધાશ્રમમાં લાઇબ્રેરીની સાથે હોસ્પિટલની સુવિધા પણ હશે. ઉપરાંત આ વૃદ્ધાશ્રમ ભવિષ્યમાં સદભાવના ધામ બને અને અહીં દરરોજ 25,000થી વધુ લોકો મુલાકાત લે તેવા અમારા પ્રયત્નો છે. લોકો માટે આ વૃદ્ધ તીર્થ બને. જેથી લોકોએ તન, મન, ધનની સાથે પોતાના સમયનું પણ દાન કરવું જોઈએ અને થોડો સમય આ વડીલો સાથે રહેવું જોઈએ જેથી તેઓને એકલવાયાપણું ન અનુભવાય. દેશભરમાં અનેક વૃદ્ધાશ્રમો છે અને તે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરે છે પરંતુ અમને એવો ખ્યાલ આવ્યો છે કે જે વડીલો લાસ્ટ સ્ટેજ ઉપર એટલે કે કોમામાં અને પથારીવસ છે તેઓનું કોઈ નથી. જેથી આ પ્રકારના વડીલો માટે નવું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે. જેથી દેશભરના કોઈપણ વૃદ્ધાશ્રમમાં આ પ્રકારના વડીલો હોય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. કારણકે અહીં વડીલોની સારવાર માટે મેડિકલ અને પેરા મેડિકલની સુવિધાઓ હશે તો સાથે જ ગુજરાતમાં પ્રથમ રાજકોટને મળેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની AIIMS હોસ્પિટલનો લાભ પણ આ વડીલોને સારવાર માટે મળી રહેશે. 12 વર્ષ બાદ રાજકોટના આંગણે મોરારિબાપુની કથા
રાજકોટની ધરતી પર 12 વર્ષના લાંબા ગાળા બાદ મોરારિબાપુની રામકથા યોજાઈ રહી છે ત્યારે રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓ અને જિલ્લાઓના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાનારી રામકથા માટે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ‘અયોધ્યાધામ’નું નિર્માણ કરાયું છે. નવ દિવસ ચાલનારી કથામાં દરરોજ અંદાજે 1 લાખ શ્રાવકો કથાનું રસપાન કરવા ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. રાજકોટમાં મોરારિબાપુની સૌપ્રથમ રામકથા 1976માં થઈ હતી. બાદમા 1982, 1986 અને 1998માં માનસ મુદ્રિકા, 2007માં માનસ વાલ્મિકી અને 2012માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી. 2 લાખ ચો.મી.જગ્યામાં ‘અયોધ્યાધામ’નું નિર્માણ
મંડપ અને ભોજનની વ્યવસ્થા સંભાળતા કેતન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારી આ કથા માટે 2 લાખ ચોરસ મીટરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 23મી નવેમ્બરથી શરૂ થનારી આ કથાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 1-30 કલાક સુધીનો રહેશે. કથા સ્થળ પર એક સાથે એક લાખ લોકો બેસી શકે તેવા 135X561 ફૂટના વિશાળ ત્રણ જર્મન ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભારતીય બેઠક, VIP અને VVIPઓ સહિતની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથા શ્રવણ માટે આવનારા હજારો શ્રાવકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે
સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરીયાએ જણાવ્યું હતું કે, આ રામકથામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારવાના છે. જ્યારે સંતો – મહંતોમાં બાબા રામદેવ, અવધેશાનંદજી સહિતનાં પધારવાના છે. આ ઉપરાંત વિદેશથી પણ અનેક મહાનુભાવો આવવાના છે. જેમાં અમેરિકા, લંડન, દુબઈ અને મસ્કત સહિતથી અમારા દાતાઓ અહીં રામકથાનો લાભ લેવા માટે આવવાના છે. રાજકોટ એ સેવાનું ધામ બને અને અહીં સદભાવના વૃદ્ધાશ્રમ 5000 વડીલોને આશરો આપનારું સૌથી મોટુ ભવન બની રહ્યુ છે તે એક રેકોર્ડ છે. વૃદ્ધાશ્રમના નિર્માણ માટે દાતાઓનો ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. રૂ. 1 કરોડનું દાન આપનારા મોટી મોટી કંપનીઓના માલિકો પણ કથાના આયોજનમાં કાર્યકર્તા બનીને સેવા આપી રહ્યા છે. કથા સ્થળે આવવા-જવા બસની વિનામૂલ્યે વ્યવસ્થા
વૈશ્વિક રામકથામાટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે. વૈશ્વિક રામકથામાં કથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે વિવિધ સ્થળેથી વિના મુલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બસ દોડાવવામાં આવશે. તમામ જગ્યાએથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોચશે. બસ વ્યવસ્થા 23 નવેમ્બરે બપોરે 2-30 વાગ્યે અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 8-30 વાગ્યાથી રાખવામાં આવી છે. જે લોકો બસના પોઈન્ટ પર ઉભા રહી જશે તેમને બસ કથા સ્થળે એટલે કે રેસકોર્ષ પહોચાડશે. કથા માટે રાજકોટના લોકોનો ઉત્સાહ જોઈને કથાના આયોજકોએ વાહન વ્યવસ્થાપન સમિતિ રચી છે જે સમિતિ ભક્તજનોને કથા સ્થળ પર લઇ જવા તથા પરત પોઈન્ટ પર મૂકી જવાની તમામ વ્યવસ્થા સંભાળશે. બસ નંબર 1 : મવડી ઝખરાપીરના મંદિરથી શરુ કરી, મવડીગામ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 2 : પી.ડી.માલવીયાથી ગોકુલધામ, સ્વામી નારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશુલચોક (લક્ષ્મીનગર),વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 3 : કોઠારીયાથી શરુ કરી કોઠારિયા ગામ, રણુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 4 : જીવરાજ પાર્કથી શરુ કરી શાસ્ત્રી નગર, નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષમીનગર ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 5 : માધાપર ચોકડીથી શરુ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક,નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 6 : ઉપલા કાઠા વિસ્તારથી શરુ કરી રામદેવપીર મંદિર, ભગીરથ સોસાયટી (સંતકબીર રોડ),ત્રિવેણી મેઈટ (સંતકબીર રોડ), જલગંગા ચોક(સંતકબીર રોડ), ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન સર્કલ(પેડક રોડ), રણછોડબાપુ આશ્રમ(કુવાડવા રોડ), પારેવડી ચોક (બેડીપરા) થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 7 : રેલનગર પેટ્રોલ પંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુમાન (જકંશન), પેટ્રોલ પંપ (પુલના ખુણા પાસે) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે. સદભાવના વૃદ્ધાશ્રમની હાલની સેવાકીય પ્રવૃત્તિઓ
1. રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પીપળીયા ભવન, વાગુદડ અને ન્યારા એમ 3 સ્થળોએ સદભાવના વૃદ્ધાશ્રમમાં 650 નિરાધાર વડીલોની સેવા કરવામાં આવે છે.
2. નાનામવા ચોક પાસે દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં પડતર કિંમતનો સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોકોને દવાઓ ઉપર 15% થી 60 % સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
3. જામનગર રોડ ઉપરના શ્વાન આશ્રમમાં બીમાર, અંધ, અપંગ અને લાચાર 150 શ્વાનોને આશ્રય આપવામાં આવે છે.
4. કાલાવડ રોડ ઉપર ખીરસરા અને દેવગામની ધાર પાસે રખડતા, લાચાર, બિમાર 1,600 બળદોને આશ્રય આપવામાં આવી રહ્યો છે.
5. ગુજરાતમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પિંજરા સાથે વાવેતર થઈ ચૂક્યું છે તેમજ મિયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષોનું વાવેતર 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1,600 માણસોના પગારદાર સ્ટાફની મહેનતથી કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments