સાબરમતીમાં રહેતા યુવકે સંબંધીની ભાડે કાર ચલાવતા મહેસાણામાં અકસ્માત કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. જેમાં યુવક કોર્ટમાં હાજર ન રહેતા અને વળતર ન ચૂકવતા સંબંધી અન્ય સાગરિતો સાથે મળીને યુવકનું અપહરણ કરીને મહેસાણા લઇ ગયો હતો. જોકે, આ અંગે સાબરમતી પોલીસને માહિતી મળતા ચારેય શખસો સામે ગુનો નોધીને મહેસાણાના વિરમપુરથી તેમની ધરપકડ કરી લીધી છે. એક લાખ આપી જજો અને મોહિતને લઇ જજો
સાબરમતીમાં 43 વર્ષીય આરતીબેન ચૌહાણ પરિવાર સાથે રહે છે અને રસોઇ બનાવવાનું કામ કરે છે. જેમાં તેમના મોટા બહેન ભાવનાબેન ઠાકોર વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. તેમના બંને પુત્રો 28 વર્ષીય પાર્થ અને 25 વર્ષીય મોહિત સાબરમતી પાવર હાઉસ પાસે કાર વોશિંગની દુકાનમાં નોકરી કરે છે અને રહે છે. ગત 19 નવેમ્બરે મોહિત પાવર હાઉસ પાસે ઉભો હતો, તે સમયે ચાર શખ્સો તેનુ ઇકો કારમાં અપહરણ કરીને ચાંદખેડા તરફ લઇ ગયા હતા. આરતીબેને આસપાસના લોકોને પૂછતા જણાવ્યું કે, એક લાખ આપી જજો અને મોહિતને લઇ જજો તેમ ચારેય જણાવતા હતા. આ અંગે આરતીબેને ચારેય અજાણ્યા શખ્સો સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. યુવકે દંડ ન ચૂકવતા સંબંધીએ અપહરણનો પ્લાન ઘડ્યો
પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી તેમજ કારને ટ્રેક કરી હતી. જેને લઇને પોલીસે મહેસાણાના વિરમપુરા ગામમાંથી ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે રાહુલ ઠાકોર, સંજય ઠાકોર, જીગર ઠાકોર અને રાકેશ ઠાકોરની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, યુવક અને તેને અપહરણ કરનાર સંબંધી છે. બે વર્ષ પહેલાં મોહિતે આરોપી રાહુલની ગાડી ભાડે ચલાવતો હતો. આ ગાડી મારફતે એક અકસ્માત થયું હતું. જે બાદ કેસ વિસનગર કોર્ટમાં ચાલતો હતો ત્યારથી મોહિત કોર્ટમાં હાજર રહેતો ન હતો. ફક્ત એટલું જ નહિ કોર્ટ દ્વારા ગાડી માલિક રાહુલ અને ડ્રાઇવર તરીકે મોહિતને દંડ કરવામાં આવ્યો હતો તે કેસમાં દંડની ચુકવણી ના કરતા આરોપી રાહુલ ઠાકોરે તેના સાગરીતો સાથે મળીને એક લાખ લેવા મોહિતનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.