SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય અંદાજમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે સ્વિમિંગ, ખો-ખો અને ફૂટબોલની રમતોની સ્પર્ધાઓ જોવા મળી. સ્વિમિંગ પ્રથમ દિવસની સૌથી મોટી ઇવેન્ટ રહી. જેમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું. ઉદગમ સ્કૂલે શાનદાર પ્રદર્શન થકી 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 46 પોઇન્ટ્સ મેળવ્યા અને બીજા ક્રમે રહેલ આનંદ નિકેતન સ્કૂલ સામે 26 પોઈન્ટ્સની લીડ મેળવી. ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો પ્રથમ દિવસે સ્વિમિંગ સ્પર્ધામાં ઉદગમ સ્કૂલના અયાન નારંગે ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું, અયાને અંડર-14માં 100 મીટર બેકસ્ટ્રોક અને 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગર્લ્સ અંડર-14 કેટેગરીમાં મન્નત મુલચંદાનીએ સેન્ટ ઝેવિયર્સ તરફથી ભાગ લેતા 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની જેનિલા લિંબાચિયાએ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. નિરમા વિદ્યાવિહારના હૃદાન શાહે બોય્ઝ અંડર-16 ની 50 મીટર ફ્રીસ્ટાઈલમાં, જ્યારે શાંતિ એશિયાટિક સ્કૂલની નિહારિકા મિશ્રાએ ગર્લ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. અંડર-10ની 50 મીટર બટરફ્લાયમાં જેમ્સ જીનેસિસ ઈન્ટરનેશનલ સ્કૂલના નિધાન આનંદે બોય્ઝ કેટેગરીમાં અને અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલની આરુષી શાહે ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો.