back to top
Homeગુજરાતઅમદાવાદથી રાજકોટમાં 201 કિમીમાં ચાર નવાં ટોલનાકાં બનશે:હાલનાં બંને ટોલનાકાં નીકળી જશે,...

અમદાવાદથી રાજકોટમાં 201 કિમીમાં ચાર નવાં ટોલનાકાં બનશે:હાલનાં બંને ટોલનાકાં નીકળી જશે, શું હવે કારમાલિકે પણ ટોલ આપવો પડશે? જાણો ક્યારથી થશે અમલ

બહુચર્ચિત અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિલોમિટરના હાઈવે પર હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. હાલનાં બંને ટોલનાકાં નીકળી જશે, તેના સ્થાને 4 નવી જગ્યાએ ટોલનાકાં બનશે. તમામ ચાર નવાં ટોલનાકાંનું બાંધકામ આખરી તબક્કામાં છે. આ અંગે રોડ અને મકાન ખાતાએ રાજ્યના નાણાપંચને દરખાસ્ત મોકલી આપી છે. 3350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ફોરલેનમાંથી સિક્સલેન બનેલા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્ત્વના સમાચાર છે. આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકાં આવે છે. તેની જગ્યાએ હવે ચાર નવી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવશે. ચાર ટોલનાકાંમાંથી ત્રણ ટોલનાકાંનું બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે. આગામી તારીખ 1, એપ્રિલ, 2025થી 4 ટોલનાકાં પર ટેક્સ લેવામાં આવી શકે છે. કઈ ચાર જગ્યાએ નવાં ટોલનાકાં બન્યાં?
અમદાવાદથી રાજકોટ જતા પહેલું ટોલનાકું બાવળા પછી 12 કિમી દૂર ભાયલા ગામ પાસે કોરોના કંપની પાસે ઊભું કરવામાં આવ્યું છે. ત્યાર બાદ બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે બનાવવામાં આવ્યું છે. જ્યારે ત્રીજું ટોલનાકું ઢેઢુંકી ગામ પાસે (સાયલા-ચોટીલા વચ્ચે) તેમજ ચોથું ટોલનાકું માલિયાસણ ગામ (રાજકોટથી 8 કિમી પહેલાં) બનાવવામાં આવ્યું છે. માલિયાસણ સિવાયના તમામ બીજા 3 ટોલનાકાંનું બાંધકામ અને ઉપર છતનું કામ પૂરું થવાની તૈયારીમાં છે. ચારેય ટોલનાકાની દરખાસ્ત મોકલી દેવાઈ
રાજ્યના આર એન્ડ બી વિભાગ દ્વારા આ અંગેની દરખાસ્ત રાજ્યના નાણાપંચને મોકલી આપી છે. જેમાં 4માંથી 2 ટોલનાકાંની દરખાસ્ત આર એન્ડ બી વિભાગના અમદાવાદ સર્કલ તેમજ 2 ટોલનાકાંની દરખાસ્ત રાજકોટ સર્કલ દ્વારા મોકલવામાં આવી છે. વિચારણા બાદ રાજ્યના નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યારથી તેની મિનિટ્સ મંજૂર થઈને આવશે. ટોલ ગેઝેટ એટલે કે નોટિફિકેશન મંત્રાયલ દ્વારા જ મંજૂર થાય પછી પ્રોસેસ આગળ વધશે. આ અંગે દિવ્ય ભાસ્કરે રાજ્ય સરકારના માર્ગ અને મકાન ખાતાના સચિવ એ કે પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ‘અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાર જગ્યાએ ટોલપ્લાઝા બનશે.’ કેટલો ટોલ રાખવામાં આવશે એના જવાબમાં તેમણે કહ્યું કે ‘એ તો કેન્દ્ર સરકાર નક્કી કરે એ પ્રમાણે રહેશે.’ શું અમદાવાદ-રાજકોટ વચ્ચે હવે કારનો ટોલટેક્સ પણ લેવામાં આવશે?
નોંધનીય છે કે આનંદીબેન પટેલની સરકાર દ્વારા વર્ષ 2016માં તમામ સ્ટેટ હાઈવે પર ફોરવ્હીલ (કાર/વાન) વાહન માટે ટોલટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો રોડ આમ તો નેશનલ હાઈવે (નેશનલ હાઈવે નં-8બી, નેશનલ હાઈવે ન- 47)નો ભાગ છે. પણ રાજકોટથી અમદાવાદ વચ્ચેના રોડનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2003માં આ રોડને ફોરલેન બનાવવામાં આવ્યો હતો. આથી આ હાઈવે પર પણ ફોરવ્હીલ માટે ટોલટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2026 પછી ફોરવ્હીલ પર ટેક્સ લેવાઈ શકે છે?
હવે રાજ્ય સરકાર દ્વારા જ રોડને અંદાજે 3350 કરોડ રૂપિયાના ખર્ચે 4માંથી 6 લેનમાં ડેવલપ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે શું આ હાઈવે પર ફોરવ્હીલ ટોલમાંથી મુક્તિ ચાલુ રહેશે કે કેમ? સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટ હાઈવે અંગેના 10 વર્ષ જૂના જીઆરની મુદત વર્ષ 2026માં પૂરી થશે. એટલે વર્ષ 2026 સુધી તો ફોર વ્હીલર પર ટેક્સ લેવામાં આવે તેવી શક્યતા નથી. ત્યાર પછી શું નિર્ણય લેવો એ રાજ્ય સરકાર પર નિર્ભર છે. બે ટોલનાકા વચ્ચે 60 કિમીના અંતરના નિયમનો છેદ ઊડશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે બે ટોલનાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર રહેશે. જોકે અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિમીમાં 4 નવા ટોલનાકા બનતા આ નિયમનું પાલન થશે નહીં. વાહનચાલકો પર ટોલનો બોજો કેટલો વધશે?
આ હાઈવે પર હાલ 2 ટોલનાકાં પર જેટલો ટોલ આપવો પડે છે તેમાં હવે 4 ટોલનાકાં બનતા વાહનચાલકો પર ટોલનો કુલ ખર્ચ વધશે એ નક્કી છે. પણ આખી જર્નીમાં કુલ કેટલો ટેક્સ વધશે એ નવા ભાવ નક્કી થયા પછી કહી શકાય. દરરોજ 50 હજાર ટ્રક-બસ ચાલકોને અસર થશે
અમદાવાદ-રાજકોટ હાઈવે સૌરાષ્ટ્રને રાજ્યના બીજા ભાગ સાથે જોડતો સૌથી મહત્ત્વનો હાઈવે છે. તેને રાજ્યની ધોરીનસ પણ કહેવામાં આવે છે. ગુજરાતના સૌથી બિઝી હાઈવે પૈકીનો એક છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસિયેશનના સેક્રેટરી હસમુખભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદથી રાજકોટ હાઈવે પર રોજ અંદાજે 40થી 50 હજાર ટ્રકની અવરજવર થાય છે. જેમાં રાજકોટથી આગળ જામનગર, જૂનાગઢ અને કચ્છ તરફ જતી ટ્રક પણ સામેલ છે. આ ટ્રકમાં પાર્સલ, ખાતર, સિમેન્ટ તેમજ જીવનજરૂરિયાતની વસ્તુઓની હેરફેર થાય છે. જ્યારે ટ્રક-ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વેપારી મનીષભાઈ રબારીએ જણાવ્યું હતું કે અમદાવાદથી રાજકોટ હાઇવે પર રોજ લગભગ 50 હજાર ટ્રકની અવરજવર થાય છે. જ્યારે સરકારી અને ખાનગી મળી અંદાજે 1 હજાર જેટલી બસોની અવરજવર થાય છે. ‘ટ્રાવેલ ટાઈમ ઘટીને 3.09 કલાક થયો’
આ અંગે આર એન્ડ બી વિભાગના રાજકોટ સર્કલના અધિકારી રમેશ શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ‘અમારા સર્કલમાં આવતાં બે ટોલનાકાંની દરખાસ્ત અમે રાજ્યના નાણાપંચે મોકલી આપી છે. નવા સિક્સ લેનના ફાયદા ગણાવતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સનાથલ ચોકડીથી લઈને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહેલાં ટ્રાવેલ ટાઈમ 5.30 કલાકનો હતો, જે હવે ઘટીને 3.09 કલાકનો થઈ ગયો છે. છેલ્લાં બે વર્ષમાં થયેલા ઝડપી કામના કારણે ટ્રાવેલ ટાઈમ ઘટ્યો છે.’ પ્રોજેક્ટનો ખર્ચ વધીને 730 કરોડ વધી 3350 કરોડ પહોંચ્યો
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેનું કામ 2018માં શરૂ થયું હતું અને 2020માં પૂર્ણ કરવાનું હતું. પ્રોજેક્ટ 19 જાન્યુઆરી 2018એ શરૂ કરી 18 જાન્યુઆરી 2020ના રોજ એટલે કે 24 મહિનામાં પૂર્ણ કરી દેવાનો હતો. શરૂઆતમાં પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2,620 કરોડ આંકવામાં આવ્યો હતો. જોકે સમયમર્યાદામાં કામ પૂરું થયું નહોતું અને વખતોવખત મુદત વધારવામાં આવી હતી. પ્રોજેક્ટનો ખર્ચ 730 કરોડ વધી 3350 કરોડ પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments