અમેરિકામાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીએ આકસ્મિક રીતે પોતાની જાતને ગોળી મારી દીધી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર વિદ્યાર્થીનું નામ આર્યન રેડ્ડી છે. તે તેલંગાણાના ઉપ્પલનો રહેવાસી હતો. તે જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો હતો. આર્યનનો પાર્થિવ દેહ આજે રાત્રે તેલંગાણા પહોંચે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, 13 નવેમ્બરના રોજ રેડ્ડી જ્યોર્જિયાના એટલાન્ટામાં તેના ઘરે મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે આ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, રેડ્ડીએ તેને સાફ કરવા માટે પોતાની નવી બંદૂક કાઢી હતી. આ દરમિયાન ભૂલથી ગોળી નીકળી હતી અને તેની છાતીમાં વાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને બીજા રૂમમાં હાજર રેડ્ડીના મિત્રો ત્યાં પહોંચી ગયા. તેણે રેડ્ડીને લોહીથી લથપથ જોયો. તેઓ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. શિકાર માટે બંદૂકનું લાઇસન્સ મેળવ્યું
અહેવાલો અનુસાર, રેડ્ડીએ અમેરિકામાં શિકાર માટે બંદૂકનું લાઇસન્સ લીધું હતું. આર્યનના પિતા સુદર્શન રેડ્ડીએ કહ્યું કે તેમને ખબર ન હતી કે અમેરિકામાં શિકાર માટે બંદૂકનું લાઇસન્સ મળી શકે છે. યુએસ કોન્સ્યુલર ડેટા અનુસાર સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મહત્તમ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. વિદેશથી અમેરિકામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓમાં 56% ભારતીયો છે. ભારતમાંથી અમેરિકા જનારા વિદ્યાર્થીઓમાં 34% તેલંગાણા અને 22% આંધ્રપ્રદેશના છે.