ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં પૂર્વ કો-ઓર્ડિનેટર કમલજિત લખતરિયાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી 16 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. લખતરિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના, પરિવાર અને સ્વજનોનાં ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીની તપાસમાં સાબિત થતાં યુનિવર્સિટી દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે. લખતરિયા વર્ષ 2015થી 2023 સુધી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડિનેટર તરીકે રહી ચૂક્યો છે. 2009માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક થઈ હતી
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરમાં વર્ષ 2009 કમલજિત લખતરિયાની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક થઈ હતી. વર્ષ 2010માં ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી દ્વારા એનિમેશન ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ડિપાર્ટમેન્ટમાં શરૂઆતથી જ આઇટી અને ટેક્નોલોજીને લાગતા ખાનગી કોર્સ ચાલતા હતા. આ કોર્સ ચલાવવા ખાનગી એજન્સીઓની જ મદદ લેવામાં આવતી હતી. 2015માં કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી હતી
વર્ષ 2015માં પૂર્વ કુલપતિ એમ.એન. પટેલે કમલજિત લખતરિયાની એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી હતી, જેથી તે વધારાનો ચાર્જ પણ સંભાળતો હતો. વર્ષ 2015થી 2023 સુધી કમલજિત લખતરિયા એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડિનેટર તરીકે રહ્યો હતો. વર્ષ 2023માં કુલપતિ નીરજા ગુપ્તાએ લખતરિયાને એનિમેશન ડિપાર્ટમેન્ટના ચાર્જમાંથી મુક્ત કર્યો હતો. લખતરિયા મુક્ત થતાં જ તેણે કરેલાં કૌભાંડ સામે આવ્યાં હતાં. કરોડોની ઉચાપત કરી ખાનગી એજન્સીઓને લાભ કરાવ્યો
વર્ષ 2023માં ગુજરાત યુનિવર્સિટીને જાણ થઈ હતી કે કમલજિત લખતરિયાએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે અને ખાનગી એજન્સીઓને પણ લાભ કરાવ્યો છે, જેથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જાણ થઈ હતી કે કમલજિત લખતરિયા કો-ઓર્ડિનેટર હતો એ સમય દરમિયાન ટુકડે ટુકડે 16 કરોડથી વધુની રકમ પોતાના, પત્નીના અને સ્વજનોનાં ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા, જેથી યુનિવર્સિટી દ્વારા બોર્ડના સભ્યોની બેઠક બોલાવીને આ રજૂઆત કરતાં તેમનો ખુલાસો લેવામાં આવશે, ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફીની 40 ટકા આવક યુનિવર્સિટીને મળતી હતી
વર્ષ 2015થી કમલજિત લખતરિયા કો-ઓર્ડિનેટર રહ્યા હતા ત્યારે તેણે શરૂઆતથી કૌભાંડની શરૂઆત કરી હતી. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ હતી. ખાનગી કંપનીઓ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે કરાર થયો હતો. એ મુજબ બંને વચ્ચે ફીની 40 ટકા આવક યુનિવર્સિટીમાં જતી અને 60 ટકા આવક ખાનગી કંપનીને મળતી હતી. લખતરિયા દ્વારા યુનિવર્સિટીમાં જે પૈસા જમા કરાવવાના હતા એમાંથી ઉચાપત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ટુકડે ટુકડે પૈસાની ઉચાપત કરી હતી, જેથી લાંબા સમય સુધી કોઈને જાણ થઈ નહોતી. લખતરિયાએ 16 કરોડથી વધુની ઉચાપત કરી
લખતરિયા દ્વારા યુનિવર્સિટીના પૈસા પોતાના પર્સનલ ખાતામાં, પત્નીના ખાતામાં અને સ્વજનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે પૈસા પરત આપવામાં આવ્યા નહોતા. રકમ 18 કરોડથી વધુ છે, પરંતુ અત્યારસુધીની તપાસમાં 16 કરોડથી વધુની રકમ ઉચાપત કરી હોવાનું સાબિત થયું છે. લાખો રૂપિયાના અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા લખતરિયાએ રકમ મેળવી છે. જ્યારે તેને કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યો ત્યારે આ કૌભાંડ જાણ થઈ હતી. આ મામલે ઓડિટ કરી તપાસ કરવામાં આવશે
લખતરિયા એનિમેશન ડિપાર્ટમેન્ટમાં પ્રવેશથી લઈને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા સંભાળતો હતો. આ પ્રક્રિયામાં પણ અનેક રૂપિયાની ઉઠાંતરી કરી છે. એટલું જ નહીં, ખાનગી કંપનીઓને પણ લખતરિયાએ ફાયદો કરાવ્યો હોવાનું યુનિવર્સિટીનું માનવું છે, જેથી એ મામલે પણ ઓડિટ દ્વારા તપાસ કરવામાં આવશે. પૂર્વ કુલપતિ પણ શંકાના દાયરામાં
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2015થી એનિમેશન ડિપાર્ટમેન્ટનું ઓડિટ થયું જ નથી. એ કરવા માટે પૂર્વ કુલપતિ દ્વારા તસતદી લેવામાં આવી નહોતી. બે ટર્મ સુધી કુલપતિ રહ્યા છતાં પૂર્વ કુલપતિએ આ મામલે ક્યારેય તપાસ પણ કરી નહોતી. કુલપતિ દ્વારા જ કો-ઓર્ડિનેટરની બદલી અને નિમણૂક કરવામાં આવી શકે છે. જે પૂર્વ કુલપતિના 2 ટર્મના કાર્યકાળ દરમિયાન થયું નહોતું, જેથી તે પણ શંકાના દાયરામાં છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પેમેન્ટ કરવા માટે કો-ઓર્ડિનેટર, કુલસચિવ અને કુલપતિની સહીની જરૂર હોય છે તો સહી થઈ છે કે નહિ એને લઈને પણ સવાલ છે. લખતરિયા પર રાજકીય નેતાનો હાથ હોવાની ચર્ચા
લખતરિયા પર યુનિવર્સિટી સાથે જોડાયેલા એક રાજકીય નેતાનો પણ હાથ હોવાની ચર્ચા છે. લાંબા સમયથી લખતરિયા નેતાની શરણે જતા રહ્યા હોવાથી હમણાં સુધી કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજકીય નેતા પણ ટૂંક સમયમાં યુનિવર્સિટીમાંથી વિદાય લેવાના છે, જેથી તેમને લખતરિયાના માથેથી હાથ હટાવી લીધા હોવાની ચર્ચા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૈસાની રિકવરી અને ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.