કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે. કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાંથી જ હતી. કેનેડા સરકારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડાની અંદરની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવા ટાંક્યા નથી અને ન તો તે તેમની જાણમાં છે. ભારત પર ખોટો આરોપ લગાવનારી ટ્રુડો સરકાર પાસે કોઈ પુરાવા નથી. ભારતની કડકાઈ બાદ ટ્રુડો સરકારે નિવેદન જાહેર કર્યું છે. ટ્રુડો સરકારે કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદી, વિદેશ પ્રધાન જયશંકર અને અજિત ડોભાલ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી. તેમની પાસે આ અંગે કોઈ પુરાવા પણ નથી. કેનેડિયન મીડિયા રિપોર્ટ પર સ્પષ્ટતા કરતા જસ્ટિન ટ્રુડો સરકારે કહ્યું કે, ‘કેનેડા સરકારે આ નિવેદન આપ્યું નથી, ન તો તે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવાથી વાકેફ છે. આ અહેવાલ અટકળો પર આધારિત અને ખોટો છે. કેનેડિયન મીડિયા રિપોર્ટમાં શું હતું?
કેનેડિયન મીડિયાએ સરકારી સોર્સને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાન, વિદેશ મંત્રી અને NSAને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે પહેલાંથી જ જાણકારી હતી. કેનેડા સરકારના એક સૂત્રને ટાંકીને કેનેડાના ગ્લોબ એન્ડ મેલ અખબારના અહેવાલમાં દાવો કર્યો છે કે વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આ અંગે જાણકારી હતી. ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો કેનેડાના આરોપો બાદ આ અંગે ભારતે કહ્યું કે આ અમને બદનામ કરવાની ઝુંબેશ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી. જો કે, આવાં ‘વાહિયાત’ અને હાસ્યાસ્પદ નિવેદનોને નકારીએ છીએ. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, આવાં ખોટાં નિવેદન આપણા પહેલાંથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે. ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી
18 જૂન, 2023ની સાંજે, સરે જાહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા હતા, જેને ભારતે ફગાવી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે આરોપ લગાવ્યો હતો કે કેનેડા ભારતમાં વોન્ટેડ લોકોને વિઝા આપે છે. તેમણે કહ્યું હતું કે, ‘પંજાબમાં સંગઠિત અપરાધો સાથે જોડાયેલા લોકોનું કેનેડામાં સ્વાગત કરાય છે.’ કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની હત્યાના એક વર્ષ પૂર્ણ થવા પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ માટે સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.