back to top
Homeદુનિયાગુજ્જુને છેતરતા કંબોડિયાના કોલ સેન્ટરના દૃશ્યો સૌપ્રથમ ભાસ્કર પર:પાકિસ્તાની અને ચીની એજન્ટના...

ગુજ્જુને છેતરતા કંબોડિયાના કોલ સેન્ટરના દૃશ્યો સૌપ્રથમ ભાસ્કર પર:પાકિસ્તાની અને ચીની એજન્ટના સકંજામાંથી ભાગીને આવેલા અમદાવાદના યુવકની દિલધડક દાસ્તાન

ઓનલાઈન ફ્રોડની જાળ ફેલાતી જાય છે ને સંખ્યાબંધ લોકો તેમાં ફસાતા જાય છે. તમારો ડેટા ઓનલાઈન ચોરીને ફોન કરવા, લિન્ક મોકલવી આ બધા કાળાધંધા કંબોડિયા જેવા દેશમાંથી ઓપરેટ થાય છે. એકલા કંબોડિયામાં જ પાંચ હજાર જેટલા કોલ સેન્ટર ચાલી રહ્યા છે. આ કોલ સેન્ટરમાં નોકરી માટે પહેલાં વ્યવસ્થિત જાળ બિછાવાય છે ને નોકરીની લાલચ આપીને ફ્રોડ કોલ કરવાના કામ થાય છે. થાઈલેન્ડ અને વિયેતનામની વચ્ચે આવેલા કંબોડિયામાં પાકિસ્તાન અને ચીનના એજન્ટો ભારત વિરોધી કામ કરવા એક્ટિવ છે. આ એજન્ટો ભારતીયોને જ નોકરીની લાલચ આપીને ફસાવે છે ને ભારતના લોકો વિરુદ્ધ જ ફ્રોડનું ષડયંત્ર રચે છે. નોકરીની લાલચે ફસાયેલા લોકોને જે ભાષા આવડે તેને તે જ રાજ્યના લોકોને છેતરવાનું કામ કરાવાય છે. કોઈ કામ કરવાની ના પાડે તો તેને ગોંધી રખાય છે ને પાસપોર્ટ પણ જપ્ત થઈ જાય છે. ખાવા-પીવાનું મળતું નથી.
અમદાવાદનો એક યુવક નોકરીની માયાજાળમાં ફસાયો ને કંબોડિયા પહોંચી ગયો. તેને પણ ગોંધી રખાયો, પાસપોર્ટ જપ્ત કરી લેવાયો પણ અંતે તે કંબોડિયાથી ભાગવામાં સફળ રહ્યો. આ યુવકે કોલ સેન્ટરનું સ્ટિંગ કરીને ત્યાંના ફોટા વીડિયો ઉતારી લીધા. ભારત આવીને સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ પણ કરી. દિવ્ય ભાસ્કરના ઈન્વેસ્ટિગેશન દિવ્ય ભાસ્કરે પૂછતાછ કરી તો અમદાવાદના આ યુવકે આપવીતી જણાવી. તેણે ફ્રોડના હબ સમાન કોલ સેન્ટરના ફોટા-વીડિયો લીધા હતા તે પણ ભાસ્કરને આપ્યા. ત્યાંની પોલીસમાં રિપોર્ટ લખાવ્યો તે રિપોર્ટ પણ ભાસ્કર પાસે છે. પણ આ યુવક કંબોડિયાના પાકિસ્તાની અને ચીની એજન્ટોની માયાજાળમાં કેવી રીતે ફસાયો, ત્યાંથી તે કેવી રીતે ભાગી નીકળ્યો, તેની દિલધડક સ્ટોરી અમે ભાસ્કર ઈન્વેસ્ટિગેશનના આ રિપોર્ટમાં જણાવી રહ્યા છીએ…
* * * ‘ હેલો… મામા, હું કંબોડિયાથી ગોવિંદ બોલું છું.’
‘હા ગોવિંદ. બોલ બોલ…’
‘મામા, હું કંબોડિયા કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરવા આવ્યો હતો પણ બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છું. મારો પાસપોર્ટ આ લોકોએ લઈ લીધો છે. મારે ભારત પાછા આવવું છે. કાંઈક કરો.’
‘કેમ ફસાઈ ગયો? શું થયું?’
‘એ બહુ લાંબી વાત છે મામા. હું આવીને વાત કરીશ પણ અત્યારે મને બહાર કાઢવા કાંઈક કરો.’
‘ગોવિંદ, તું ચિંતા નહીં કર. હું અહીંથી કાંઈક કરું છું. તું પણ ટ્રાય કરજે.’
આટલી વાત થયા પછી ફોન કટ થઈ જાય છે…
* * * * *
વાત જાણે એમ છે કે, અમદાવાદના નિકોલમાં રહેતો 25 વર્ષનો યુવાન ગોવિંદ મેલકા છૂટક કામ કરતો. તેના પિતા મદનલાલ મેલકા એક એન્જિનિયરિંગ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. 2019માં ગોવિંદના લગ્ન થયાં. સંતાનમાં એક દીકરો થયો પણ કામધંધામાં મેળ પડતો નહોતો. સારી આવક નહોતી. ગોવિંદે વિચાર્યું કે, અહીંયા ગમે તેટલું કામ કરીશ પણ ઘર ચાલે એટલા રૂપિયા ય નહીં મળે. એટલે તેમણે વિદેશ જવાનું વિચાર્યું. તેણે પાસપોર્ટ કઢાવ્યો. સગાંવહાલાં, મિત્રો પાસેથી પૈસા ભેગા કર્યા. થોડા પોતાની બચતના હતા તે કાઢ્યા. 2019ના ડિસેમ્બરમાં વર્ક પરમીટ વિઝા પર સાઉથ આફ્રિકાના અંગોલા દેશ પહોંચ્યો. ત્યાં સ્ટોર કીપર તરીકે બે વર્ષ નોકરી કરી. ખાસ મેળ પડ્યો નહીં એટલે 2021માં પાછો અમદાવાદ આવી ગયો. ત્રણ-ચાર મહિના છૂટક મજૂરી કામ કર્યું. પછી 2022ના નવેમ્બર મહિનામાં સિંગાપોર જવાની તક મળી. ત્યાં જઈને બગ્સ ફ્રોજન કંપનીમાં કેશિયરનું કામ કર્યું. છ મહિના જેટલું કામ કર્યું પણ જેવાં સપનાં જોયાં હતા તેવું કાંઈ થયું નહીં. એટલે માર્ચ-2023માં ગોવિંદ અમદાવાદ આવી ગયો. હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે…
ઓગસ્ટ-2023માં અમદાવાદમાં ગોવિંદ મેલકાને એક માણસ મળ્યો. પરિચિત હતો. નામ એનું સુરેન્દ્ર સાલવી. સુરેન્દ્રને ખબર હતી કે ગોવિંદ બે વખત વિદેશ જઈ આવ્યો છે એટલે સુરેન્દ્રએ ગોવિંદને પૂછ્યું, ‘તારે ફરી વિદેશ કામ કરવા જવાની ઈચ્છા છે?’ ગોવિંદે હા પાડી. સુરેન્દ્રએ એક મોબાઈલ નંબર આપ્યો. એ વિક્રમસિંહ રાવત નામના વ્યક્તિનો હતો. બીજા દિવસે ગોવિંદે વિક્રમસિંહ રાવતને ફોન કર્યો. વિક્રમસિંહે પૂછ્યું, કંબોડિયા દેશમાં કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા છે. તારે જવું છે? ગોવિંદે કંબોડિયા જવાની હા પાડી. વિક્રમસિંહ રાવતે બીજો એક મોબાઈલ નંબર આપ્યો. એ હતો વિજયસિંહ ઉર્ફે મનિષસિંહ રાઠોડનો. આ નંબરની સાથે વિક્રમસિંહે ગોવિંદને વોટ્સએપમાં મનિષસિંહની ઓફિસનું એડ્રેસ મોકલ્યું હતું.
સપ્ટેમ્બર-2023માં ગોવિદે મનિષસિંહ રાઠોડને ફોન કર્યો. તેણે ફોનમાં કહ્યું, હું વિઝા એજન્ટ તરીકે કામ કરું છું. મારી ઓફિસ વડોદરા છે. કંબોડિયામાં બહુ સારી નોકરી છે. કોમ્પ્યુટર ઓપરેટરની. જો તમને એ કામ ફાવતું હોય તો કરી લેવા જેવું છે. તમારી ઈચ્છા જ હોય તો અમદાવાદથી વડોદરા મારી ઓફિસે મળવા આવો. કંબોડિયાના વિઝાના 2 લાખ 10 હજાર અને બીજા સર્વિસ ચાર્જ થશે. તમે એકવાર વડોદરા આવો તો ફાઈનલ વાત કરી લઈએ. મનિષસિંહે સયાજીગંજમાં એચ.આર.ઓવરસિઝની ઓફિસનું એડ્રેસ આપ્યું હતું. ગોવિંદ વડોદરાની ઓફિસે પહોંચે છે. ઓફિસમાં મનિષસિંહની સાથે બીજા બે વ્યક્તિ હાજર છે. મનિષસિંહ રાઠોડે ગોવિદની ઓળખાણ એ બંને સાથે કરાવી. એ બંનેના નામ કે.ડી.ખાન અને હુસેન રાણા હતા. ઓફિસમાં વાતચીત ચાલતી હતી. એ લોકોએ ગોવિંદને કહ્યું, ‘જુઓ ભઈલા. અમે ઘણાને કંબોડિયા મોકલ્યા છે. બધાની લાઈફ સેટ થઈ ગઈ છે. પણ અમે કહીએ તે રીતે કામ કરવું હોય તો જ કંબોડિયા મોકલીએ. ત્યાં વ્યવસ્થા બધી થઈ જશે. સારી નોકરી છે, સારો પગાર છે.’ ગોવિંદે આ બધાની વાત સાંભળીને વિશ્વાસ કર્યો કે, આ લોકો કહે છે તો વાત સાચી હશે. સારી નોકરી મળતી હોય તો કંબોડિયા જવામાં શું વાંધો? ગોવિંદે કહ્યું, વાંધો નહીં. હું કંબોડિયા જવા તૈયાર છું. કંબોડિયા જવા માટે ગોવિંદે શું પ્રોસેસ કરી?
બધું નક્કી થઈ ગયા પછી મનિષસિંહ રાઠોડે ગોવિંદના મોબાઈલ પર કંબોડિયામાં જ્યાં નોકરી કરવાની હતી ત્યાંની જાહેરાત મોકલી હતી. જાહેરાતની શરૂઆતમાં લખ્યું હતું- Call Center in English Speaking and Computer Knowledge. જાહેરાતમાં છેલ્લે નીચે- Kolkata to Via Vietnam VN Flight. એવું લખેલું હતું. જાહેરાત વાંચ્યા પછી ગોવિંદને વિશ્વાસ બેઠો એટલે તેણે પોતાનો પાસપોર્ટ આપ્યો હતો. મનિષસિંહ રાઠોડે કહ્યું કે, તમારે 1 લાખ 70 હજાર વિઝા પ્રોસેસના અને બીજા સર્વિસ ચાર્જના આપવાના રહેશે. વાતચીત થયા પછી, પાસપોર્ટ આપીને ગોવિંદ વડોદરાથી અમદાવાદ આવી ગયો. આ મુલાકાતના ત્રણ-ચાર દિવસ પછી મનિષસિંહે ગોવિંદને ફોન કરીને વિઝા ફીના રૂપિયા માગ્યા. ગોવિંદે પેટીએમથી 30 હજાર મોકલી આપ્યા. 21 સપ્ટેમ્બર, 2023ના દિવસે મનિષે ગોવિંદ મેલકાના વોટ્સએપમાં વિયેતનામ ઈલેક્ટ્રોનિક ટુરિઝમ વિઝાનો લેટર અને ઈન્ડિગો ફ્લાઈટની ટિકિટ મોકલી આપી હતી. ફ્લાઈટની ટિકિટ હતી તે કોલકાતાથી વિયેતનામના હો-ચી-મીન્હ શહેરના એરપોર્ટની ટિકિટ હતી. ટિકિટની સાથે 21 સપ્ટેમ્બર 2023થી 20 ઓક્ટોબર 2023 સુધીના વિઝા મોકલી આપ્યા હતા. ટિકિટ અને વિઝા આવી ગયા પછી ગોવિંદે વડોદરાના મનિષસિંહ રાઠોડને બે ભાગમાં 1 લાખ રૂપિયા પેટીએમથી મોકલી આપ્યા. ગોવિંદને કંબોડિયા જવાનો પ્લાન કેવી રીતે સમજાવવામાં આવ્યો?
ફ્લાઈટની ટિકિટ આવી ગઈ. એક મહિનાના વિઝા આવી ગયા. પૈસા અપાઈ ગયા. આ બધું થઈ ગયા પછી, ગોવિંદ મેલકા અને તેના પિતા મદનલાલ વડોદરાની સયાજીગંજમાં આવેલી એચ.આર.ઓવરસીઝ ઓફિસમાં ગયા હતા. ત્યાં ગોવિંદને તેનો પાસપોર્ટ પાછો આપ્યો હતો. મનિષસિંહે ગોવિંદને બધું સમજાવ્યું. તેણે કહ્યું કે, તમે કોલકત્તાથી વિયેતનામ પહોંચશો અને ત્યાંથી કારમાં કંબોડિયા જશો. કંબોડિયામાં એક રાજુભાઈ નામની વ્યક્તિ મળશે-‘રાજુભાઈ કંબોડિયાવાળા’. કંબોડિયામાં આ રાજુ જ તમને રહેવા, જમવાની વ્યવસ્થા કરી આપશે. તમારે રાજુ કહે એમ જ કરવાનું છે. મનિષ રાઠોડે કંબોડિયાવાળા રાજુભાઈનો મોબાઈલ નંબર ગોવિંદને આપ્યો હતો. મનિષે કોલકત્તામાં ફોરેન મની એક્સચેન્જ ઓફિસનું એડ્રેસ આપ્યું હતું અને ગોવિદનું મેડીકલ ચેક-અપ કરાવ્યું હતું. આ પત્યા પછી ગોવિંદે વડોદરાથી જ રાજુભાઈને કંબોડિયા વોટ્સએપ કોલ કર્યો. રાજુભાઈએ કહ્યું કે, તમે કોલકત્તા એરપોર્ટ પર પહોંચશો ત્યારે રાજુ ગુપ્તા નામનો માણસ તમને મળશે અને એ પણ તમારી સાથે કંબોડિયા આવશે. કંબોડિયાવાળા રાજુએ ગોવિંદને રાજુ ગુપ્તાનો મોબાઈલ નંબર પણ આપ્યો. કોલકાતાથી કંબોડિયા કેવી રીતે પહોંચ્યો ગોવિંદ?
25 સપ્ટેમ્બર 2023ના દિવસે ગોવિંદ મેલકા આંખોમાં કમાણીની આશા લઈને અમદાવાદથી કોલકાતા ટ્રેનમાં નીકળ્યો. કોલકાતામાં એક રાત રોકાવાનું હતું એટલે તે એક ગુરૂદ્વારામાં રોકાયો. બીજા દિવસે ફોરેન મની એક્સચેન્જનું સરનામું આપ્યું હતું તે APB FOREX PRIVATE LIMITEDમાં જઈને 57,040/- રૂપિયા અમેરિકન ડોલરમાં એક્સચેન્જ કરાવ્યા. આ રકમ સામે 650 ડોલર મળ્યા હતા. આ પ્રોસેસ કરીને 26 સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગ્યે ગોવિંદ મેલકા કોલકાતા એરપોર્ટમાં એન્ટર થયો. એન્ટર થતાં દસેક મિનિટમાં રાજુ ગુપ્તા નામનો માણસ મળી ગયો. આ રાજુ ગુપ્તાએ કહ્યું, તમારે તો કંબોડિયા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરવાનું છે ને? ગોવિંદે હા પાડી. કોલકાતાથી વિયેતનામના હો-ચી-મીન્હ શહેરના એરપોર્ટે બંનેએ 27 સપ્ટેમ્બરે લેન્ડ કર્યું. વિયેતનામમાં લેન્ડ થઈને બેલ્ટ પરથી લગેજ લઈને ગોવિંદે કંબોડિયાવાળા રાજુભાઈને એરપોર્ટના વાઈફાઈનો ઉપયોગ કરીને વોટ્સએપ કોલ કર્યો. રાજુભાઈએ કહ્યું, અરપોર્ટ બહાર એક ટેક્સી આવશે. તેમાં બેસી જજો. એરપોર્ટ બહાર ગોવિંદ અને રાજુ ગુપ્તા ઊભા હતા ત્યાં એક ટેક્સીવાળો આવ્યો. તેણે ગોવિંદનો ફોટો બતાવીને ઈશારાથી ટેક્સીમાં બેસી જવા કહ્યું. ગોવિંદ અને રાજુ ગુપ્તા બંને ટેક્સીમાં બેસી ગયા. ટેક્સી ચાલક વિયેતનામ-કંબોડિયા બોર્ડર પર ઈમિગ્રેશન ઓફિસે લઈ ગયો.
ઈમિગ્રેશન ઓફિસમાંથી ગોવિંદે ફરી કંબોડિયાવાળા રાજુભાઈને વોટ્સએપ કોલ કર્યો. તેણે કહ્યું કે ઈમિગ્રેશન ઓફિસરને આપો, હું વાત કરી લઉં છું. તેણે ઈમિગ્રેશન ઓફિસર સાથે વાત કરી. ફરી ગોવિંદે ફોન લીધો. કંબોડિયાવાળા રાજુએ કહ્યું, તમે બંને ઈમિગ્રેશન ઓફિસરને 150-150 ડોલર આપી દો. ગોવિંદ મેલકા અને રાજુ ગુપ્તાએ ઈમિગ્રેશન ઓફિસરને 150-150 ડોલર આપ્યા. એ ઓફિસરે પાસપોર્ટમાં કંબોડિયા દેશના ટુરિઝમ વિઝાનું 30 દિવસનું સ્ટેમ્પિંગ કરી આપ્યું. આ પ્રક્રિયા પૂરી કરીને ટેક્સી ડ્રાઈવર બંનેને કંબોડિયાની રાજધાની પહનોમપેન શહેર લઈ ગયો અને ટેક્સી એ ઘર પાસે ઊભી રહી જેમાં કંબોડિયાવાળો રાજુ રહેતો હતો. કંબોડિયા પહોંચ્યા પછી શું-શું થયું?
ઘરમાં અંદર જઈને ગોવિંદ અને ગુપ્તા બંને પેલા કંબોડિયાવાળા રાજુને મળ્યા. કોલકાતામાં જે ડોલર એક્સચેન્જ કરાવ્યા હતા તે 650 ડોલર રાજુને આપી દીધા. ગોવિંદ અને રાજુ ગુપ્તા બે દિવસ આ જ ઘરમાં રોકાયા. ત્યાં તેમની કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ અને ઈંગ્લિશ ટેસ્ટ લેવામાં આવી. બે દિવસ સુધી આ બધું ચાલ્યું. ત્રીજા દિવસે મેડીભાઈ નામનો માણસ રાજુભાઈના ઘરે આવ્યો. એ મૂળ પાકિસ્તાની હતો. રાજુભાઈએ ગોવિંદને કહ્યું, તમને આ મેડીભાઈ સીહોનઓક સિટીમાં લઈ જશે. પાકિસ્તાનવાળો મેડીભાઈ સિહોનઓકમાં પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં બે દિવસ રોકાયા પછી મેડીભાઈએ એક કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવાનું કહ્યું. આ કંપનીનું નામ હતું- Baisha Hunangle International Entertainment City-Baisha Group. ત્યાં ઈન્ટરવ્યૂ આપ્યા પછી ગોવિંદ પાસ થઈ ગયો અને એ જ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી. બીજા દિવસથી નોકરીએ જવાનું હતું. કંપનીએ રહેવા માટે મોટો રૂમ આપ્યો હતો. જેમાં સાત વ્યક્તિ રહેતા હતા. મેડીભાઈ આ રૂમમાં આવ્યા અને ગોવિંદને કહ્યું, તારો પાસપોર્ટ આપવો પડશે. તારા વિઝા એક મહિનાના જ છે. તેને વધારવા માટે આ પાસપોર્ટ જોઈશે. ગોવિંદે પાસપોર્ટ આપી દીધો. બીજા દિવસે નોકરીનો પહેલો દિવસ હતો. જે જગ્યાએ ઓફિસ હતી તે આલિશાન હતી. લાઈનબંધ આધુનિક કોમ્પ્યુટર પર ઘણા લોકો બેઠા હતા. મોટાભાગના ભારતીયો હતા. ગોવિંદને પણ એક કોમ્પ્યુટર પર બેસાડ્યો. ત્યાં કહેવામાં આવ્યું કે, તારે હવે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નહીં પણ સ્કેમર તરીકે નોકરી કરવાની છે. પહેલાં તો આ સાંભળીને ગોવિંદને આંચકો લાગ્યો. એ કાંઈ સમજી શકતો નહોતો. ઓફિસમાં હાજર રહેલી વ્યક્તિએ કહ્યું, અમે તને સ્ક્રીપ્ટ આપીશું. તે મુજબ તારે ભારતીયોના અજાણ્યા નંબર પર ટેલિગ્રામ એપ્લિકેશન મારફત કોન્ટેક્ટ કરવાનો. તારે તેને રૂપિયા કમાવાની લાલચ આપીને તેના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયાની ચોરી કરવાની છે. તું ગુજરાતનો છો એટલે તને ગુજરાતીઓનો ડેટા આપીશું. થોડો વિચાર કરીને ગોવિંદે ઓફિસમાં કહ્યું કે, હું આવી નોકરી નહીં કરું. હું કોઈ સાથે ખોટી રીતે ફ્રોડ નહીં કરું. સામેવાળી વ્યક્તિએ ગોવિંદને ધમકાવ્યો કે, નોકરી તો કરવી પડશે. જો તું આવું નહીં કરે તો ખાવાનું નહીં મળે. તારો પાસપોર્ટ પણ નહીં મળે. એટલે વિચારી લે. આવું સાંભળ્યા પછી પણ ગોવિંદે કહ્યું, હું આ નોકરી નહીં જ કરી શકું. એ લોકોએ ગોવિંદને રૂમ પર મોકલી લીધો અને સૂચના આપી કે, તારે અમને પૂછ્યા વગર રૂમની બહાર નીકળવાનું નથી. ગોવિંદને રીતસરનો ગોંધી રાખવામાં આવ્યો. ગોવિંદ ફસાઈ ગયો, ચૂંગાલમાંથી નીકળવાનો રસ્તો સૂઝ્યો નહીં
ઓફિસેથી તે રૂમ પર આવી ગયો. તેને ખબર પડી ગઈ કે તે બરાબરનો ફસાયો છે. કારણ કે એ લોકોએ પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. રૂમની બહાર નીકળવાની મનાઈ કરી હતી. ગોવિંદે તરત તેના પિતાને ફોન કરીને જાણ કરી કે પોતે કેવી રીતે ફસાઈ ગયો છે. પિતાએ કહ્યું કે, તું વડોદરામાં મનિષસિંહ રાઠોડને વાત કર. એ રસ્તો કરી આપશે. મનિષ રાઠોડને ફોન કરીને ગોવિંદે આપવીતી જણાવી. ગોવિંદે એમ પણ કહ્યું કે, મને બીજે ક્યાંક નોકરી અપાવો. અહીંયા નહીં. મનિષ રાઠોડે કહ્યું, તું એક મહિનો નોકરી કર. ત્યાં સુધીમાં હું બીજી નોકરી શોધીને જાણ કરીશ. મનિષે ખાતરી આપી હતી એટલે ગોવિંદ દસ દિવસ કંબોડિયાના રૂમમાં રોકાયો પણ કોલ સેન્ટરમાં તો નોકરી ન જ કરી. ભારતીયો સાથે ફ્રોડ કરનારી કંપનીનો લીડર ચાઈનીઝ હતો. તે ગોવિંદને ક્યાંય બહાર જવા દેતો નહોતો. દસ દિવસ પછી રૂમ પર પાકિસ્તાનવાળો મેડીભાઈ આવ્યો. તેણે કહ્યું કે, તારે બીજી કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવાનો છે. ગોવિંદ તેની સાથે ત્યાં ગયો. એ જગ્યાએ પણ ફ્રોડ કોલિંગ થતા હોવાની ગંધ ગોવિંદને આવી ગઈ હતી. એટલે તે ધીમું ટાઈપિંગ કરીને, અંગ્રેજી બહુ ફાવતું નથી, એવું કહીને ટેસ્ટમાં જાણીજોઈને નાપાસ થયો હતો. ત્યાંથી પાકિસ્તાનવાળો મેડીભાઈ ગોવિંદને પોતાના ઘરે લઈ ગયો. ગોવિંદે પાકિસ્તાનીને કહ્યું, મારો પાસપોર્ટ તો આપો. પણ પાકિસ્તાની મેડીભાઈએ આપ્યો નહીં. પછી મેડીભાઈ ગોવિંદને તેના જ રૂમ પર મૂકીને જતો રહ્યો. ગોવિંદ બરાબરનો મુંઝાયેલો હતો. પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. હવે ભાગવું કેવી રીતે, પાકિસ્તાની અને ચાઈનીઝ ફ્રોડર્સની ચૂંગાલમાંથી છટકવું કેવી રીતે? આ ચિંતા વચ્ચે ગોવિંદ મેલકાએ તેના મામા ધર્મીચંદભાઈને ફોન કર્યો…
‘ હેલો… મામા, હું કંબોડિયાથી ગોવિંદ બોલું છું.’
‘હા ગોવિંદ. બોલ બોલ…’
‘મામા, હું કંબોડિયા કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરવા આવ્યો હતો પણ બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છું. મારો પાસપોર્ટ આ લોકોએ લઈ લીધો છે. મારે ભારત પાછા આવવું છે. કાંઈક કરો.’
‘કેમ ફસાઈ ગયો? શું થયું?’
‘એ બહુ લાંબી વાત છે મામા. હું આવીને કરીશ પણ અત્યારે મને બહાર કાઢવા કાંઈક કરો.’
‘ગોવિંદ, તું ચિંતા નહીં કર. હું અહીંથી કાંઈક કરું છું. તું પણ ટ્રાય કરજે.’ આ વાતચીત સાથે આ સ્ટોરીની શરૂઆત થઈ હતી. હવે આગળ વાંચો… કંબોડિયામાં આવેલી ભારતની એમ્બસીએ રસ્તો બતાવ્યો…
ગોવિંદ મેલકાના મામા ધર્મીચંદભાઈએ કંબોડિયામાં આવેલી ભારતની એમ્બસીમાં જાણ કરી કે, તેનો ભાણેજ ફસાઈ ગયો છે. ગોવિંદે પણ કંબોડિયામાં આવેલી ભારતીય એમ્બેસીમાં ફોન કર્યો. એમ્બેસીમાંથી જવાબ મળ્યો કે, તમે ભાગીને ગમે તેમ કરીને એમ્બસીમાં આવો પછી અમે તમારું કામ કરી શકીશું. ગોવિંદ તક શોધવા લાગ્યો. એક રાતે રૂમમાં બધા સૂઈ ગયા હતા. કંપનીને કંટ્રોલ કરતો ચાઈનીઝ માણસ પણ સૂતો હતો. એ તકનો લાભ લઈને ગોવિંદ પોતાના સામાન સાથે અડધીરાત્રે રૂમ પરથી ભાગી નીકળ્યો. સીધો તે નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે કહ્યું, તમે એમ્બસીમાં જાવ. ગોવિંદ સામાન સાથે એમ્બસી પહોંચ્યો. ત્યાંના અધિકારીને પોતાની કથની કહી. ભારતીય એમ્બસીમાં તેની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવડાવ્યું. પછી એમ્બસીના અધિકારીઓએ કહ્યું કે, તમારો પાસપોર્ટ ગૂમ થયો છે, તેવો રિપોર્ટ પોલીસ સ્ટેશનેથી લઈ આવો એટલે તમને ઈમરજન્સી પાસપોર્ટ તરત મળી જશે. બીજા દિવસે ગોવિંદ પોલીસ સ્ટેશને ગયો અને પાસપોર્ટ ગૂમ થયાનો લેટર મેળવ્યો. આ લેટર ત્યાંની ખમેર ભાષામાં હતો. લેટર લઈને ગોવિંદ ફરી એમ્બસી પહોંચ્યો. એમ્બસીએ તેને લકી ગેસ્ટ હાઉસ નામની જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપી. ગોવિંદ અહીં ચાર દિવસ રોકાયો. પછી તે બીજી હોટેલમાં શિફ્ટ થયો. ત્યાં 11 દિવસ રોકાયો. આમ 15 દિવસ રાહો જાયા પછી તેને ઈમરજન્સી પાસપોર્ટ અને ભારતના વિઝા મળી ગયા. એક મહિનો હેરાન થયા પછી ગોવિંદ મેલકા કંબોડિયાથી ભારત પરત પાછો આવ્યો. હેમખેમ તેના અમદાવાદ નિકોલમાં આવેલા ઘરે પહોંચ્યો. વડોદરાની ઓફિસવાળા ગાયબ થઈ ગયા!
સંખ્યાબંધ યુવક-યુવતીઓને વિદેશમાં નોકરીની લાલચ આપીને કંબોડિયા અને બીજા દેશોમાં મોકલીને સ્કેમર તરીકે ટ્રેન કરવામાં આવે છે, તેનું બહુ મોટું કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યું છે તેના પુરાવા માટે આ ઘટના જ કાફી છે. ખેર, ગોવિંદ મેલકા અમદાવાદ પાછો આવી ગયો. હવે વડોદરાના જે એજન્ટોએ તેને કંબોડિયા મોકલ્યો હતો તેની પાસેથી રૂપિયા પાછા લેવાના હતા. ગોવિંદે વિજયસિંહ ઉર્ફે મનિષસિંહ રાઠોડને ફોન કર્યો. કે.ડી.ખાનને પણ ફોન કર્યો. બંનેએ ગોવિંદને વડોદરાની ઓફિસમાં બોલાવ્યો હતો. ઓફિસે પહોંચીને એ લોકોએ ગોવિંદને કહ્યું હતું કે, થોડા સમયમાં તેના પૈસા પાછા આપી દેશે. આ વાતને ઘણા દિવસો અને મહિના વીતી ગયા. મનિષ રાઠોડ, કે.ડી.ખાન અને રાણા હુસેન ત્રણેયને ગોવિંદ સતત ફોન કર્યા કરતો હતો. ફોનમાં પૈસા આપી દેશું… આવતા અઠવાડિયે આપીશું… પહેલી તારીખે આપીશું… એવા વાયદા આપતા હતા. ગોવિંદને થયું કે આ લોકો માત્ર વાતો કરે છે. પૈસા પાછા નહીં આપે. એટલે ગોવિંદ વડોદરાની ઓફિસે ગયો પણ ઓફિસે તાળાં લટકતાં હતાં. કંબોડિયાના કોલ સેન્ટરમાંથી ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સેક્સટોર્સન ચાલે છે: SP સંજય ખરાત
સીઆઈડી ક્રાઈમના SP સંજય ખરાતે આ કેસ વિશે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, થોડા સમયથી દેશમાં અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હ્યુમન ટ્રાફિકિંગના કેસ બન્યા છે. આ કેસ પોલીસે શોધી લીધા છે. ગોવિંદ મેલકાનો કેસ આવ્યો છે તેમાં કંબોડિયાથી અમુક લોકોએ સંપર્ક કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. એ લોકોએ આ વ્યક્તિને સોફ્ટવેર કંપનીમાં નોકરીની લાલચ આપી હતી. પૈસા આપ્યા પછી એ લોકોએ જોબ લેટર વગેરે ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આ વ્યક્તિ અહીંથી કોલકત્તા અને ત્યાંથી કંબોડિયા પહોંચ્યા હતા. જે રીતે આવા કેસ ભૂકાળમાં ગુજરાતમાં, ઝારખંડમાં, તેલંગાણામાં અને દિલ્હીમાં પણ બનેલા છે. આ લોકોને કંબોડિયાના અલગ અલગ વિસ્તારમાં કોલ સેન્ટર ચાલે છે ત્યાં ગોંધી રાખીને, ધાકધમકી આપીને નોકરી માટે જે વાત કરી હતી તે સિવાયનું કામ કરાવતા હતા. જેમ કે, ભારતના નાગરિકોના ડેટા ચોરી કરીને ફેક કોલ સેન્ટર ચલાવીને ભારતના લોકો સાથે જ ચિટિંગ કરવાનું કહેવામાં આવે છે. ચિટિંગમાં પણ સેક્સટોર્શન આવે, લેડીઝના નામે ત્યાંથી વાતો કરવામાં આવે, ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પચાવી પાડવામાં આવે. આ સિવાય ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવે છે. સાયબર બુલિંગ કરવામાં આવે છે.
SP સંજય ખરાતે વધુમાં જણાવ્યું કે, આ કેસમાં જે ફરિયાદી છે તેણે ત્યાંથી નીકળવાની કોશિશ કરી પણ જે લોકો ત્યાં જઈને ફસાય છે તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે. એટલે ત્યાંથી નીકળવાનું મુશ્કેલ બને છે. પણ તેણે ભારતીય એમ્બસીનો સંપર્ક કરીને, લોકલ પોલીસની મદદથી ભારત પરત ફર્યો હતો. આમાં વડોદરાના ત્રણ મુખ્ય એજન્ટ હતા તેમાંથી બે એજન્ટને અમે પકડી પાડ્યા છે. અમે એજન્ટની પૂછપરછ કરીએ છીએ કે, આ આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું અને તેમના થકી કેટલા લોકો કંબોડિયા ગયા હતા. વિદેશમાં કોઈપણ કંપનીમાં જવું હોય તો કંપની ઓથોરાઈઝ્ડ છે કે નહીં, તેની ત્યાંની એમ્બેસી કે બીજે તપાસ કરીને પછી જ જવું.
આ કેસમાં આપણે કોઈ હાઈલેવલ કમિટિ કે કંબોડિયા સરકારને જાણ કરી છે? જવાબમાં SP સંજય ખરાત કહે છે, અલગ અલગ ફ્રોડ કોલ સેન્ટર ચાલે છે તે બાબતે ભારત સરકારનું સાયબર પોલીસ યુનિટ છે- આઈ ફોર સી. ત્યાંથી મોટાભાગનું લાયઝનિંગ કરવામાં આવે છે. આ સિવાય ચારેક મહિના પહેલાં હોમ મિનિસ્ટ્રીની અંડર પોલીસ ફોર્સ આવે છે – સીબીઆઈ. તેના તરફથી સામૂહિક રેડ કરવામાં આવી હતી. ભારતની એજન્સીઓ અલગ અલગ દેશની એજન્સીઓ સાથે લાઈઝનિંગ કરી રહી છે. સીબીઆઈ-ઈન્ટરપોલ થકી લાઈઝનિંગ ચાલે છે. આ મેટર ઓલરેડી સીબીઆઈના નોલેજમાં છે. એકલા કંબોડિયામાં જ 5 હજાર કોલ સેન્ટર ચાલે છે
લોકોએ અત્યાર સુધી સાંભળ્યું છે હશે કે, ભારતમાં બેઠાં બેઠાં વિદેશના લોકોના રૂપિયા પડાવી લેવાના ઓનલાઈન ફ્રોડ ચાલે છે પણ આ તો વિદેશમાં બેઠા બેઠા ભારતીયોને છેતરવાના કાળાધંધા થઈ રહ્યા છે. તુર્કી, કંબોડિયા, મ્યાંમાર, થાઈલેન્ડ આ એવા દેશો છે જ્યાં ભારતીયો અને ફિલિપિન્સના નાગરિકો સૌથી વધારે નોકરીની લાલચમાં કોલ સેન્ટરમાં જોડાય છે અને પછી પસ્તાય છે. કંબોડિયાના ખમેર ન્યૂઝ અખબારના એક અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, કંબોડિયાનું અર્થતંત્ર બદલી શકે તેવી કોલ સેન્ટર ઈન્ડસ્ટ્રી ઊભી થઈ છે. ગલી ગલીમાં કોલ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. એકલા કંબોડિયા દેશમાં જ 5 હજારથી વધારે કોલ સેન્ટર ધમધમે છે. જાણવા મળ્યું છે કે, આ કોલ સેન્ટરમાં મણિપુર, ઓરિસ્સા, ગુજરાત, દિલ્હી, તેલંગાણા જેવા રાજ્યોના યુવાનો વધારે છે અને મોટાભાગના યુવક-યુવતીઓ ત્યાં જઈને ફસાયા જ છે. ગોવિંદ જેવું કોઈક હશે જે ડર વગર હિંમતથી નોકરીની ના પાડીને, પાકિસ્તાની-ચીની એજન્ટોની ચૂંગાલમાંથી છટકીને આવી ગયો હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments