સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે યોજાઈ રહેલી 11મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના સમુદ્રકિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતને AI મોડલ બનાવવા માટે પહેલ
એનવીડિયાના ડાયરેક્ટર જિગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં AI ટેક્નોલોજીના ઉપયોગ અંગે જાણકારી આપી હતી. જિગર હાલાણીએ ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા ગુજરાતને AI મોડલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણાવટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ 23 ભાષામાં વર્તમાન સમયમાં AIની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ AIનો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજાહિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે AI ટેક્નોલોજીને માધ્યમ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય એ બાબતે તેમણે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ પહોંચાડવા AIનો ઉપયોગ
ગુજરાતની સંસ્કૃતિ, સભ્યતા અને કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, એ સંદર્ભમાં આ સંસ્કૃતિની સાથે વણાયેલી સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી-કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે AIનો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે એ અંગે પણ તેમણે વિસ્તૃત વિવરણ રજૂ કર્યું હતું. સ્થાનિક કારીગરોનાં આવાં ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવા તથા તેમના વ્યાપારને વધુ મોટા પાયે વિસ્તરણ કરવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દિશા અંગે પણ આ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં AI ટેક્નોલોજી કેવી રીતે માઇલસ્ટોન સાબિત થઈ શકે એ અંગે મંથન
ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં AI ટેક્નોલોજી કેવી રીતે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે એ અંગે એ.આઈ.નો ઉપયોગ વધારવા માટે સરકાર જે પગલાં લઈ શકે છે એની વિગતવાર રજૂઆત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તેમણે કરી હતી. આ સત્રમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર તથા શિબિરમાં સહભાગી થયેલા ઉચ્ચ અધિકારીઓ ચર્ચામાં જોડાયા હતા અને વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ ઈમર્જિંગ સેક્ટરનો રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં વિનિયોગ કરવા સામૂહિક વિચાર મંથન કર્યુ હતું. મંત્રીઓ સહિતના અધિકારીઓ ઊંટ અને ઘોડેસવારી કરશે
સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં સમુદ્રકિનારા પર મંત્રીઓ સહિતના અધિકારીઓ સંભવત આવતીકાલે સવારે ઊંટસવારી અને ઘોડેસવારીનો આનંદ લેશે. એને લઈ આજે રિહર્સલ યોજાયું હતું. આવતીકાલે સવારે સોમનાથ ચોપાટીના સમુદ્ર તટે ઇવેન્ટ યોજાશે. સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યાં
ચિંતન શિબિરના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સભ્યો અને ચિંતન શિબિરના સહભાગીઓ સમૂહ સ્મૃતિ તસવીરરૂપે યાદગાર ક્ષણોના સાક્ષી બન્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ સાથે સામૂહિક દર્શન કરવા સાથે ચિંતન શિબિરના સૌ સહભાગીઓએ પણ ભગવાન ભોળાનાથનાં ચરણોમાં ભાવવંદના કરી હતી. અધિકારીઓએ યોગ-પ્રાણાયામ કરી બીજા દિવસનો પ્રારંભ કર્યો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર સમીપે સાગર દર્શનના વિશાળ પ્રાંગણમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. યોગ શિબિરમાં યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરાયેલા યોગ પ્રોટોકોલ મુજબ યોગ-પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. એ અનુસાર ઉપસ્થિત સૌ અધિકારીઓ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી થયા હતા.