ગતરોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા આવ્યા હતા અને આક્ષેપ લગાવ્યો હતો કે, મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ 20 વર્ષથી માન્યતા વગર ચાલે છે. જે બાદ કલેક્ટર કચેરી ધરણાં પર બેઠા હતા. જે હાઈ વોલટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો હતો. જે બાદ તેઓ રીક્ષાચાલકોની ફરિયાદને લઈ રાત્રિ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયા હતા. ચૈતર વસાવાને ત્યાંના સ્થાનિક રીક્ષાવાળાએ રજૂઆત કરી હતી કે, તંત્ર દ્વારા 100 જેટલા સ્થાનિક રીક્ષાવાળાને અંદર જવા દેવામાં આવતા નથી અને એસ આર પી સાથે ઘર્ષણ પણ સર્જાય છે. એ બાબતે આ રીક્ષાવાળાની રજૂઆત લઈને ચૈતર વસાવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના CEO હાલ ત્યાં છે કે નહિ તેની જાણકારી લઈને આપના ધારાસભ્ય ત્યાં પહોંચ્યાં હતા. પરંતુ, ત્યાં CEO ન મળતાં ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા અને જાહેરમાં અધિકારીઓને તતડાવતાં જણાવ્યું કે, એ અહિયાં હતા, પરંતુ મેં મુલાકાત માટે આવું છું સાંભળી એ ત્યાંથી જતા રહ્યા છે, પણ તમને જણાવી દઈશ કે આ પહેલીવાર છે. તો જવા દઉં છું, જો બીજીવાર આવું કરશે તો તેમના બંગલામાંથી કોલર પકડીને ખેંચી લાવીશું, બાપનું રાજ થોડું ચાલે છે. આમ કહી ત્યાં પણ ધારણાં પર બેસી ગયા હતા. આ લોકોએ જમીનો આપી દીધી છે તો રોજગારી કેમ નથી કરવા દેતા, આવી માનસિકતા કેમ ધરાવો છો. આ રીક્ષાવાળાને જવા દેવામાં આવે બાકી અહિયા પણ આંદોલન કરવું પડશે તો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.