સુરતમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના સિંગણપોરના ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં તેનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પહેલા પત્નીની ધારિયા વડે હત્યા કરી, બાદમાં પોતે પંખે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીની હત્યા કરી પતિએ ગળેફાંસો ખાધો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 50 વર્ષીય નરેશભાઈ કુંડલિયા ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર અને એક પુત્રી છે. રાત્રિ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં આવેશમાં આવી જઈ નરેશભાઈએ પોતાની 45 વર્ષીય પત્ની જમનાબેનની હત્યા કરી હતી. એ બાદ તેમણે જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃતદેહ PM અર્થે હોસ્પિટલ ખસેડાયા
પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુત્રો કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા હરિયાણા ગયા હોવાની વિગતો સામે આવી છે. હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં એક ઘરમાં ડેડબોડીઓ પડી છે
ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલમાં વરધી લખાવવામાં આવી હતી કે સિંગણપોર વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં એક ઘરમાં ડેડબોડીઓ પડેલી છે. જેથી સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની અંદર જોતાં 45 વર્ષીય મહિલા જમનાબેન કુંડલિયાની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જેઓ રૂમમાં મૃત હાલતમાં પડેલાં હતાં. તેની સામે તેમના 50 વર્ષીય પતિ નરેશભાઈ દેવજીભાઈ કુંડલિયા હૂક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. બંને વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી
આ મામલે ફરિયાદી મેહુલ ચૂડાસમાની ફરિયાદ લઈને ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી, જેથી આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી છે અને ત્યાર બાદ પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ દ્વારા પણ આ દિશામાં જ વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના બે દીકરા છે, જેઓ કબડ્ડીની સ્પર્ધાના સિલેક્શનને લઈને હરિયાણા ગયા છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની એક દીકરી બાજુમાં જ રહે છે અને તેમનાં કુટુંબીજનોને પણ સંપર્ક કરીને હાલ તો બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બંને પતિ-પત્ની કન્સ્ટ્રક્શન સાઇટ પર કડિયાકામ સાથે સંકળાયેલાં હતાં, જોકે બંને હાલ બેકાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ઝીણામાં ઝીણી માહિતી મેળવી રહી છે. આ સાથે જ ઊંડાણપુર્વકની તપાસ કરવામાં આવશે. હાલ તો ઘરકંકાસમાં જ પતિ-પત્ની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે.