ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા લાદવામાં આવેલા યુદ્ધ અપરાધોના આરોપો અને ધરપકડ વોરંટ મામલે પશ્ચિમી દેશો વિભાજિત થયા છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, અમેરિકાએ ધરપકડ વોરંટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ બ્રિટન, કેનેડા, નેધરલેન્ડ અને ઈટલીએ કહ્યું છે કે જો નેતન્યાહુ તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. આ દરમિયાન અમેરિકાએ ICCના આદેશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરેન જીન-પિયરે કોર્ટની નિર્ણય લેવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે અને તેને ‘ઉતાવળભર્યુ’ ગણાવ્યું છે. અમેરિકા ICCનો સભ્ય દેશ નથી. યુરોપિયન દેશોએ કહ્યું- હમાસ અને ઇઝરાયલ એક જેવા નથી, પણ ICCના નિર્ણયને સ્વીકારશે ઇટાલીના રક્ષા મંત્રી ગિડો ક્રોસિટોએ કહ્યું કે તેમનો દેશ ICCના નિયમોનું પાલન કરશે. તેમણે કહ્યું કે તેઓ ICCના આરોપને નકારી કાઢે છે કે હમાસ અને ઇઝરાયલ સમાન છે, પરંતુ જો નેતન્યાહૂ ઈટલી આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. અમે નિયમોથી બંધાયેલા છીએ. ICCના સભ્ય હોવાના કારણે બ્રિટને પણ કહ્યું છે કે નેતન્યાહૂ બ્રિટન આવશે તો તેમની ધરપકડ કરાશે. જો કે પીએમ ઓફિસના પ્રવક્તાએ કહ્યું છે કે નેતન્યાહુ અને હમાસ વચ્ચે નૈતિક સમાનતા નથી. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ICCના સભ્ય હોવાને કારણે તેઓ નિયમોનું પાલન કરશે. નેધરલેન્ડના વિદેશ પ્રધાન કેસ્પર વેલ્ડકેમ્પે કહ્યું કે તેઓ નિયમોનું 100% પાલન કરશે અને ડચ ધરતી પર પગ મૂકતાની સાથે જ નેતન્યાહુની ધરપકડ કરીશું. નેતન્યાહુએ ક્રિમિનલ કોર્ટના જજો પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના તેમના અને ભૂતપૂર્વ રક્ષા મંત્રી યોવ ગેલેંટ સામેના આરોપોને પાયાવિહોણા ગણાવતા ફગાવી દીધા હતા. તેમણે કોર્ટના જજો પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. નેતન્યાહુએ કહ્યું છે કે ICC બંધારણીય રીતે ચૂંટાયેલા વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવી રહી છે. અમે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા નથી. અમે જાનહાનિ ટાળવા પુરતા પ્રયાસો કરી રહ્યા છીએ. પોતાનો બચાવ કરતા ઇઝરાયલના પીએમએ હમાસ પર સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકવાનો આરોપ લગાવ્યો છે. નેતન્યાહુએ એમ પણ કહ્યું કે ઇઝરાયલે ગાઝાને 7 લાખ ટન અનાજ સપ્લાય કર્યું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ગુરુવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે નેતન્યાહુ પર ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોનો આરોપ મૂક્યો હતો. ICCએ સ્વીકાર્યું કે હમાસને ખતમ કરવાની આડમાં ઇઝરાયલની સેના નિર્દોષોની હત્યા કરી રહી છે. આ મામલામાં હમાસના પૂર્વ કમાન્ડર મોહમ્મદ દૈફ સામે પણ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વોરંટમાં મોહમ્મદ દૈફ પર 7 ઓક્ટોબરે ઇઝરાયલમાં સામૂહિક હત્યા, બળાત્કાર અને લોકોને બંધક બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે, ઇઝરાયલે જુલાઈમાં એક સ્ટ્રાઈકમાં મોહમ્મદ દૈફને માર્યો હોવાનો દાવો કર્યો હતો. ICCએ માર્ચ 2023માં પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પુતિનને પણ યુક્રેનમાં બાળકોના અપહરણ અને દેશનિકાલના આરોપમાં વોર ક્રાઈમ માટે જવાબદાર ગણાવ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની શરૂઆત 2002માં થઈ હતી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCની શરૂઆત 1 જુલાઈ, 2002ના રોજ થઈ હતી. આ સંસ્થા વિશ્વભરમાં બનતા વોર ક્રાઈમ, નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુનાઓની તપાસ કરે છે. આ સંસ્થા 1998ના રોમ કરાર પર તૈયાર કરાયેલા નિયમોના આધારે કાર્યવાહી કરે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર હેગમાં છે. રોમ એગ્રીમેન્ટ હેઠળ બ્રિટન, કેનેડા, જાપાન સહિત 123 દેશો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના સભ્ય છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધને 13 મહિના પૂરા થયા, 90% ગાઝાનો વિનાશ ઇઝરાયલ-હમાસ યુદ્ધને 13 મહિના થઈ ગયા છે. તેની શરૂઆત 7 ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવી હતી. હમાસના સેંકડો આતંકવાદીઓ ગાઝા પટ્ટી મારફતે દક્ષિણ ઇઝરાયલમાં ઘુસ્યા હતા. અંધાધૂંધ ગોળીબાર કરીને 1139 લોકોની હત્યા કરી અને 251 લોકોનું અપહરણ કર્યું. થોડા કલાકો પછી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી. આ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ગાઝામાં 44 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ ગાઝાની વસતીના લગભગ 2% છે. ઇઝરાયલી આર્મીના જણાવ્યા અનુસાર, તેમની વચ્ચે 17 થી 18 હજાર હમાસ આતંકીઓ હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે લેબનન અને ઈરાન સુધી પહોંચી ગયું છે. જૂનમાં જાહેર કરાયેલા યુનાઈટેડ નેશનના રિપોર્ટ મુજબ ગાઝામાં ભોજન એક પડકાર બની ગયો છે. અહીં 50,000 બાળકો ગંભીર કુપોષણનો શિકાર છે. ગાઝાની હેલ્થ સિસ્ટમ પડી ભાંગી છે. ગાઝાની મોટાભાગની હોસ્પિટલો ઇઝરાયલના બોમ્બમારાથી નાશ પામી છે. ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સના એપ્રિલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધ પહેલાથી અહીં ડાયરિયાનાં કેસોમાં 25 ગણો વધારો થયો છે. ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના રિપોર્ટ અનુસાર, 7 ઓક્ટોબરથી ઇઝરાઇલે પેલેસ્ટિનિયો પર 1,000થી વધુ હુમલા કર્યા છે.