સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં સાતમાં માળેથી 28 વર્ષીય યુવકે કુદીને આપઘાત કરી લીધો હતો. ઘર નજીક આવેલી બિલ્ડિંગ પરથી યુવકે આપઘાત કર્યો હતો. યુવક યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો. જોકે, પાસ ન થતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આ પગલું ભર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવક પરિવારને પણ કહેતો હતો કે હું આપઘાત કરી લઈશ. હાલ તો યુવકના આપઘાતના પગલે પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. ઘણાં વર્ષથી યુવક તૈયારી કરી રહ્યો હતો
મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પાલી ગામના કૈલાશ નગરમાં 28 વર્ષીય શિવમ દ્વીજેન્દ્ર ત્રિપાઠી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા ભાઈ અને એક બહેન છે. પિતા સિક્યુરિટીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શિવમ થોડા વર્ષોથી યુપીએસસીની તૈયારી કરતો હતો, જેમાં પરિવાર પણ તેને ખૂબ જ સપોર્ટ કરતો હતો. યુવક બિલ્ડિંના સાતમાં માળેથી કૂદી ગયો
શિવમ યુપીએસસીની પરીક્ષા આપતો હતો, પણ સફળતા મળતી ન હતી. છેલ્લા ચાર વર્ષથી શિવમ માનસિક તણાવમાં આવી ગયો હતો, જેથી તે અવાર-નવાર પરિવારને હું આપઘાત કરી લઈશ એવું કહેતો હતો. ગતરોજ વધારે ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી બહાર જાવ છું, તેમ કહીને નીકળી ગયો હતો. બાદમાં ઘરની નજીક સચિન જીઆઈડીસી ખાતે આવેલી નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડિંગ નં.બી-1ના સાતમાં માળની ગેલેરી ખાતે પહોંચી ગયો હતો. માથાના ભાગે ઈજા પહોંચતા સ્થળે જ મોત
નિલકંઠ હાઈટ્સના સાતમાં માળે કોઈ રહેતું નથી અને ખાલી છે જ્યાંથી શિવમ ગેલેરીના ભાગેથી કુદી ગયો હતો. શિવમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શરીર પર બહારથી કોઈ ઇજા ન હતી. જોકે, અંદરથી તમામ ભાગ તૂટી ગયા હતા અને માથામાં ઇજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. માનસિક તણાવમાં રહેતાં પરિજનોએ દવા પણ કરાવી
શિવમના મોતથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ કહ્યું કે, તે ખૂબ ભણ્યો હતો. તેને આઈપીએસ બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણા સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી. જો કે, તે આ પગલું ન ભરે તે માટે તેને સુરતમાં પરિવાર સાથે રાખવામાં આવ્યો હતો.