બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 શરૂ થતાં જ ઓસ્ટ્રેલિયાની વાસ્તવિકતા ખુલીને બહાર આવવા લાગી છે. શુક્રવારે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે કેએલ રાહુલની વિકેટ પર ભારે વિવાદ થયો છે. એક તરફ એક પછી એક વિકેટો પડતી રહી હતી તો બીજી તરફ રાહુલ એક છેડો પકડી રહ્યો હતો અને આજે તે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. રાહુલને જોઈને લાગતું હતું કે તે મોટી ઇનિંગ રમશે પરંતુ સ્ટાર્કના બોલ પર તે વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. તેની વિકેટને લઈને વિવાદ વધી ગયો છે. ભારતીય ઇનિંગ્સની 22મી ઓવરમાં મિચેલ સ્ટાર્કનો બીજો બોલ કેએલ રાહુલના બેટની નજીક ગયો અને વિકેટકીપર એલેક્સ કેરીના હાથમાં ગયો. જોકે, મેદાન પરના અમ્પાયરે કેએલ રાહુલને નોટઆઉટ જાહેર કર્યો હતો. અમ્પાયરને ખ્યાલ પણ નહોતો કે બોલ બેટને અડ્યો છે કે નહીં!
ઓન-ફિલ્ડ અમ્પાયરે રાહુલને નોટઆઉટ જાહેર કર્યા પછી ઓસ્ટ્રેલિયન ટીમે DRS લીધું હતું. આ પછી, જ્યારે થર્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે તેને નજીકથી જોયું તો સ્મિકો મીટર પર એક સ્પાઇક દેખાઈ હતી, જો કે, જ્યારે બોલ બેટની નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાહુલનું બેટ પણ પેડને સ્પર્શી ગયું હતું. અમ્પાયર પાસે સ્પષ્ટ રીતે જોવાનો સાચો પોઇન્ટ પણ નહોતો કે બોલ કેએલ રાહુલના બેટને લાગ્યો છે કે નહીં. આવી સ્થિતિમાં, એવી ધારણા હતી કે આ મૂંઝવણનો ફાયદો બેટર્સના પક્ષમાં જશે પરંતુ એવું ન થતાં થર્ડ અમ્પાયરે કેએલ રાહુલને આઉટ આપ્યો. ખોટો આઉટ આપતા રાહુલ નાખુશ
અમ્પાયરે આઉટ આપ્યા બાદ રાહુલ ખૂબ જ નાખુશ દેખાઈ રહ્યો હતો. તેને અમ્પાયરના નિર્ણય પર પણ વિશ્વાસ નહોતો. પેવેલિયન તરફ જતી વખતે, રાહુલ ઓન-ફિલ્ડ અમ્પાયરને કહેતો જોવા મળ્યો હતો કે બેટ તેના પેડ સાથે અથડાયું હતું અને બોલ તેની સાથે કોઈ સંપર્કમાં આવ્યો નથી. રાહુલની વિકેટ ભારત માટે મોટા આંચકા સમાન હતી. 74 બોલનો સામનો કર્યા બાદ રાહુલ ત્રણ ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. અમ્પાયરના નિર્ણયથી ભારતીય ચાહકો નારાજ
હવે રાહુલની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલને આઉટ આપ્યા બાદ અમ્પાયરના નિર્ણયથી ભારતીય ચાહકો ખૂબ જ નિરાશ છે. લોકો સોશિયલ મીડિયાથી પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.