બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024નો આજથી ઓસ્ટ્રેલિયામાં પ્રારંભ થયો છે. ભારતે ગત 2 ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટૂર પર જીત હાંસલ કરી હતી. જેમાં બેટિંગમાં કોહલી અને ચેતેશ્વર પુજારા સહિતના બેટર્સનું યોગદાન સૌથી વધુ રહ્યું હતું. જોકે, આ પ્રવાસે ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારા નથી, તે હાલ સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રી ટીમ સાથે જોડાયો છે. પુજારાએ પ્રવાસને મિસ કરશે કે નહીં તથા આ ટૂર પર ભારત માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી કોણ રહેશે તે મુદ્દે પુજારા એ જવાબ આપતા કહ્યું કે,”હું આ ટૂરને ચોક્કસ મિસ કરીશ. કોણ ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે તે અંગે વાત કરીએ તો છેલ્લાં અમુક વર્ષોમાં અમે જેટલી પર સિરીઝ જીત્યા છીએ તેમાં તમામ ખેલાડીઓનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને અમે છેલ્લાં 2 ટૂર જે ઓસ્ટ્રેલિયામાં રમ્યા અને જીત્યા છે. તે 2 ટૂરમાં ભારતીય બોલર્સની ભૂમિકા પણ મોટી રહી છે. આ વિશે વધુ ચર્ચા પણ કરવામાં આવતી નથી. પરંતુ મેચની બંને ઇનિંગ્સમાં મળીને કુલ 20 વિકેટ લેવી ટીમ માટે મોટી વાત હોય છે. અત્યારસુધી ભારતીય ઝડપી બોલર્સની ભૂમિકા મોટી રહી છે અને પર્થથી શરૂ થનારી આ સિરીઝમાં પણ તેમની ભૂમિકા મોટ રહેશે.” આ સિરીઝમાં ભારતીય બેટર્સે સારું પરફોર્મન્સ આપવું પડશે- પુજારા
સિરીઝમાં ભારતીય બેટર્સ મુદ્દે વાત કરતા પુજારાએ કહ્યું કે, “જો હું વાત બેટિંગની કરું તો જ્યારે તમે બેટિંગ કરતા હોવ તો એક યુનિટ તરીકે કરતા હોવ છો અને જો ભારતે સિરીઝ જીતવી હશે તો આ સિરીઝમાં ભારતીય બેટર્સે સારું પ્રદર્શન કરવું પડશે. જો તમે ઓસ્ટ્રેલિયામાં 250-300 રન કર્યા હોય ત્યારે બોલર્સ એ 20 વિકેટ લેવા માટે મહેનતને સફળ બનાવી શકે છે. ભારત માટે દરેક ટેસ્ટમાં એ જરૂરી રહેશે કે તેઓ દરેક મેચમાં 250-300 રન કરે અને પછી 20 વિકેટ લે. ભારતીય ટીમ આ કેવી રીતે કરશે તે અંગે જ ડ્રેસિંગ રૂમમાં ચર્ચા થતી હશે.”
પંતને ફ્રી હેન્ડ આપવો પણ જરૂરી છેઃ પુજારા
ચેતેશ્વર પુજારાએ સ્વીકાર્યું કે- ગત સિરીઝમાં તે જ્યારે પંત સાથે બેટિંગ કરતો હતો ત્યારે અમુકવાર તેણે પંતને સંભાળીને રમવા કહ્યું હતું. જોકે, આ સાથે પુજારાએ ઉમેર્યું કે પંત જે પ્રકારે આક્રમક બેટિંગ કરે છે તેવી રીતે તેને રમતા રહેવાની છૂટ આપવી પણ જરૂરી છે. ઓપનર તરીકે કોણ સારું છે તે સવાલના જવાબમાં તેણે જણાવ્યું કે શુભમન ગિલ સારો વિકલ્પ છે. પરંતુ લોકેશ રાહુલ એ એવો ખેલાડી છે જે ટીમની જરૂરને લીધે ઓપનિંગમાં રમવા આવે છે. સામાન્ય રીતે તે મિડલ ઓર્ડર કે લોઅર મિડલ ઓર્ડરમાં રમે છે. તેનું અને યશસ્વી જયસ્વાલનું આ સિરીઝમાં પ્રદર્શન જોવા લાયક રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં વ્હાઈટબોલ ક્રિકેટની અસર જોવા મળી રહી છે- પુજારા
પુજારાએ કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટમાં વ્હાઈટબોલ ક્રિકેટની અસર જોવા મળી રહી છે. ખેલાડીઓ પોતાની તાકાત પ્રમાણે જ ટેસ્ટમાં રમી રહ્યાં છે. હું ધૈર્ય સાથે બેટિંગ કરતા શીખ્યો છું પણ વર્તમાન ખેલાડીઓને આમ સલાહ ના આપી શકાય. ઓસ્ટ્રેલિયામાં કેવા શૉટ રમવા અને કેવા શૉટ છોડી દેવા એ વાત સમજવી જરૂરી છે.