અભિનેત્રી હિના ખાન ‘બિગ બોસ 18’માં ખાસ મહેમાન તરીકે જોવા મળશે. તે આજે એટલે કે 22મી નવેમ્બરે તે ‘વીકેન્ડ કા વાર’ એપિસોડનું શૂટિંગ કરશે. હિના, તેના મજબૂત વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી જર્ની માટે જાણીતી છે, તે બિગ બોસ હાઉસના સ્પર્ધકોને મોટિવેશન અને પોઝિટિવિટીનો સંદેશ આપશે. હિના અને સલમાન ખાન વચ્ચે ગાઢ સંબંધ છે. ‘બિગ બોસ 11’ દરમિયાન સલમાને ઘણી વખત તેના મજબૂત વ્યક્તિત્વના વખાણ કર્યા હતા. તે સિઝનમાં હિનાએ પોતાની રમત અને સ્પષ્ટવક્તા શૈલીથી બધાને પ્રભાવિત કર્યા હતા. ‘બિગ બોસ’ના મંચ પર ફરી એકવાર સલમાન અને હિનાને એકસાથે જોવાં એ દર્શકો માટે ખાસ ક્ષણ હશે. થોડા મહિના પહેલા હિનાએ તેના સ્ટેજ-3 બ્રેસ્ટ કેન્સર વિશે બધા સામે ખુલાસો કર્યો હતો. આ પછી તેણે સોશિયલ મીડિયા પર તેની સફર શેર કરી. તેની વાર્તા મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે. દર્શકોને આશા છે કે તે બિગબોસના સ્પર્ધકોને તેના અનુભવોથી પ્રેરિત કરશે અને શોના ઉતાર-ચઢાવનો સામનો કેવી રીતે કરવો તેની સલાહ આપશે. હિનાનો ‘બિગ બોસ’ સાથે જૂનો અને ખાસ સંબંધ છે. તે ‘બિગ બોસ 11’માં ફર્સ્ટ રનર અપ હતી. તેના આત્મવિશ્વાસ અને ગેમ પ્લાને ચાહકોના દિલ જીતી લીધા. આ વખતે મહેમાન તરીકે તેની વાપસી દર્શકો માટે ખાસ રહેશે. જો કે, હિના તાજેતરમાં ફેશન શોમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી અને તેની હિંમતની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ આ તેનું પ્રથમ ઓન-સ્ક્રીન કમબેક હશે. નિર્માતાઓને આશા છે કે ‘બિગ બોસ 18’માં તેની હાજરી માત્ર શોને ખાસ બનાવશે નહીં પરંતુ તેના ચાહકો માટે પ્રેરણારૂપ પણ બનશે.