સામાન્ય અને ગરીબ પરિવારના બાળકો પણ સારી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે દર વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તેઓને પ્રવેશ આપવામાં આવે છે. એવામાં અમદાવાદમાં કેટલાક પૈસાદાર વાલીઓ પોતાના બાળકોને મફતમાં ભણાવવા માટે કાગળ પર ‘ગરીબ’ બની ગયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની અલગ અલગ શાળાઓએ આવકના ખોટા દાખલાના આધારે એડમિશન મેળવી લેવાયા હોવાની ફરિયાદ કર્યા બાદ DEOએ કચેરીએ તપાસ કરતા અનેક વાલીઓની લાખો રૂપિયાની આવક હોવા છતા આવકના ખોટા પુરાવાઓ ઉભા કરી એડમિશન મેળવી લીધા હતા. અમદાવાદ ડીઈઓ કચેરી દ્વાર આવા 140 વિદ્યાર્થીઓને એડમિશન RTEમાંથી રદ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓએ હવે શાળા બદલવી પડશે અથવા જે તે શાળામાં ભણવું હશે તો ફી ચૂકવવી પડશે. RTE થતી આ ગોલમાલમાં ક્યાંકને ક્યાંક શાળાઓની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી છે. કારણ કે, RTE હેઠળ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયાના મહિનાઓ બાદ એડમિશન રદ થતા હોવાથી જે તે બેઠક આઠ વર્ષ સુધી ખાલી પડી રહે છે. જેથી ખરેખર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાને હકદાર હોય છે તેઓએ અન્યાયનો સામનો કરવો પડે છે. ખાનગીશાળાઓની ફરિયાદ બાદ DEOની કાર્યવાહી
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઉદગમ,કેલોરેકસ, ઝેબર, કે.એન પટેલ, ગ્લોબલ ઇન્ડીયન, આરપી વસાણી, જન્ટ્સ જીનીસીસ સહિત સ્કૂલમાં RTE હેઠળ અનેક એડમિશન આપવામાં આવ્યા હતા. RTE હેઠળ ફાળવવામાં આવેલા એડમિશનમા કેટલાક એડમિશન શંકાસ્પદ જણાતા સ્કૂલ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી જેમાં વાલીઓના આવકના પુરાવા તથા ઈન્કમ ટેક્સ રિટર્ન ભેગા કરવામાં આવ્યા હતા. સ્કૂલો DEO કચેરીને પુરાવા સાથે ફરિયાદ કરી હતી.વાલીઓની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવી વાલીઓએ એડમિશન મેળવ્યા હતા.આ તમામ પુરાવા સાથે સ્કૂલો DEO ને ફરિયાદ કરી હતી. ફરિયાદ થતાં જ આ અંગે શહેર DEO રોહિત ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવી હતી.ત્યારબાદ જે વાલીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હતા તેમને રૂબરૂ DEO કચેરીમાં હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.વાલીઓએ હિયરિગ દરમિયાન પોતાનો પક્ષ મૂક્યો હતો જેની સામે DEOએ પુરાવા રજૂ કર્યા હતા.જેથી વાલીઓએ પણ ખોટી.રીતે મેળવેલ પ્રવેશ માટે કબુલાત કરી હતી.આ અંગે DEO દ્વારા 140 એડમિશન રદ કરવામાં આવ્યા છે.જેમાંથી સૌથી વધુ ઉદગમ સ્કૂલમાં 63 અને કેલોરેકસના સ્કૂલના 26 કે જે સૌથી વધુ એડમિશન રદ થયા છે. ‘ઈંગ્લીશ મીડિયમ’ ફિલ્મ જેવું કૌભાંડ!
વાલીઓ દ્વારા પોતાના બાળકને 1 થી 8 ધોરણમાં વિનામૂલ્યે ભણાવવા માટે રીતસરનું બોલીવુડની મુવી ઇંગ્લીશ મીડીયમ જેવું કૌભાડ કરવામાં આવી રહ્યું છે.મુવીમાં જે પ્રકારે પોતાના બાળકને સારી સ્કૂલમાં અભ્યાસ કરવા માતા-પિતા પોતે ગરીબ હોવાનું દર્શાવે છે તે જ રીતે આ વાલીઓ પણ પોતાની આવક 24 લાખ રૂપિયા સુધીની હોવા છતાં 1.50 લાખ રૂપિયાનો આવકના દાખલાના આધારે પ્રવેશ મેળવી લીધો હતો.જો કે અંતે વાલીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હોવાનું સાબિત થઈ ચૂક્યું છે જેથી તમામ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી તેમાં તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન વાલીઓને રૂબરૂ હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતા.ત્યારે વાલીઓ સમક્ષ પણ પુરાવા મુકવામાં આવ્યા હતા.વાલીઓએ ઈન્કમટેક્સ રિટર્ન છુપાવ્યા હતા.140 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.વાલીઓને ફી ભરીને તે જ સ્કૂલમાં અથવા અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા જણાવવામાં આવ્યું છે. લાખોની આવક છતાં દોઢ લાખની જ આવક બતાવી અન્ય વાલીઓની આવક પણ 3 લાખથી લઈને 10 લાખ સુધીની હોવા છતાં 1.50 લાખ સુધીના આવકના દાખલામાં આધારે પ્રવેશ મેળવ્યો છે.આ ઉપરાંત કેટલાક વાલીઓએ સેલ્ફ ડીક્લેરેશન પણ આપ્યું છે જેમાં વાલી ઈનકમટેક્સ રિટર્ન નથી ભરતા તેવો ઉલ્લેખ કર્યો છે જ્યારે હકીકતમાં વાલી ઈનકમટેક્સ રિટર્ન ભરી જ છે.વાલીઓ અલગ અલગ ધંધો પણ કરે છે જેમાં કેટલાક શેર માર્કેટના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે જેથી વાર્ષિક ગ્રોસ ઈનકમ 24 લાખ સુધીની હોવા છરા પોતાની આવક છુપાવીને પ્રવેશ મેળવ્યો છે. વાલીઓ સાથે શાળાઓની નીતિ પણ શંકાના દાયરામાં
આ કૌભાડમાં માત્ર વાલીઓ જ સામેલ નથી પરંતુ સ્કૂલો પણ શંકાના દાયરામાં છે.કારણ કે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા પૂરી થયાની રાહ જોવામાં આવે છે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્કૂલ દ્વારા ખાનગી એજન્સી રોકીને વાલીને પાનકાર્ડના આધારે તેમની વિગત નીકાળવામાં આવે છે.જે સમયે પ્રવેશ આપવામાં આવે ત્યારે સ્કૂલ દ્વારા કોઈપણ તપાસ કરવામાં આવતી નથી.જો સ્કૂલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન જ તપાસ કરીને શિક્ષણ વિભાગને પુરાવા આપવામાં આવે તો પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જ તે પ્રવેશ રદ થઈ શકે અને અન્ય વિદ્યાર્થીને તેનો લાભ મળી શકે છે.પરંતુ સ્કૂલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવે છે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વિગત નીકાળવાની શરૂઆત કરે છે.જેથી આ પ્રવેશ રદ થાય તો તે જગ્યા ધોરણ 8 સુધી ખાલી રહેશે અને સ્કૂલ દ્વારા કઈ જગ્યા પર ફી ભરાવીને અન્યને પ્રવેશ આપવામાં આવશે.