અમદાવાદના નારણપુરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે સિન્ડિકેટ મેમ્બરની ટુકડીને ઝડપ્યાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં ફરી 1.30 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. દાણીલીમડા ખાતે આવેલી શાહઆલમ સોસાયટીના એક મકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરીને 1.23 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ, બે પિસ્તોલ, 48 જીવતા કારતૂસ, જીપીએસ ટ્રેકર, 18.27 લાખ રોકડ ઝડપી ડ્રગ્સ માફિયા તેમજ હથીયારના સોદાગર જીશાન ઉર્ફે દત્તા પાવલેની ધરપકડ કરી છે. જીશાને અમદાવાદમાં ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે આખું નેટવર્ક ગોઠવેલું હતું. તે હોલસેલ ડ્ર્ગ્સ ડીલર હતો અને તેણે સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ગોઠવ્યું હતું. તે ક્યાંય એમડી કે ડ્રગ્સ જેવા શબ્દો વાપરતો નહીં અને વન ટાઇમ વ્યુનો ઉપયોગ કરીને ફોટો મોકલતો હતો. ક્રાઇમ બ્રાન્ચને મળેલા કોડમાં માલ આ ગયા…પુડિયા…કોઈ ડર નહીં… જેવા કોડનો ઉપયોગ કરતો હતો. જીશાનની પૂછપરછમાં ડ્રગ્સ અને હથીયારની તસ્કરી પાછળના ઘણા રહસ્યો ખુલ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીના ઘરમાં રેડનો પ્લાન બનાવ્યો
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલી શાહઆલમ સોસાયટીમાં રહેતા જીસાન ઉર્ફે દત્તા પાવલે મેમણે તેના ઘરમાં એમડી ડ્રગ્સ છુપાવીને રાખ્યુ છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરવાનો પ્લાન કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના PI એમ. પી. ચૌહાણ, PSI જે. એસ. રાઠોડ સહિતની ટીમે જીશાનના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ક્રાઇમ બ્રાંચે જીશાનની અટકાયત કરી લીધી હતી અને બાદમાં ઘરનું સર્ચ કર્યુ હતું. સર્ચ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહીં, જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે સ્ટોર રૂમમાં ગઇ હતી. શુઝનાં બોક્સમાંથી ક્રિસ્ટલ, પાઉડર સહિતનો સામાન મળ્યો
સ્ટોર રૂમમાં ચેકિંગ દરમિયાન એક શુઝનું બોક્સ મળી આવ્યુ હતું. ક્રાઇમ બ્રાંચે બોક્સ ખોલીને જોતા તેમાંથી ક્રિસ્ટલ, પાઉડર અને કોઇ પદાર્થના ટુકડા મળી આવ્યા હતા. આ સાથે બોક્સમાં ઝીપલોક વાળી થેલીઓ તેમજ અલગ-અલગ ડિજિટલ કાંટા પણ મળી વ્યા હતા. શુઝના બોક્સમાં મળી આવેલા પાઉડર અને પદાર્થ મામલે ક્રાઇમ બ્રાંચે જીશાનને પુછતાં તેણે નફ્ફટાઇ પૂર્વક એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી. એમડી ડ્રગ્સનું સાંભળતાની સાથેજ ક્રાઇમ બ્રાંચની ટીમે તરતજ એફએસએલ અધિકારીને જાણ કરી દીધી હતી. બે પિસ્તોલ, 48 જીવતા કારતૂસ અને 24 ફુટેલા કારતૂસ મળ્યાં
એફએસએલની ટીમ જીશાનના ઘરમાં આવે ત્યા સુધી ક્રાઇમ બ્રાંચે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાંચને જીશાનના ઘરમાંથી પિસ્તોલ, કારતુસ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચ પલંગ ચેક કરી રહી હતી, જ્યાં એક બેગ મળી આવી હતી. તે ખોલીને જોતા તેમા એક ઓટેમેટીક પિસ્તોલ અને દેશીબનાવટની પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ સાથે ક્રાઇમબ્રાંચને 48 જીવતા કારતૂસ અને 24 ફુટેલા કારતુસ પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે બન્ને પિસ્તોલ જપ્ત કરી છે અને જીશાને 24 રાઉન્ડ ફાયરીંગ ક્યા કર્યુ છે તેની તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે પિસ્તોલ મામલે જીશાનની પુછપરછ કરી પરંતુ તેણે કઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. અજમેરમાં લાલાનો સંપર્ક થયો ને મોતનો કારોબાર શરૂ કર્યો
એફએસએલની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે આવી ગઇ હતી અને મળી આવેલા પાઉડર અને પદાર્થનું પરિક્ષણ કર્યુ હતું. પરિક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું પુરવાર થયુ હતું. ક્રાઇમ બ્રાંચે તરતજ જીશાનની ધરપકડ કરી લીધી હતી અને આગવીસ્ટાઇલથી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન જીશાને જણાવ્યુ હતું કે, 6 મહિના પહેલા તે અજમેર ગયો હતો, ત્યારે ઇમરાન ઉર્ફે લાલાના સંપર્કમાં આવ્યો હતો. ઇમરાન ઉર્ફે લાલો ઉદેયપુરમાં રહે છે અને ડ્રગ્સનો ધંધો કરે છે. ઇમરાન અને જીશાન વચ્ચે મુલાકાત થઇ ત્યારે તેણે ડ્રગ્સનો ધંધો કરવા માટેની વાત કરી હતી. જીશાન ડ્રગ્સનો ધંધો કરવા માટે તૈયાર થઇ ગયો હતો. ઇમરાને એડિડાસ શુઝની આડમાં એમડી ડ્રગ્સનો જથ્થો કુરીયર મારફતે મોકલાવ્યો હતો. ડ્રગ્સ વેચીને રૂપિયા કમાયો હોવાની આશંકા
શુઝના બોક્સમાં જીશાને ડ્રગ્સ મંગાવ્યુ હતું, જે તેણે ગીતામંદીરની ઓફિસથી રિસિવ કર્યુ હતું. ડ્રગ્સ ખરીદનાર ગ્રાહક નહીં હોવાથી તેણે ડ્રગ્સનો જથ્થો સ્ટોરરૂમમાં મુકી દીધો હતો. ક્રાઇમ બ્રાંચે જીશનના ઘરમાંથી પિસ્તોલ, જીવતા કારતૂસ, 1.23 કરોડનું એમડી ડ્રગ્સ, છ મોબાઇલ ફોન તેમજ 18.27 લાખ રૂપિયા રોક્ડ જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાંચે જીશાન અને ઇમરાન વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધ્યો છે. તો ક્રાઇમ બ્રાંચના સુત્રોના જણાવ્યા અનુસાર, જીશાને એમડી ડ્રગ્સ વેચીને રૂપિયા કમાયો છે. 18.27 લાખ રોક્ડ કોના છે અને તેની પાસે કેવી રીતે આવ્યા તેની ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જીશાન લાખો-કરોડો રૂપિયાના હવાલા કરતો હતો
જીશાન પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ત્યારે તેણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબુલાત કરી છે કે, તે ઉદેયપુરમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ઇમરાનને રૂપિયા મોકલાવતો હતો. ઇમરાને જ્યારે શુઝના બોક્સમાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો ત્યારે તેના બીજા દિવસે જીશાને 8 લાખ રૂપિયા આંગડીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. જીશાને માણેક ચોકમાં આવેલી સોમા મગનની આંગડીયા પેઢી મારફતે રૂપિયા ઇમરાનને મોકલાવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ સોમા મગનની આંગડીયા પેઢીની તપાસ કરશે. 6 મોબાઇલ ફોન અને ટેબલેટ સંખ્યાબંધ રાઝ ખોલશે
ક્રાઇમ બ્રાંચે જીશાનના ઘરમાંથી 6 મોબાઇલ ફોન અને ટેબલેટ પણ જપ્ત કર્યુ છે, જેને એફએસએલમાં મોકલવામાં આવશે. જીશાન ક્યા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે? તેની પાસે ડ્રગ્સ લેવા આવતા ગ્રાહકો કોણ છે હથિયારના સોદાગર કોણ છે? જીશાને હવાલામાં કેટલા રૂપિયા મોકલાવ્યા છે? આ તમામનો પર્દાફાશ મોબાઇલ ફોન કરશે. જીશાનના તમામ ફોનને એફએસએલમાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે. આખું નેટવર્ક સોશિયલ મીડિયા દ્વારા ચાલતુંઃ DCP
આ મામલે ક્રાઇમ બ્રાંચ ડીસીપી અજિત રાજીયાણએ જણાવ્યું હતું કે, આરોપી ડ્રગ્સ મંગાવવા માટે ખોટા નામનો ઉપયોગ કરતો તો ક્યારેક કારની લાઇટમાં પણ છુપાવીને ડ્રગ્સ લવાતો હતો. ડ્રગ્સ અમદાવાદમાં વહેંચવા માટે નાના પેડલરનું આખું નેટવર્ક હતું, તે હંમેશા સોશિયલ મીડિયામાં માલ (ડ્રગ્સ)ની માહિતી આપતો હતો. એટલું જ નહીં, જ્યારે તે કોઈ કુરીયર કે અન્ય જગ્યાએ માલ મગવતો તો ખોટા નામ અને અન્યના નામ આપતો હતો. કોઈને પણ શંકા ન જાય અને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરીને ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે નેટવર્ક ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. ડોન બનવા હંમેશા સાથે હથીયાર રાખતો
વધુમાં ઉમેર્યું કે, ડોન બનવા માટે જિશાન ઉર્ફે દત્તા પાવલે હથીયાર પણ રાખતો હતો અને ગરીબ લોકોને ડરવતો હતો. આરોપી વિરુદ્ધ ડીજીપી ઓફિસમાં અરજી પણ થઈ છે. તેની વિરુદ્ધ કોઈ અવાજ ન ઉઠાવી શકે એ માટે તે હંમેશા હથીયાર પોતાની સાથે રાખતો હતો. તેની પાસેથી જે ખાલી કાર્ટ્સ મળ્યા છે, તેને પણ ઉપયોગ કર્યો હોવાની શક્યતા આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તેણે જેના નામ આપ્યા છે તે સાચા છે કે ખોટા? તે ખરાઈ કરવામાં આવી રહી છે. આ રેકેટમાં કોઈને પણ છોડવામાં નહિ આવે.