યુક્રેન પર મિસાઈલ હુમલાના કલાકો બાદ જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અચાનક દેશને સંબોધન કર્યું હતું. રોઇટર્સ મુજબ, તેમણે કહ્યું કે રશિયાએ પશ્ચિમી હુમલાના જવાબમાં ‘નવી’ ઈન્ટરમીડિએટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું છે. પુતિને કહ્યું કે અમારા પર હુમલો કરનારા પર અમને હુમલો કરવાનો અધિકાર છે. પુતિને આ મિસાઈલનું નામ ‘ઓરેશ્નિક’ રાખ્યું છે. તેમણે કહ્યું કે તે 2.5 થી 3 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ટાર્ગેટ પર હુમલો કરે છે. પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો યુક્રેનને મદદ કરતા કોઈપણ દેશના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. રશિયાએ ગુરુવારે સવારે યુક્રેનના નિપ્રો શહેર પર ઘાતક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM)થી હુમલો કર્યો હતો. જોકે, અમેરિકાના અધિકારીઓએ ગઈકાલે ઝેલેન્સકીના દાવાને ફગાવી દીધા હતા. પુતિને કહ્યું- પશ્ચિમી દેશો યુક્રેન યુદ્ધને વધારી રહ્યા છે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન યુદ્ધ હવે વૈશ્વિક સંઘર્ષમાં ફેરવાઈ રહ્યું છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો યુક્રેનને રશિયન ધરતી પર લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સંકટ વધારી રહ્યું છે. પુતિને કહ્યું કે જો રશિયા હાઈપરસોનિક હથિયારોનો ઉપયોગ કરશે તો તે હુમલા પહેલા ત્યાંના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાની ચેતવણી આપશે. તેમણે કહ્યું કે અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ ક્યારેય રશિયન મિસાઇલોને રોકવામાં સફળ નહીં થાય. પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનને પશ્ચિમી દેશો પાસેથી શસ્ત્રો મળવાથી યુદ્ધના પરિણામ પર કોઈ અસર નહીં પડે. 4 દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં શું થયું? 18 નવેમ્બર 1. બાઈડને યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી
યુએસ રાષ્ટ્રપતિ બાઈડને યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો – આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ (ATACMS) નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. અમેરિકાએ આ હથિયાર યુક્રેનને ઓક્ટોબર 2023માં જ આપ્યા હતા, પરંતુ તેની પાસે તેનો ઉપયોગ તેની પોતાની ધરતી પર જ કરવાની મંજુરી હતી. 2. નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્કે તેમના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું
રશિયા-યુક્રેનના પડોશી દેશો નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્કે તેમના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ દેશોએ તેમના નાગરિકોને પેમ્ફલેટ વહેંચીને યુદ્ધ વિશે ચેતવણી આપી હતી. આ સિવાય તેમને આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા અને તેમના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. 19 નવેમ્બર 1. યુક્રેને રશિયા પર ATACMS વરસાવી
બાઈડન સરકારની સંમતિ મળતાની સાથે જ યુક્રેને પ્રથમ વખત રશિયાના બ્રિયાન્સ્ક વિસ્તારમાં અમેરિકા તરફથી મળેલી લાંબા અંતરની 6 ATACMS મિસાઈલો વરસાવી હતી. રશિયાએ 5 મિસાઈલ તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2. પુતિને પરમાણુ હથિયારો સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો
પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગને મંજૂરી આપવા સંબંધિત નિર્ણયને મંજૂરી આપી હતી. નવા નિયમ અનુસાર, જે દેશ પાસે પરમાણુ શસ્ત્રો નથી, જો કોઈ દેશ ન્યુક્લિયર પાવરવાળા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરે છે, તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર ગણવામાં આવશે. આવી સ્થિતિમાં મોસ્કો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. 20 નવેમ્બર 1. યુક્રેન પર બ્રિટિશ શેડો ક્રુઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો
યુક્રેને બ્રિટનની ‘સ્ટોર્મ શેડો ક્રૂઝ’ મિસાઈલ વરસાવી રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હુમલો કર્યો હતો. બ્રિટને આ હથિયારો એક વર્ષ પહેલા યુક્રેનને આપ્યા હતા. હુમલા બાદ રશિયાએ કહ્યું કે તેમણે બે બ્રિટિશ મિસાઈલોને નષ્ટ કરી દીધી છે. 2. અમેરિકાએ યુક્રેનને લેન્ડમાઈન આપવાની મંજૂરી આપી
યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયન સેનાને વધતી અટકાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને યુક્રેનને એન્ટી પર્સનલ લેન્ડ માઈન આપવાનો નિર્ણય કર્યો. અમેરિકાએ યુક્રેનને આ લેન્ડ માઈનનો ઉપયોગ યુક્રેનની સરહદમાં જ કરવા કહ્યું હતું. 3. ચાર દેશોએ કિવમાં દૂતાવાસ બંધ કર્યા
રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ અમેરિકાએ કિવમાં દૂતાવાસને એક દિવસ માટે બંધ કરી દીધું હતું. આ પછી ઈટાલી, ગ્રીસ અને સ્પેને પણ આવું જ કર્યું છે. 21 નવેમ્બર રશિયાએ યુક્રેન પર મિસાઈલ ટેસ્ટિંગ કર્યું હતું
રશિયાએ યુક્રેન પર ઈન્ટરમીડિએટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ ‘ઓરેશ્નિક’ છે. તેની સ્પીડ 2.5 થી 3 કિમી પ્રતિ સેકન્ડ છે. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડતા પશ્ચિમી દેશો પર હુમલાની ચેતવણી આપી હતી.