ગુરુવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ST-SC કેસની સુનાવણી થઈ. શિલ્પા શેટ્ટી સાથે સંબંધિત કેસને કોર્ટે એસટી-એસસી એક્ટ હેઠળ ફગાવી દીધો છે, જ્યારે સલમાનનો કેસ પેન્ડિંગમાં મૂકવામાં આવ્યો છે. શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2017માં અશોક પંવારે રાજસ્થાનના ચુરુ પોલીસ સ્ટેશનમાં ST-SC એક્ટ હેઠળ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના પર IPCની કલમ 157A લગાવવામાં આવી હતી. એવા આરોપો હતા કે શિલ્પાએ એક જૂના ઈન્ટરવ્યૂમાં ‘ભંગી’ શબ્દનો દુરુપયોગ કર્યો હતો, જેનાથી વાલ્મીકિ સમુદાયનું અપમાન થયું હતું અને સમુદાયના લોકોની ભાવનાઓને પણ ઠેસ પહોંચી હતી. આ ઇન્ટર્વ્યૂમાં શિલ્પા સાથે સલમાન ખાન પણ હાજર હતો. ગુરુવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ અરુણ મોગાની સિંગલ બેન્ચે શિલ્પા શેટ્ટી સામેના કેસને ફગાવી દેતાં કહ્યું હતું કે, પ્રાથમિક તપાસ વિના આવી ફરિયાદ દાખલ કરી શકાય નહીં. ફરિયાદ દાખલ કરતા પહેલા આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈતી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે આવા શબ્દનો ઉપયોગ કોઈને નુકસાન અથવા અપમાન કરવા માટે કરવામાં આવ્યો હોય. શિલ્પા શેટ્ટીના વકીલે સુનાવણી દરમિયાન પોતાની દલીલમાં કહ્યું કે, જે ઇન્ટરવ્યૂ માટે સલમાન ખાન અને શિલ્પા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે અલગ-અલગ ઇન્ટરવ્યૂ છે. શિલ્પાનો ઈન્ટરવ્યૂ 2013નો છે, જેના પર ચુરુમાં ફરિયાદ નોંધવામાં આવી છે. શિલ્પા પર જે કલમો લગાવવામાં આવી હતી તે વર્ષ 2016માં લગાવવામાં આવી હતી, હકીકતમાં શિલ્પાનો ઈન્ટરવ્યૂ 2013નો છે. શિલ્પા શેટ્ટીનો કેસ ભલે કોર્ટે ફગાવી દીધો હોય, પરંતુ સલમાન ખાનનો કેસ હજુ પેન્ડિંગ છે.