આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદીના આચાર્ય જગતગુરૂ અવિચલ દેવાચાર્યના ફોટા વાળું “અખિલ ભારતીય સંત સમિતી” ના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી તેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, ગ્રામપ્રધાનને ઉદેશીને બિભત્સ અપશબ્દો લખનાર ગઠિયા વિરૂદ્ધ આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના મહેશભાઈ ચંદુલાલ મિસ્ત્રી છેલ્લાં ત્રણ વર્ષથી આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી ખાતે રહે છે અને ત્યાં સેવા આપે છે. આ મહેશભાઈ આજરોજ સવારના સમયે પોતાના મોબાઈલમાં ફેસબુક જોતાં હતાં. દરમિયાન તેમાં એક ચોંકાવનારી પોસ્ટ તેમના ધ્યાને આવી હતી. જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, જનપ્રતિનીધી એટલે કે સાંસદ, વિધાયક, ગ્રામપ્રધાન વિગેરેને ઉદ્દેશીને બિભત્સ અને અશ્લીલ ભાષામાં અપશબ્દો લખેલાં હતાં. મહેશભાઈએ તે પેજ ખોલીને જોતાં તેની પ્રોફાઇલ ઉપર હિન્દીમાં “અખિલ ભારતીય સંત સમિતિ” નામ લખેલ હતું. તેમજ પ્રોફાઇલ પર સારસા કેવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીના આચાર્ય જગતગુરૂ અવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો અને કવર પેજ ઉપર વૃંદાવન, મથુરા ખાતેના અખિલ ભારતીય સંત સમિતીના આશ્રમના લેટરહેડ નો ફોટો મુકેલ હતો. મહેશભાઈએ આ પેજ પરની અન્ય પોસ્ટ ચેક કરતાં તેમાં 6 જુલાઇના સેજ સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, ચીફ જજ વિગેરેને ઉદ્દેશીને અશ્લીલ ગાળો લખેલ હતી. તેમજ 11 મે 2021 ના રોજ મુસલમાન, કુરાન, અને અલ્લાહ વિશે ગમેતેવું લખાણ લખેલ હતું. જેથી મહેશભાઈ મિસ્ત્રીએ આ ફેસબુક પેજ તથા તેમાં કરેલ પોસ્ટ બાબતે અવિચલ દેવાચાર્ય મહારાજ સાથે વાત કરતાં, આ પેજ ફેક હોવાનું જણાઈ આવ્યું હતું. આમ, કોઇ અજાણ્યા ઇસમે ફેસબુક ઉપર “અખિલ ભારતીય સંત સમિતી” નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી તેમાં કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્ય જગતગુરૂ અવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો તથા સરનામું મુકી, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટના જજ તથા ચીફ જજ વિશે ગમેતેવી અશ્લીલ ભાષાના પ્રયોગવાળી પોસ્ટ મુકી તેઓને તથા આખા સંત સમાજને બદનામ કરવાના ઇરાદે વાયરલ કરેલ હોવાથી મહેશભાઈ ચંદુલાલ મિસ્ત્રીએ આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે આ ફેક આઈ.ડી બનાવી તેનો ઉપયોગ કરનાર અજાણ્યાં શખ્સ વિરુદ્ધ આઈ.ટી એક્ટ 66 (c) તથા બી. એન.એસ. કલમ 296( b) મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.