બોલિવૂડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ અવસાન થયું હતું. હાલમાં જ રિદ્ધિમા કપૂર સાહનીએ તેના પિતા ઋષિ કપૂરની બે અંતિમ ઈચ્છાઓ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તેના પિતા રણબીરના લગ્ન અને બાંદ્રામાં તેનું ઘર સંપૂર્ણ રીતે તૈયાર જોવા માગતા હતા. ઝૂમ સાથેની વાતચીતમાં રિદ્ધિમા કપૂર સાહનીએ કહ્યું, ‘પાપાની છેલ્લી બે ઈચ્છાઓ હતી, પહેલી રણબીર લગ્ન અને બીજી તૈયાર થયેલું બાંદ્રાનું ઘર. હવે ઘર લગભગ તૈયાર છે અને રણબીરના પણ લગ્ન થઈ ગયા છે. જ્યારે તેમની બંને ઈચ્છાઓ પૂરી થઈ રહી હતી ત્યારે અમે બધા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. હું ઈચ્છું છું કે તે અહીં અમારી સાથે હોત, પરંતુ મને લાગે છે કે ભગવાનની ઈચ્છા અલગ હશે. રિદ્ધિમાએ વધુમાં કહ્યું કે, ‘પાપા હંમેશા ઇચ્છતા હતા કે મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય અને તેમણે તે પૂરું કર્યું. પરંતુ જ્યારે રણબીરના લગ્નનો સમય આવ્યો ત્યારે ભાઈએ સ્પષ્ટ કહ્યું કે અમારા પરિવારમાં મોટા લગ્ન થઈ ચૂક્યા છે, તેથી હવે હું ઈચ્છું છું કે મારા લગ્ન સાદાઈથી થાય. આલિયા અને રણબીર બંને ખૂબ જ સીમ્પલ લોકો છે. આ સિવાય રિદ્ધિમા સાહનીએ પણ આલિયા ભટ્ટના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘આલિયા મુશ્કેલ સમયમાં પરિવાર સાથે ઉભી રહી. જ્યારે મારા પિતા ઋષિ કપૂર સારવાર માટે ગયા ત્યારે મારી દાદીનું અવસાન થયું ત્યારે આલિયા મારી સાથે ન માત્ર રોકાઈ હતી પરંતુ વ્યક્તિગત રીતે તમામ વ્યવસ્થા પણ કરી હતી. ઋષિ કપૂર લ્યુકેમિયાથી પીડિત હતા. જેની સારવાર ન્યૂયોર્કમાં લાંબા સમય સુધી ચાલી હતી. આ પછી તે 2019માં ભારત પાછા આવ્યા. 30 એપ્રિલ 2020 ના રોજ તેમનું અવસાન થયું.