back to top
Homeગુજરાતખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગના 3 ડોક્ટર ક્રાઈમ બ્રાન્ચના રડારમાં:CEO ચિરાગ રાજપૂતનો ફોન રાજસ્થાનથી...

ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગના 3 ડોક્ટર ક્રાઈમ બ્રાન્ચના રડારમાં:CEO ચિરાગ રાજપૂતનો ફોન રાજસ્થાનથી બંધ; ખ્યાતિના ફાયનાન્સરની પ્રેમિકા સુધી પોલીસ પહોંચી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઘોડા છૂટા ગયા પછી પોલીસ તબેલાંને તાળાં મારવા નીકળી છે. જેની સામે ગુનો દાખલ થયો છે તેમાંથી એકમાત્ર ડો. પ્રશાંત વઝીરાણી જ ઝડપાયો છે જ્યારે બાકીના ‘મોટા માથાં’ ફરાર છે. હવે પોલીસ આ આરોપીના બંગલા અને ફ્લેટમાં જઈજઈને સર્ચ કરી રહી છે. મુખ્ય આરોપીઓની ભાળ મળતી નથી, પણ આ બધા વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડી એ મળી છે કે, ગાંધીનગર આરોગ્ય વિભાગના ત્રણ ડોક્ટર ક્લેઈમના રૂપિયા સરકારી પોર્ટલમાંથી ધડાધડ પાસ કરાવી દેતા હતા અને હવે તે ક્રાઈમ બ્રાન્ચના રડારમાં આવી ગયા છે. આ સિવાય પણ ખ્યાતિકાંડમાં પોલીસને એક પછી એક ઘણી માહિતી મળી રહી છે. આરોગ્ય વિભાગના ત્રણ ડોક્ટર શંકાના ઘેરામાં
ક્રાઈમ બ્રાન્ચે તમામ ફાઈલ, મોબાઈલ મેસેજ, અગત્યનો ડેટા તપાસતાં જાણવા મળ્યું કે, ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ત્રણ ડોક્ટર્સ ખ્યાતિકાંડમાં ભળેલા હતા. અત્યારે આ ડોક્ટર્સ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં છે અને તેના પર વોચ રાખી રહી છે. ટૂંક સમયમાં તેને ઝડપી લેવામાં આવશે. આ ડોક્ટર્સનું કામ એ હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાંથી PMJAY યોજનાના રૂપિયા પાસ થાય તેને સરકારી પોર્ટલમાંથી તરત જ પાસ કરાવી દેવાના હતા. ખ્યાતિમાંથી એ ડોક્ટર્સને જાણ થઈ જતી અને આ ત્રણેય ડોક્ટર્સ તરત ક્લિક કરીને ક્લેઈમ પાસ કરી આપતા. આમાં આ ડોક્ટરનું કમિશન કેટલું હતું, અથવા તો ખ્યાતિના ફાયનાન્સર દ્વારા તેને આ કામ માટે કોઈ મોટી એમાઉન્ટ અપાતી કે કેમ, તે અંગે પણ તપાસનો દોર લંબાવાયો છે. ટૂંક સમયમાં આ ત્રણેય ડોક્ટર્સ ફરતે ગાળિયો કસાશે. CEO ચિરાગ રાજપૂત રાજસ્થાન સુધી ગયો, પછી ફોન સ્વીચઓફ કરી દીધો
ખ્યાતિકાંડમાં ફરાર મુખ્ય આરોપીઓમાં ચિરાગ રાજપૂતનું નામ પણ છે. તેનો પરિચય AMHP ઈન્ડિયા ફાઉન્ડેશનની વેબસાઈટમાંથી મળી આવ્યો છે. તેમાં તેનું ડેઝિગ્નેશન ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર અને પ્રમોટર તરીકે દર્શાવ્યું છે. મકરબામાં કોર્પોરેટ રોડ પર બ્લૂ રિવેરા એપાર્ટમેન્ટમાં રહેતો ખ્યાતિ હોસ્પિટલનો CEO ચિરાગ રાજપૂત ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. શરૂઆતમાં પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ચિરાગ રાજપૂત ફરાર થઈને અમદાવાદથી રાજસ્થાન સુધી ગયો હતો. પછી તેનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. એટલે પોલીસને ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન રાજસ્થાન મળ્યું છે. આમાં બે શક્યતા છે. એક એ કે ચિરાગ રાજપૂત રાજસ્થાનથી ઉત્તરાખંડ કે દિલ્હી કે નેપાળ તરફ ગયો હોય. બીજી શક્યતા એ છે કે, પોલીસને ભરમાવવા માટે ચિરાગ રાજપૂત રાજસ્થાન સુધી ગયો હોય, ત્યાં ફોન સ્વિચઓફ કરીને પાછો અમદાવાદ તરફ આવીને દક્ષિણમાં સુરત કે મહારાષ્ટ્ર તરફ નીકળી ગયો હોય. જે મુખ્ય લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે, તે તમામ ફરાર થવામાં સફળ રહ્યા છે અને તેમા માટે વસ્ત્રાપુર પોલીસની ઢીલી નીતિ જવાબદાર છે. ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને પકડવા બે ટીમ વધારી
ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિકાંડના મુખ્ય આરોપીને પકડવા માટે ત્રણ ટીમ બનાવી હતી. આ મુખ્ય આરોપીઓ ડાયરેક્ટર કાર્તિક પટેલ,​​​​ ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત ફરાર છે. માર્કેટિંગ હેડ મિલિંદ પટેલ અને રાહુલ જૈન પણ ફરાર છે. આ તમામને ઝડપી લેવા માટે પોલીસે બીજી બે નવી ટીમ બનાવી છે. હવે ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમ આરોપીને પકડવા દિવસ-રાત એક કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલના 8 વિઝિટર ડોક્ટરના નિવેદન લેવાયાં
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ખ્યાતિ હોસ્પિટલમાં ડો. પ્રશાંત વઝીરાણીની જેમ બીજા કેટલાક ડોક્ટરો પણ સારવાર કે ઓપરેશન માટે વિઝીટર તરીકે જતા હતા. એમાંથી PMJAY યોજના હેઠળ જે રોગની સારવાર કે ઓપરેશન થઈ શકતા હોય તે વિભાગના 8 વિઝીટર ડોક્ટર્સને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તમામના નિવેદનો લીધા હતા. મિલિંદ પટેલ પણ અગત્યના ડોક્યુમેન્ટ્સ લઈને ફરાર થઈ ગયો છે
ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ હેડની નોકરી કરતો મિલિંદ પટેલ પણ ફરાર છે. દિવ્ય ભાસ્કરને આધાર કાર્ડમાંથી તેનું સરનામું મળતાં દિવ્ય ભાસ્કરની ટીમ ન્યૂ રાણીપ પાસે અયોધ્યાનગર સામે આવેલા શુકન હોમના ચોથા માળે પહોંચી હતી. જ્યાં તેનું ઘર બંધ જોવા મળ્યું હતું. આસપાસના લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મિલિંદ પટેલ અને તેનો પરિવાર ખ્યાતિકાંડ બહાર આવ્યા પછીના બીજા દિવસથી જ ગાયબ છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ખ્યાતિકાંડ બહાર આવ્યા પછી મિલિંદ પટેલ તેના ઘરે ગયો હતો અને ફાઈલો તથા અગત્યના ડોક્યુમેન્ટ લઈને ફરાર થઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલના ફાયનાન્સરની પ્રેમિકા સુધી પહોંચી
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી વાત એ બહાર આવી કે, ખ્યાતિ હોસ્પિટલમાં જેણે સૌથી વધારે રૂપિયા રોક્યા હોવાનું કહેવાય છે તે ફાયનાન્સર તો ફરાર છે પણ પોલીસ તેની પ્રેમિકા સુધી પહોંચી ગઈ છે. તપાસ કરતાં કરતાં પોલીસને તેની પ્રેમિકા વિશે જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે, પ્રેમિકાની પૂછતાછમાં ખ્યાતિના ફાયનાન્સરના ઘણા રહસ્યો બહાર આવી શકે છે. ફાયનાન્સરને પ્રેમિકા પણ છે, તેની જાણ થતાં પરિવાર પણ આઘાતમાં છે. 25 પેનડ્રાઈવ, 50 ફાઈલ, 8 કોમ્પ્યુટર જપ્ત કરાયા
ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કરીને 25 પેનડ્રાઈવ શોધી કાઢી છે. હજી આ પેનડ્રાઈવ ઓપન નથી કરી પણ તેમાં બધા કાળાધંધાના હિસાબ કિતાબ અથવા એન્જિયોગ્રાફીના ફેક વીડિયો હોઈ શકે છે. સાથેસાથે પોલીસે 50થી વધારે ફાઈલ અને 8 કોમ્પ્યુટર પણ જપ્ત કર્યા છે. પોલીસને ખ્યાતિ હોસ્પિટલના સર્ચ દરમિયાન રજીસ્ટર મળી આવ્યું છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિવિધ ગામોમાં કરેલા 13 જેટલા મેડિકલ કેમ્પની યાદી અને તમામ પેશન્ટના નામ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરીને જાણશે કે, બોરીસણા ગામના દર્દીઓની જેમ આ લોકોના પણ ખોટી રીતે ઓપરેશન કરી દેવાયા હતા કે કેમ? પોલીસે 6 ડોક્ટર માગ્યા, સરકારે બે જ આપ્યા!
ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલમાંથી એન્જિયોગ્રાફીની સીડી, મેડિકલ ફાઈલો જપ્ત કરી છે. તે તમામ દસ્તાવેજો ચેક કરવા માટે પોલીસે સરકાર પાસેથી આરોગ્ય વિભાગના 6 ડોક્ટરોની ટીમ માગી હતી. જેથી તપાસ તેજ બની શકે પણ સરકારે પહેલાં એક ડોક્ટર ગજેન્દ્ર દુબેને તપાસ માટે નિયુક્ત કર્યા પછી બીજા ડોક્ટર આપ્યા. બાકીના 4 ડોક્ટર ફાળવવાના હતા ત્યાં સોમનાથમાં સરકારની ચિંતન શિબિર આવી ગઈ એટલે આ કાર્યવાહી અટકી પડી. ચિંતન શિબિર પૂરી થઈ ત્યાં વચ્ચે રવિવાર આવી ગયો. સોમવારે સરકાર બાકીના ડોક્ટર ફાળવે તો ફાળવે, નહીંતર વાત મંગળ-બુધ પર જઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments