સુરતના મોટા વરાછા થઈ દુબઈથી ચાલતા 111 કરોડના ઓનલાઇન ચીટિંગમાં પકડાયેલા આરોપી નાનજી બારૈયાએ આધારકાર્ડમાં એડ્રેસ ચેંજ કરાવ્યું તે ગ્રાહક સેવા કેન્દ્ર પર સાયબર ક્રાઇમે રેડ કરી મામા-ભાણેજને પકડી પાડ્યા છે. તેમના લેપટોપમાંથી ભાજપના મહિલા કોર્પોરેટરની ડિજિટલ સહી અને સિક્કા ઉપરાંત 205 ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટો મળી આવ્યા છે. આરોપીએ સીએસસીમાં આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં એડ્રેસ ચેંજ કરાવવામાં બોગસ ડોક્યુમેન્ટો બનાવી અપલોડ કરી દેતા હતા. કોર્ટે બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
સાયબર ક્રાઇમના કર્મી યોગેશે વરાછા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે કેન્દ્રના સંચાલક ભાવેશ ગજેરા (ઉં.વ.34, રહે. બી 11 ગોપીનાથજીનગર લજામણી ચોક મોટા વરાછા મૂળ રહે. વંડા ગામ, તા. સાવરકુંડલા, જિ.અમરેલી) અને તેના ભાણેજ પ્રતિક કોલડીયા (ઉં.વ.22, રહે. બી 34 ગોપીનાથજી નગર લજામણી ચોક મોટા વરાછા, મૂળ રહે. દાધીયા ગામ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. કોર્ટે બંનેના 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. બંને આરોપી મહિલા કોર્પોરેટરની જાણ બહાર ડિજિટલ સહી-સિક્કા મેળવીને ખેલ કરતા હતા. સાઇબર ક્રાઈમની ટીમે બે દિવસ પહેલાં વરાછા વૃદાવન સોસાયટીના ગ્રાહક સેવા કેન્દ્ર પર દરોડા પાડ્યા હતા. સેન્ટરમાંથી 2 લેપટોપ, 3 મોબાઇલ, મોર્ફો (ફિંગર પ્રિન્ટ ડિવાઇસ), વેબકેમ સહિત 1.33 લાખની મતા જપ્ત કરી હતી. 500 રૂપિયા વસૂલતા હતા
સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને 15 હજારના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું. 300થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેંજ કરી આપતા હોવાની પણ વાત છે. મેં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથીઃ કોર્પોરેટર
આ મામલે વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર ભાવીષા પટેલે જણાવ્યું હતું કે, મેં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. મને આ બાબતે કોઈ જાણકારી નથી. મારી સહી અને સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરાયો છે. વળી આ વિસ્તાર પણ મારો નથી. હું આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ.