મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી તથા વાવ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું, જ્યાં મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ સરકાર બનવવા જઈ રહી છે તેમજ અન્ય રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થતા તેની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેઇટ ચોક ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ ખવરાવી ઉજવણી કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જેના પગલે દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભાવનગર શહેર દ્વારા પણ શહેરના ઘોઘાગેટ ચોક ખાતે આતશબાજી કરી મોં મીઠા કરાવી ઉજવણી કરી જીતને વધાવી હતી. તેમજ બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું હતું જેમાં કોંગ્રેસના ગુલાબસિંહને ભાજપના સ્વરૂપજી ઠાકરે હરાવી જીત મેળવી છે. વાવ વિધાનસભા એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, આ બેઠક પર કોંગ્રેસના ગેનીબેનની જીત થઈ હતી. જોકે, તેઓએ લોકસભાની બેઠકમાં જીત મેળવતા વાવ વિધાનસભાની બેઠક ખાલી થઈ હતી જેની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક ગુમાવી હતી. જ્યાં ગેનીબેનનો જાદુ પણ ચાલ્યો ન હતો, ભાજપની ભારે રસાકસી બાદ ભવ્ય જીત થઈ હતી. શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉજવણી પ્રસંગે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, સંગઠન મહામંત્રીઓ, હોદ્દેદારોઓ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.